લોકસભા ચૂંટણી ટાણે વડાપ્રધાન મોદી અનેક રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. દરમિયાન તેઓ 12 મેના રોજ બિહાર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભવ્ય રોડ શૉ પણ યોજ્યો હતો. હજારોની જનમેદની વડાપ્રધાન મોદીની એક ઝલક માટે રોડ પર આવી પહોંચી હતી. જ્યારે હવે બિહાર પ્રવાસના બીજા દિવસે PM મોદી પટના સ્થિત તખ્ત શ્રી હરમંદિર સાહેબ ગુરુદ્વારામાં પહોંચ્યા હતા અને માથું ટેકવી અરદાજ કરી હતી. PM મોદીએ રસોઈ બનાવી અને લંગરની સેવા પણ આપી હતી.
બિહાર પ્રવાસના બીજા દિવસે એટલે કે સોમવારે (13 મે, 2024) PM મોદીએ પટના સ્થિત તખ્ત શ્રી હરમંદિર સાહેબ ગુરુદ્વારામાં માથું ટેકવી સેવાનો લાભ લીધો હતો. અહીં પ્રસાદ ગ્રહણ કરીને વડાપ્રધાન મોદી લંગરવાળા વિસ્તારમાં ગયા હતા. અહીં તેમણે રસોઈ બનાવી હતી. તે દરમિયાન જ તેઓ રોટલીઓ વણતા પણ નજરે ચડ્યા હતા. તે ઉપરાંત લંગરમાં બેઠેલા લોકોને પોતાના હાથે ભોજન પણ પીરસ્યું હતું.
#WATCH | PM Narendra Modi serves langar at Gurudwara Patna Sahib in Patna, Bihar pic.twitter.com/qhj5RuHTHh
— ANI (@ANI) May 13, 2024
વડાપ્રધાન મોદીએ કેસરી રંગની પાઘડી પણ ધારણ કરેલી હતી. ગુરુદ્વારામાં તેમણે લગભગ 20 મિનિટ સુધી સેવા આપી હતી. તેમની સાથે રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલો એવો કિસ્સો છે કે, જ્યારે વડાપ્રધાન પોતે પટના સાહેબ ગુરુદ્વારામાં માથું ટેકવા માટે આવ્યા હોય. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.
ત્રણ જાહેર સભાઓને સંબોધશે વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી 12 મેના રોજ રાત્રિના સમયે બિહાર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભવ્ય રોડ શૉનું પણ આયોજન કર્યું હતું. હજારોની સંખ્યામાં લોકો વડાપ્રધાનને જોવા માટે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ PM મોદીએ રાજભવન ખાતે રાત્રિરોકાણ કર્યું હતું. સવારે તેમણે પટના સાહેબ ગુરુદ્વારામાં માથું ટેકવ્યું હતું અને હવે તેઓ ત્રણ જાહેર સભાઓને સંબોધિત કરશે.
PM મોદીની પહેલી જાહેર સભા હાજીપુરમાં યોજાવાની છે. ત્યારબાદ તેઓ મુઝફ્ફરપુર જિલ્લાના પતાહી અને સારણ લોકસભા વિસ્તારમાં જાહેર સભાને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદીની સભાને લઈને સમગ્ર બિહારમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ભાજપ અને RJDના કાર્યકર્તાઓએ તમામ સ્થળોએ મોટા આયોજન કર્યા છે. તમામ રોડ-રસ્તા પર પોલીસ કાફલા ખડકી દેવામાં આવ્યા છે અને પાડોશી રાજ્યોની સરહદો સીલ કરી દેવામાં આવી છે. સોમવાર સાંજ સુધી વડાપ્રધાન મોદી બિહારમાં સભાઓ ગજવશે.