તાજેતરમાં ડીસાની એક હિંદુ યુવતી સાથે બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે આરોપી વડોદરાના બસ ડ્રાઈવર ઇમરાન કાસમ હુસૈનની ધરપકડ કરી લીધી છે. આરોપીએ પીડિતાને અનેક પ્રકારની ધમકીઓ આપીને બ્લેકમેલ કરીને ચાલુ બસ સહિત અનેક વાર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. પીડિતાએ ઈમરાનના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતાં આખી ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ ડીસાની અને નવસારી પરણેલી હિંદુ યુવતી પર બળાત્કાર કરવાના આરોપી ઇમરાન કાસમ હુસેનની પોલીસે વડોદરાના કરજણ ટોલનાકા પાસેથી ઝડપી લીધો હતો. ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ધરપકડ બાદ પોલીસે ઇમરાન વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. બીજી તરફ દવાખાનામાં સારવાર લઈ રહેલી પીડિતાનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું સામે આવ્યું છે.
આરોપીની ધરપકડ બાદ અન્ય હિંદુ યુવતીઓ ફસાવી હોવાની માહિતી પોલીસને મળી છે- પીડિતાના વકીલ
આ સમગ્ર મામલે કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે તે વિશે માહિતી લેવા ઑપઇન્ડિયાએ પીડિતા પક્ષે કેસ લડી રહેલા એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણીનો સંપર્ક કર્યો હતો. ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, “ધરપકડ બાદ પોલીસે ઇમરાનની તપાસ કરતા તેમને તેના ફોનમાંથી અન્ય કેટલીક યુવતીઓ વિશે માહિતી મળી છે. મને જાણ છે ત્યાં સુધી તે તમામ યુવતીઓ પણ હિંદુ જ છે. આરોપીએ પીડિતાને એવી ધમકીઓ આપી હતી કે તેણે હત્યા કરી છે અને તેની જગ્યા પર અન્ય કોઈ વ્યક્તિ જન્મટીપની સજા ભોગવી રહ્યો છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “પીડિતાના જણાવ્યા અનુસાર ઈમરાને તેને એ હદે દ્રવી હતી કે તે તેની તમામ વાતો માની રહી હતી. તે તેના પતિની ઓફિસે પહોંચીને તેના ફોટા પીડિતાને મોકલતો અને કહેતો કે તું વાત નહીં કરે તો તારા પતિની હત્યા કરી દઈશ. આરોપીની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે તેમ છે.”
શું હતી આખી ઘટના?
ઉલ્લેખનીય છે કે ડીસા તાલુકાના એક ગામમાં રહેતી 25 વર્ષની હિંદુ યુવતીના લગ્ન નવસારી રહેતા એક યુવક સાથે કરવામાં આવ્યા હતા. આશરે 6 મહિના પહેલા આ યુગલ એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં ઉત્તર ભારતના પ્રવાસે ગયું હતું. પીડિતા ફાઈન આર્ટસની વિદ્યાર્થિની હોવાથી તે ચિત્રકલામાં પારંગત છે, યાત્રામાં તે પોતાના સાથે પ્રવાસ કરી રહેલા યાત્રીઓને પોતાનાં ચિત્રો દેખાડી રહી હતી. દરમિયાન બસના ડ્રાઈવર ઇમરાન કાસમ હુસૈન ઘોરીએ તેના ચિત્રોનાં વખાણ કરીને તેનો પરિચય કેળવી લીધો હતો.
કાસમે ચિત્રોનાં વખાણ કરીને પોતે પણ કેટલાક ચિત્રો બનાવવા હોવાનું કહીને પરિણીતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ માંગ્યું હતું. પીડિતાએ તેને પોતાનું ઈન્સ્ટાગ્રામ આઈડી આપ્યું હતું. આઈડી મળ્યા બાદ ઈમરાને તેની સાથે પરિચય કેળવ્યો હતો અને મેસેજમાં વાત કરવાનું ચાલુ કરી દીધું હતું. ટેલીફોનીક વાતચીત આરોપીએ પીડિતાને પતિની હત્યાની ધમકી આપી સંપર્કમાં રહેવા કહ્યું હતું જેથી તે ડરી ગઈ હતી.
એક દિવસ પરિણીતા નવસારીથી ડીસા આવી રહી હતી. જેની જાણ ઇમરાનને થતા તેણે વડોદરા પાસે બસ અટકાવી તેની સાથે સ્લીપર કેબીનમાં બેસી ગયો હતો. જેવી બસ ઉપડી, તેણે યુવતીને પરિવારની હત્યાની ધમકીઓ આપીને ચાલુ બસે પીડિતાની આબરૂ લૂંટી હતી. આવી જ રીતે જયારે પીડિતા ડીસાથી પરત નવસારી આવી રહી હતી, ત્યારે ઈમરાને અંકલેશ્વર પાસે આવેલી એક હોટલ પાસેથી યુવતીને બસમાંથી ઉતારી પોતાની સાથે ઉઠાવી ગયો હતો અને ફરી બળાત્કાર ગુજાર્યો હતો.