લોકસભા ચૂંટણીને લઈને દેશભરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેવામાં આર્ટીકલ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં લોકસભા ચૂંટણી કઈ રીતે યોજાશે તે અંગે અટકળો વહેતી થઈ હતી. જ્યારે હવે જમ્મુ-કાશ્મીરના LG મનોજ સિન્હાએ એ વિશે માહિતી આપી છે. મનોજ સિન્હાએ લોકસભા ચૂંટણીને લઈને માહિતી આપી છે કે, જમ્મુ-કાશ્મીરમાં પણ દેશની સાથે જ લોકસભા ચૂંટણી યોજાશે. એ સિવાય તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બર સુધીમાં યોજાઈ જશે.
મંગળવારે (27 ફેબ્રુઆરી) જમ્મુ-કાશ્મીરના LG મનોજ સિન્હાએ રાજ્યમાં ચૂંટણીના માહોલ વિશે માહિતી આપી હતી. TV9 સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના અન્ય રાજ્યોની સાથે જ જમ્મુ-કાશ્મીરમાં પણ લોકસભા ચૂંટણી યોજાશે. આ સાથે તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર સુધીમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ યોજવામાં આવશે. આ માટે ઇલેક્શન કમિશનની ટીમ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે.
'જમ્મુ-કાશ્મીરમાં સપ્ટેમ્બર સુધી ચૂંટણી યોજાશે': LG મનોજ સિન્હા#TV9WhatIndiaThinksToday #News9GlobalSummit #JammuKashmir #TV9BharatvarshSattaSammelan #WITT2024 pic.twitter.com/0DjTKDpfNU
— Tv9 Gujarati (@tv9gujarati) February 27, 2024
નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં 19 ડિસેમ્બર, 2018થી રાષ્ટ્રપતિ શાસન છે. અગાઉ ત્યાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર, 2014માં યોજાઇ હતી. જોકે, 2019માં જમ્મુ-કાશ્મીરમાં લોકસભા ચૂંટણી યોજાઈ હતી પરંતુ ચૂંટણી પંચે સુરક્ષાની ચિંતાઓને ટાંકીને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન કર્યું નહોતું. એટલે કે 2014માં વિધાનસભા ચૂંટણી બાદ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થઈ નથી. જે હવે સપ્ટેમ્બર સુધીમાં થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, 2019 પહેલાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં વિધાનસભા (નીચલું ગૃહ) અને વિધાન પરિષદ (ઉપલું ગૃહ)નો સમાવેશ કરતી દ્વિગૃહી વિધાનસભા હતી. જે વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો. જ્યારે હવે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ-2019 ભારતીય સંસદમાં પસાર થયા બાદ જમ્મુ કાશ્મીરને એકગૃહી વિધાનસભા બનાવવામાં આવી છે. સાથે તેનો કાર્યકાળ પણ 5 વર્ષનો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો પણ આપી દેવામાં આવ્યો છે.
21 નવેમબર 2018ના રોજ રાજ્યપાલ દ્વારા જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ભંગ કરવામાં આવી હતી. ત્યારે એવી આશા હતી કે નવી ચૂંટણી યોજાશે પણ તે શક્ય બની શક્યું નહીં. જે બાદ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. જે હજુ સુધી ચાલ્યું આવે છે. જ્યારે હવે 2024ના સપ્ટેમ્બર મહિના સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થશે.