તમિલનાડુ સરકાર ફરી વિવાદમાં આવી છે. અહીંની DMK સરકારના એક મંત્રીએ અખબારમાં એક જાહેરાત પ્રકાશિત કરતી વખતે ચીની રોકેટની તસવીર છપાવી હતી. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સરકાર પર પ્રહાર કર્યા છે અને તેને ISRO વૈજ્ઞાનિકોનું અપમાન ગણાવ્યું છે.
વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે (28 ફેબ્રુઆરી, 2024) તમિલનાડુના પ્રવાસે હતા. અહીં તેમણે કુશલશેખરપટ્ટીનમ ખાતે ISROના નવા લૉન્ચિંગ કૉમ્પ્લેક્સનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ પહેલાં DMK દ્વારા સ્થાનિક અખબારોમાં એક જાહેરાત છપાવવામાં આવી, જેમાં સીએમ સ્ટાલિન અને વડાપ્રધાન મોદીના ફોટો પાછળ એક રૉકેટ જોવા મળે છે, જેની ઉપર ચીનનો ઝંડો દેખાય છે. નીચે DMK સાંસદ અને પાર્ટીના અન્ય નેતાઓની તસવીરો જોવા મળે છે.
આ જાહેરાત DMK મંત્રી તીરુ અનિતા રાધાકૃષ્ણન દ્વારા આપવામાં આવી હતી, જે 28 ફેબ્રુઆરીના રોજ અનેક તમિલ અખબારોમાં પ્રકાશિત થઈ. સોશિયલ મીડિયામાં તેની તસવીરો વાયરલ થયા બાદ ખૂબ ટીકા થઈ રહી છે.
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ કૃત્યની ટીકા કરી છે. બુધવારે એક સભા સંબોધતાં PM મોદીએ કહ્યું કે DMKએ ભારતના વૈજ્ઞાનિકોનું અપમાન કર્યું છે અને આ કૃત્ય બદલ તેમણે માફી માંગવી જોઈએ.
DMK’s advertisement today is hilarious. They have insulted Indian science and the Indian space sector, for which they must apologise. pic.twitter.com/RwghHNji7q
— Narendra Modi (@narendramodi) February 28, 2024
તેમણે કહ્યું, “DMK એક એવી પાર્ટી છે, જે કામ તો કરતી નથી પરંતુ ખોટી ક્રેડિટ લેવા માટે આગળ રહે છે. તેઓ આપણી સ્કિલ પર પોતાનાં સ્ટીકરો ચોંટાડી દે છે તે હવે કોણ નથી જાણતું? હવે તો તેમણે હદ કરી નાખી. આ લોકોએ તમિલનાડુમાં ISRO લૉન્ચપેડની ક્રેડિટ લેવા માટે ચીનનું સ્ટિકર ચોંટાડી દીધું છે.” આગળ તેમણે ઉમેર્યું કે, “આ DMK નેતાઓ કશું જોઈ શકતા જ નથી. તેઓ ભારતની પ્રગતિ, ભારતની સ્પેસ એજન્સીની પ્રગતિ જોવા માટે તૈયાર નથી.”
PM મોદીએ પ્રહાર કરતાં કહ્યું કે, “જે ટેક્સના પૈસા તમિલનાડુની જનતા આપે છે, તેનાથી તેમણે જાહેરાતો આપી અને તેમાં ભારતનું ચિત્ર નહીં મૂક્યું, તેઓ ભારતની સફળતા બતાવવા માંગતા ન હતા….તેમણે આપણા વૈજ્ઞાનિકોનું અપમાન કર્યું. આપણા સ્પેસ સેક્ટરનું અપમાન કર્યું. તમારા ટેક્સના પૈસાનું અપમાન કર્યું. તમારું અપમાન કર્યું. આ DMKને સજા કરવાનો વખત આવી ગયો છે.” PM મોદીએ કહ્યું કે, ભારતના વૈજ્ઞાનિકો અને ભારતીય સ્પેસ ક્ષેત્રના અપમાન બદલ તેમણે માફી માગવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં નિર્માણ પામનાર ISRO લૉન્ચ કૉમ્પ્લેક્સ અત્યાધુનિક હશે. તેના નિર્માણમાં 2 વર્ષનો સમય લાગશે, જ્યારે ખર્ચ ₹986 કરોડ જેટલો થઈ શકે છે.