શુક્રવારે (10 મે) સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં પકડાયેલા અને છેલ્લા 40 દિવસથી જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપતો આદેશ કર્યો. લોકસભા ચૂંટણીને ધ્યાને લેતાં કોર્ટે કેજરીવાલને 1 જૂન, 2024 સુધીના જામીન આપ્યા. 2 જૂનના રોજ તેમણે જેલમાં હાજર થવાનું રહેશે.
ધરપકડ અને જામીન વિરૂદ્ધ કરેલી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવ્યા બાદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, જ્યાં સુનાવણી ચાલી રહી છે. અરજી પર નિર્ણય હજુ બાકી છે, પરંતુ કોર્ટે ચૂંટણી ધ્યાનમાં રાખીને આ આદેશ આપ્યો છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને દિપાંકર દત્તાની બેન્ચે આ આદેશ પસાર કર્યો. જામીન આપતાં કોર્ટે કહ્યું કે, “અરજદાર અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે અને રાજકીય પાર્ટીના નેતા છે. તેમાં કોઇ શંકા નથી કે તેમની વિરુદ્ધ જે આરોપો લાગ્યા છે તે ગંભીર છે, પરંતુ તેઓ હજુ સુધી દોષી ઠેરવવામાં આવ્યા નથી. તેમનો કોઇ ગુનાહીત ભૂતકાળ પણ નથી અને સમાજ માટે તેઓ કોઈ જોખમ હોય તેમ પણ નથી.”
જોકે, સુપ્રીમ કોર્ટ કેજરીવાલના વચગાળાના જામીન માટે અમુક શરતો મૂકી છે, જેનું તેમણે ફરજિયાતપણે પાલન કરવું પડશે અને ઉલ્લંઘન પર જામીન રદ પણ થઈ શકે છે.
-કેજરીવાલે ₹50,000 બોન્ડ તરીકે ભરવા પડશે.
-તેઓ દિલ્હીના સચિવાલય કે મુખ્યમંત્રી કાર્યાલયની મુલાકાત લઇ શકશે નહીં.
-તેમણે પોતાના નિવેદન પર કાયમ રહેવું પડશે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ જરૂરી હોય ત્યાં સુધી અને દિલ્હીના ઉપરાજ્યપાલની મંજૂરી માટે જરૂરી ન હોય ત્યાં સુધી કોઇ અધિકારિક ફાઇલ ઉપર હસ્તાક્ષર ન કરે
-તેઓ વર્તમાન કેસમાં પોતાની ભૂમિકા વિશે કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરી શકશે નહીં
-આ દરમિયાન તેઓ કોઇ પણ સાક્ષી સાથે વાતચીત કરી શકશે નહીં અથવા તો કેસ સાથે જોડાયેલી કોઇ અધિકારિક ફાઇલ જોઈ શકશે નહીં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેજરીવાલ શુક્રવારે જ જેલની બહાર આવી શકે છે, જ્યાંથી તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને જશે. કોર્ટે તેમને જોકે પ્રચાર કરવાની છૂટ આપી છે. 1 જૂન સુધી તેઓ બહાર રહેશે અને ત્યારબાદ 2 જૂનના રોજ સરેન્ડર કરવું પડશે. તેમના વકીલે 5 જૂન સુધીની પરવાનગી માંગી હતી, પરંતુ કોર્ટે તે નામંજૂર રાખીને 1 જૂનની તારીખ જ નક્કી કરી છે.