આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ત્રીજી યાદીમાં તમામ ઉમેદવારો તમિલનાડુના જ છે. કુલ 9 નામ જાહેર કરવામાં આવ્યાં છે, જેમાં તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઇનું નામ પણ સામેલ છે. તેઓ કોયમ્બતૂર બેઠક પરથી ચૂંટણી લડશે.
ભાજપે ગુરુવારે (21 માર્ચ) ત્રીજી યાદી બહાર પાડી હતી. જેમાં તમિલનાડુની 9 લોકસભા બેઠકો પર ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી.
Third List of BJP candidates for ensuing General Elections 2024 to the Parliamentary Constituencies of Tamil Nadu finalised by BJP CEC.@BJP4TamilNadu pic.twitter.com/EfZmfRwGJr
— BJP Central Media (@BJPCentralMedia) March 21, 2024
યાદી અનુસાર, ચેન્નાઈ દક્ષિણ બેઠક પર તમિલીસાઈ સુંદરરાજન ચૂંટણી લડશે. તેઓ તેલંગાણાનાં રાજ્યપાલ રહી ચૂક્યાં છે. 2 દિવસ પહેલાં જ તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયાં હતાં. તેઓ 2019 સુધી તમિલનાડુ ભાજપનાં પ્રમુખ હતાં. સપ્ટેમ્બર, 2019માં તેમને તેલંગાણાનાં રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. ગત સોમવારે (18 માર્ચ) તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને 20 માર્ચે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયાં હતાં. હવે પાર્ટીએ તેમને ચેન્નઈ દક્ષિણ બેઠક પરથી ટીકીટ આપી છે.
આ સિવાય, ચેન્નાઈ સેન્ટ્રલ બેઠક પરથી વિનોજ સેલ્વમ જ્યારે વેલ્લોર બેઠક પરથી ડૉ. એસી શણમુગમ ચૂંટણી લડશે. કૃષ્ણગિરિથી સી. નરસિમ્હાને ભાજપે ટીકીટ આપી છે, જ્યારે નીલગિરીથી ડૉ. એલ મુરુગન ચૂંટણી લડશે. તેઓ હાલ મોદી સરકારમાં રાજ્ય મંત્રી છે.
કોણ છે કે. અન્નામલાઈ?
તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અને ફાયરબ્રાન્ડ યુવા નેતા તરીકે ઓળખાતા કે. અન્નામલાઇ કોયમ્બતૂરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ દક્ષિણ ભારતમાં ભાજપનો મોટો ચહેરો બની ચૂક્યા છે. યુવા નેતા તરીકે બહુ ટૂંકા સમયમાં ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે. તમિલનાડુમાં ભાજપના વધતા વિસ્તારનો ઘણોખરો શ્રેય તેમને આપવામાં આવે છે.
મિકેનિકલ એન્જિનિયરિંગ બાદ તેમણે IIM લખનૌ ખાતેથી MBA કર્યું હતું. 2011માં પોલીસ ફોર્સમાં સામેલ થયા અને કર્ણાટકમાં આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસ તરીકે પોસ્ટિંગ મળ્યું. 8 વર્ષની કારકિર્દીમાં તેમણે એક કઠોર પોલીસકર્મી તરીકેની છાપ બનાવી હતી અને એટલે જ તેમને ‘સિંઘમ અન્ના’ ઉપનામ પણ મળ્યું હતું. 2019માં તેમણે બેંગ્લોરના DCP પદ પરથી રાજીનામું આપ્યું અને રાજકારણમાં ઝંપલાવ્યું હતું.
2020માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા અને 2021માં તમિલનાડુના સૌથી યુવા અધ્યક્ષ બન્યા. હાલ તેઓ રાજ્યમાં પાર્ટીની કમાન સંભાળે છે. તેઓ વડાપ્રધાન મોદીના મોટા પ્રશંસક છે.