મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે હવે કોંગ્રેસ છોડી છે. સોમવારે (12 ફેબ્રુઆરી) તેમણે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નાના પાટોલેને પત્ર મોકલીને પોતે રાજીનામું આપ્યું હોવાની જાણ કરી હતી. ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસને આ બીજો મોટો ઝાટકો છે. આ પહેલાં તાજેતરમાં જ પૂર્વ મંત્રી અને યુવા નેતા મિલિન્દ દેવરાએ પાર્ટી છોડી હતી. ત્યારબાદ તેઓ શિવસેનામાં સામેલ થઈ ગયા.
અશોક ચવ્હાણે પ્રદેશ અધ્યક્ષને રાજીનામું મોકલી આપ્યું, જેમાં જણાવ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી રહ્યા છે. આ સિવાય તેમણે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે.
Former Maharashtra CM and Congress leader Ashok Chavan resigns from Congress. pic.twitter.com/bVUbMvx4IA
— ANI (@ANI) February 12, 2024
પૂર્વ CMના રાજીનામાં સાથે મહારાષ્ટ્રનું રાજકારણ ફરી ચર્ચામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે હવે અશોક ચવ્હાણ પોતાના સમર્થકો અને અન્ય કેટલાક નેતાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે.
આ ચર્ચાઓની વચ્ચે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને વરિષ્ઠ ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, “ભારતીય જનતા પાર્ટી સાથે અલગ-અલગ પાર્ટીઓના અનેક મોટા નેતાઓ આવવા માંગે છે. વિશેષ રીતે કોંગ્રેસના ઘણા નેતાઓ અમારા સંપર્કમાં છે, કારણ કે જે પ્રકારનો વ્યવહાર કોંગ્રેસના શીર્ષસ્થ નેતાઓનો રહ્યો છે, તેના કારણે આ બધા નેતાઓ ગૂંગળામણ અનુભવી રહ્યા છે. વિશેષ રીતે કોંગ્રેસના જે ‘જનનેતા’ છે, તેમને લાગે છે અમારે મુખ્ય પ્રવાહ સાથે ભળવું જોઈએ. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત જે રીતે આગળ વધી રહ્યું છે તેને જોતાં અનેક નેતાઓને લાગે છે કે અમારે મુખ્યધારામાં જોડાઈને જનતા માટે કામ કરવું જોઈએ. તેથી અનેક લોકો અમારા સંપર્કમાં છે, હમણાં એટલું જ કહીશ કે- ‘આગે આગે દેખીયે, હોતા હૈ ક્યા.’
#WATCH | Maharashtra Deputy CM Devendra Fadnavis says, "Several tall leaders of other parties want to join BJP. Especially, several Congress leaders are in touch with us because of the behaviour of the senior leaders. They are feeling suffocated in their party…Who all are in… pic.twitter.com/7rUk9AeTsS
— ANI (@ANI) February 12, 2024
અશોક ચવ્હાણની વાત કરવામાં આવે તો તેઓ વર્ષ 2008થી 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી તરીકે અનેક વિભાગો સંભાળી ચૂક્યા છે. તેઓ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ શંકર રાવ ચવ્હાણના પુત્ર છે. તેઓ નાંદેડ બેઠક પરથી સાંસદ પણ રહી ચૂક્યા છે અને કોંગ્રેસ પાર્ટીમાં મહાસચિવ સુધીની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.
તાજેતરમાં જ મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા બાબા સિદ્દીકીએ પણ પાર્ટી છોડી હતી. તે પહેલાં મિલિન્દ દેવરાએ પણ રાજીનામું ધરી દીધું હતું. દેવડા પછીથી એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનામાં સામેલ થયા, જે હાલ સત્તામાં છે અને NDAમાં ભાજપની સહયોગી પાર્ટી છે. હવે વધુ એક દિગ્ગજ નેતા પાર્ટી છોડી ગયા છે. નોંધવું જોઈએ કે બીજી તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ લઈને નીકળ્યા છે. તેમની યાત્રાનું સમાપન મહારાષ્ટ્રમાં થશે, પરંતુ તે પહેલાં જ કોંગ્રેસ ખાલી થવા માંડી છે.