Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘આ ટુકડે-ટુકડે ગેંગનો પ્રભાવ, શહીદોનું અપમાન સાંખી ન લેવાય’: કલમ 370 પર...

    ‘આ ટુકડે-ટુકડે ગેંગનો પ્રભાવ, શહીદોનું અપમાન સાંખી ન લેવાય’: કલમ 370 પર કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની ટિપ્પણીને લઈને PM મોદીના પ્રહાર

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં વિશાળ જનસભાને સંબોધતા મલ્લિકાર્જુન ખડગે પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદન બિહાર અને રાજસ્થાનના વીર સૈનિકો અને તેમના પરિવારનું અપમાન ગણાવ્યું હતું.

    - Advertisement -

    અગામી લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તાજેતરમાં રાજસ્થાન ખાતે એક સભાને સંબોધી હતી. આ સભામાં સંબોધન કરતાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી ધારા 370નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે 370ને લઈને કહ્યું હતું કે વડાપ્રધાન દ્વારા અન્ય રાજ્યોમાં 370 મુદ્દે બોલવાનું કોઈ ઔચિત્ય નથી અને અન્ય રાજ્યોને તેની સાથે કશું લેવાદેવા નથી. ત્યારે હવે કલમ 370 પર આ ટિપ્પણીને લઈને પીએમ મોદી કોંગ્રેસ અધ્યક્ષ ખડગે પર વરસતા જોવા મળ્યા.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં વિશાળ જનસભાને સંબોધતાં મલ્લિકાર્જુન ખડગે પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદન બિહાર અને રાજસ્થાનના વીર સૈનિકો અને તેમના પરિવારનું અપમાન ગણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે આ તે શહીદોનું અપમાન છે જેમણે જમ્મુ-કાશ્મીરની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે.

    ખડગેની વાત સાંભળીને મને શરમ આવી- પીએમ મોદી

    કલમ 370 પર ટિપ્પણીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર પ્રહાર કરતાં પીએમ મોદી બોલ્યા કે, “કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ નાનું પદ નથી. તેમણે હમણાં રાજસ્થાનમાં ક્યાંક ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે, મોદી રાજસ્થાનમાં આવીને 370ની વાત કેમ કરે છે? આ સાંભળીને મને ખૂબ જ શરમ આવી.” આ દરમિયાન તેમણે વિશાળ જનમેદનીને હાથ લાંબો કરીને પૂછ્યું કે, “શું જમ્મુ અને કાશ્મીર આપણું નથી?” જેના જવાબમાં જનતાએ જુસ્સાથી હકારમાં જવાબ આપ્યો.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરને બચાવવા અનેક વીરોએ બલીદાન આપ્યા- પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે, “કોંગ્રેસ સમજી લે અને સાંભળી લે… આ જ કાશ્મીરની અને માતૃભૂમિની રક્ષા માટે મારા બિહારના નવયુવાનોએ બલિદાન આપ્યાં છે. અનેક વીર જવાનો કાશ્મીરને બચાવવા માટે થઈને તિરંગામાં લપેટાઈને આવે છે. રાજસ્થાનની ધરતી પર પણ કેટ-કેટલાય શહીદ વીરોના પરિવારો છે, જેમના દીકરાઓ માતૃભૂમિ અને કાશ્મીરના રક્ષણ માટે બલિદાન થયા છે.”

    આ ટુકડે-ટુકડે ગેંગનો પ્રભાવ, તેમને માફ ન કરી શકાય- વડાપ્રધાન મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પ્રહાર કરતા આગળ કહ્યું કે, “તમે એમ કહો છો કે હિન્દુસ્તાનના પેલા ખૂણે 370ને શું લાગે-વળગે, આ ખૂણાને શું લાગે-વળગે? આ ટૂકડે-ટુકડે ગેંગનો પ્રભાવ છે કે આ લોકો આવી ભાષા વાપરી રહ્યા છે. શું આવી ભાષા બોલવાવાળા લોકોને માફ કરી શકાય? શું શહીદોનું અપમાન કરનાર લોકોને માફ કરી શકાય?” તેમના આ પ્રશ્ન જવાબમાં પણ સભામાં હાજર સેંકડો લોકોએ નામાં જવાબ આપ્યો અને પીએમની વાતનું સમર્થન કર્યું.

    આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ખડગેને અવળા હાથે લીધા હતા

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ જ વિષય પર મલ્લિકાર્જુન ખડગે પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે X પર એક પોસ્ટ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટીનું ‘કાશ્મીર સે ક્યા વાસ્તા હૈ’ પૂછવું શરમજનક છે.” આગળ તેમણે કહ્યું કે, “કોંગ્રેસને હું યાદ કરાવવા માંગું છું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને દરેક રાજ્ય અને દરેક નાગરિકને જમ્મુ-કાશ્મીર પર એટલો જ અધિકાર છે, જેટલો કાશ્મીરના લોકોનો ભારતના બાકીના ભાગ પર છે.”

    આગળ ગૃહમંત્રીએ લખ્યું કે, “કોંગ્રેસ એ પણ નથી જાણતી કે રાજસ્થાનના સપૂતોએ કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષા જળવાય રહે તે માટે બલિદાનો આપ્યાં છે. પરંતુ આ કોંગ્રેસના નેતાઓની ખામી નથી, આ પાર્ટીનું ઇટાલિયન કલ્ચર છે, જે ભારતને સમજી શકતું નથી.” તેમણે કહ્યું કે, “આ પ્રકારનાં નિવેદનો ભારતની એકતા અને અખંડિતતા માટે સમર્પિત દરેક દેશભક્ત નાગરિકને પીડા પહોંચાડશે. લોકો કોંગ્રેસને જરૂરથી જવાબ આપશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં