તાજેતરમાં વડોદરા શહેરમાં લોકસભા બેઠકનાં ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં. આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતાઓનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ મામલે હેરી ઓડ નામના એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોવાનું કહેવાય છે, જે શહેર યૂથ કોંગ્રેસનો પ્રમુખ છે. જ્યારે કોંગ્રેસના અન્ય એક નેતાનું નામ પણ સામે આવી રહ્યું છે.
પોલીસે CCTV ફૂટેજના આધારે હેરીની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં સાંસદ વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા બાદ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી અને વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. ત્યારબાદ થયેલી તપાસમાં હેરી અને અન્ય એક ધ્રુવિત વસાવાનાં નામો ખૂલ્યાં હતાં. ધ્રુવિત વિધાનસભા કોંગ્રેસ મહામંત્રી હોવાનું જાણવા મળ્યું છે. હેરીની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેને પૂછપરછ માટે વારસિયા પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો.
વડોદરામાં રંજન ભટ્ટ વિરુદ્ધમાં બેનર લગાવવા મામલે યુથ કોંગ્રેસ પ્રમુખ હેરી ઓડે પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત | TV9Gujarati#vadodara #posterwar #loksabhaelections #ranjanbhat #congress #harryode #bjp #gujarat #tv9gujarati pic.twitter.com/EiCMoaxeyf
— Tv9 Gujarati (@tv9gujarati) March 20, 2024
TV9ના રિપોર્ટ અનુસાર, પોલીસ પૂછપરછમાં હેરી ઓડે સાંસદ રંજનબેન વિરુદ્ધ પોસ્ટર લગાવવાની કબૂલાત કરી છે. જ્યારે ધ્રુવિતને પકડવા માટે વિવિધ ટીમ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ બંને સિવાય આ કાવતરામાં અન્ય પણ કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે બાબતની તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે (20 માર્ચ) સવારે વડોદરા શહેરના કારેલીબાગ સહિતના અમુક વિસ્તારોમાં પોસ્ટરો લાગેલાં જોવા મળ્યાં હતાં, જેમાં વર્તમાન સાંસદ અને લોકસભા ચૂંટણી 2024માં વડોદરા બેઠકનાં ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ વિવાદાસ્પદ લખાણ લખવામાં આવ્યાં હતાં. એક પોસ્ટરમાં ‘મોદી તુજ સે બેર નહીં, રંજન તેરી ખેર નહીં’ લખવામાં આવ્યું હતું તો અન્ય એકમાં ‘સત્તાના નશામાં ચૂર ભાજપા શું કોઇને પણ ઠોકી બેસાડશે? વડોદરાની જનતા નિઃસહાય, કેમકે જનતા મોદીપ્રિય…..’ લખવામાં આવ્યું હતું.
આ મુદ્દો ચગ્યા બાદ CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં એક ઇકો કારમાંથી ઉતરીને 2 યુવાનો પોસ્ટરો લગાવતા જોવા મળે છે. જેમાંથી એક હેરી ઓડ હોવાની આશંકાએ તેની અટકાયત કરી લેવામાં આવી હતી, ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતાં તેણે કબૂલાત કરી હોવાનું કહેવાય છે.
VADODARA : રંજનબેન ભટ્ટના પોસ્ટર મામલે મોટો ઘટસ્ફોટ,
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) March 20, 2024
કોંગ્રેસના કાર્યકર્તા હરેશ ઓડની અટકાયત,
News Capital સાથે રંજબેનભટ્ટેની EXCLUSIVE વાતચીત
#NewsCapitalGujarat #JaneCheGujarat #Gujarat #Vadodara #Election2024 #BJP #Congress @BJP4Gujarat @INCGujarat @mpvadodara pic.twitter.com/R1gnD2m1Ew
સમગ્ર મામલે સાંસદ રંજનબેન ભટ્ટે ન્યૂઝ ચેનલ ‘ન્યૂઝ કેપિટલ ગુજરાત’ને કહ્યું કે, “પોસ્ટરો લગાવનારને તુરંત શોધી કાઢવા બદલ હું પોલીસ કમિશનર અને તેમની ટીમનો આભાર વ્યક્ત કરું છું. કોઈકને કોઈક કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો વ્યક્તિ જ આ કાર્ય કરી શકે. હું પોલીસને ફરી અભિનંદન આપું છું અને અપીલ કરું છું કે આ પોસ્ટર લગાવનાર ઉપરાંત આ કાવતરું રચનારા તમામને શોધી કાઢીને તેમને બહાર પાડે.” તેમણે કહ્યું કે, “ભાજપનો કોઇ પણ કાર્યકર્તા આવી માનસિકતા રાખે નહીં. આ કોંગ્રેસના જ માણસોનું કાવતરું લાગે છે.”