સોમવારે (13 મે, 2024) દેશના અનેક વિસ્તારોમાં તેજ હવા સાથે વરસાદી વાતાવરણ રહ્યું હતું. ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદ અને કરા પડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ખાસ કરીને મુંબઈમાં માવઠાની અસર વધુ જોવા મળી હતી. ધૂળની ડમરી ચડાવતી તેજ હવાના કારણે મુંબઈના ઘાટકોપરમાં એક વિશાળ હોર્ડિંગ (બિલબોર્ડ) પડવાથી ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં મૃત્યુ પામનારાઓની સંખ્યા મંગળવાર સવાર સુધીમાં 14 થઈ ચૂકી છે અને ઓછામાં ઓછા 74 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મુંબઈના ઘાટકોપરમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલું હોર્ડિંગ પડતાં અનેક જાનહાનિ જોવા મળી છે. 14 લોકોના મોત થયા હોવાથી હવે કાર્યવાહી પણ તેજ બની ગઈ છે. હોર્ડિંગની નીચે ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવા માટે NDRFની ટીમોએ રાતભર બચાવ અભિયાન ચાલુ રાખ્યું હતું. અધિકારીઓએ આ મામલે કહ્યું છે કે, હોર્ડિંગનું નિર્માણ મહાનગરપાલિકાની મંજૂરી વગર જ કરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને લઈને કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.
#BREAKING | Heavy rain with gusty winds batter Mumbai: Giant billboard collapses in Ghatkopar. More than 50 injured, over 60 feared trapped | CAUGHT ON CAM #VIDEO #MumbaiRains #Ghatkopar pic.twitter.com/vAMkK2qEMW
— Republic (@republic) May 13, 2024
હોર્ડિંગ પંત નગરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની બાજુમાં એક પેટ્રોલ પંપ પર પડ્યું હતું. ઘટના સમયે ત્યાં ઘણા લોકો હાજર હતા. આ હોર્ડિંગ લગભગ 17,040 વર્ગ ફૂટનું હતું અને તેનો ઉલ્લેખ લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં સૌથી મોટા બિલબોર્ડ તરીકે કરવામાં આવ્યો હતો. BMC (Brihanmumbai Municipal Corporation) અનુસાર, તે સ્થળ પર લગાવવામાં આવેલું આ બિલબોડ ગેરકાયદેસર હતું. કોઈપણ મંજૂરી વગર તેને લગાવવામાં આવ્યું હતું.
બિલબોર્ડનું નિર્માણ કરનારી એજન્સી M/S ઇગો મીડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ BMCએ FIR નોંધાવી છે. BMCએ કહ્યું છે કે, તેમના તરફથી વધુમાં વધુ 40 x 40 વર્ગ ફૂટના આકારનું હોર્ડિંગ લગાવવાની પરમીશન આપવામાં આવે છે. જોકે, જે હોર્ડિંગ પડ્યું છે, તેનો આકાર 120 x 120 વર્ગ ફૂટ છે. BMCએ એજન્સીને પોતાના તમામ હોર્ડિંગ્સ તાત્કાલિક રીતે હટાવવા માટેના આદેશ આપ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. તેમણે મૃતક પરિવારો માટે ₹5 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. ઉપરાંત ઘાયલોની સારવારનો તમામ ખર્ચ પણ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવશે.
#Watch | #Mumbai | Ghatkopar hoarding collapse incident | Latest visuals of the rescue operations from the spot.
— DD News (@DDNewslive) May 14, 2024
The death toll in the #Ghatkopar hoarding collapse incident has risen to 14 pic.twitter.com/OxZh6xLpeA
તાજેતરમાં પણ ત્યાં બચાવ કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સહિતની તમામ ટીમો ઘટનાસ્થળે ઘડેપગે છે. રેસ્ક્યૂ ઓપરેશન કરીને દરેક વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. NDRFની ટીમ સાથે પોલીસ અને સ્થાનિક લોકો પણ મદદ માટે આવ્યા છે.