‘હિંદુ મંદિરો માત્ર હિંદુઓના છે. હિંદુ મંદિરમાં બિન-હિંદુઓનું શું કામ છે?’ મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુની સ્ટાલિન સરકારને આ જ પ્રકારની ટિપ્પણી સાથે નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, “પલાની મંદિરના એન્ટ્રી ગેટ પર આવા બોર્ડ લગાવવામાં આવે, જેમાં લખ્યું હોય કે, આ મંદિરમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. જો કોઈને મંદિરમાં પ્રવેશ કરવો હોય તો તેણે મંદિરના નિર્ધારિત ડ્રેસ કોડ અને આસ્થા વિશે માહિતી આપવી પડશે.”
મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે, મંદિરો બંધારણની કલમ 15 હેઠળ આવતા નથી. તેથી કોઈ પણ મંદિરમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવો ખોટું ન કહી શકાય. આટલું જ નહીં, કોર્ટે સ્ટાલિન સરકારના અધિકારીઓને મંદિરની જાળવણી રીત-રિવાજ અને પરંપરા પ્રમાણે કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. જસ્ટિસ એસ શ્રીમતીએ અરજીની સુનાવણી દરમિયાન કહ્યું છે કે, “મંદિર પ્રવાસન સ્થળ કે પિકનિક સ્પોટ નથી. જો કોઈને મંદિરની ઈમારત જોવી હોય તો તે મંદિરના પ્રવેશદ્વારથી જ જોઈ શકે છે અથવા આ લોકોની પહોંચ ધ્વજ સ્તંભ એટલે કે ‘કોડીમારન’ સુધી મર્યાદિત હોવી જોઈએ.”
#BREAKING Madras HC restrains entry of Non-Hindus who do not believe in Hindu religion in ALL HINDU TEMPLES in Tamil Nadu#MadrasHighCourt #HinduTemples#TamilNadu pic.twitter.com/nZNcnGVOgK
— LawBeat (@LawBeatInd) January 30, 2024
પલાની હિલ ટેમ્પલ ડિવોટીજ ઓર્ગેનાઇજેશનના સંયોજક ડી સેંથિલકુમારે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગણી કરી હતી. આ અરજીમાં, મંદિરોમાં બિન-હિંદુઓની ઘણી અયોગ્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં થોડા સમય પહેલા તંજાવુરના બૃહદેશ્વર મંદિરમાં મુસ્લિમોના એક જૂથે માંસ ખાધું હતું. તે જ સમયે, હમ્પીના પ્રખ્યાત મંદિરમાં એક જૂથ માંસ ખાતા પકડાયું હતું. આટલું જ નહીં ઉત્તર પ્રદેશના એક મંદિરમાં મુસ્લિમ યુવકે નમાજ પણ પઢી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઑપઇન્ડિયા પાસે હાઈકોર્ટના નિર્ણયની નકલ ઉપલબ્ધ છે. આ અરજીમાં સેંથિલકુમારે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે બુરખાધારી મહિલાઓ અને મુસ્લિમ યુવકે પલાની મંદિરમાં ટિકિટ ખરીદી હતી. જ્યારે સ્ટાફે ના પાડી તો તેણે ગેરવર્તણૂક કરી અને કહ્યું કે, પર્વત એક પર્યટન સ્થળ છે અને ત્યાં કોઈ પણ જઈ શકે છે. આવા કિસ્સાઓ પહેલા પણ પ્રકાશમાં આવ્યા હોવાથી કોર્ટે આ અંગે માર્ગદર્શિકા જારી કરવી જોઈએ અને બિન-હિંદુઓને હિંદુ મંદિરોમાં પ્રવેશતા અટકાવવા જોઈએ.
ડી સેંથિલકુમારની અરજીમાં હિલ મંદિર પરિસર અને તેના ઉપ-મંદિરોમાં માત્ર હિંદુઓને જ પ્રવેશ આપવા અને મંદિરમાં ડિસ્પ્લે બોર્ડ સુનિશ્ચિત કરવા માટેના નિર્દેશની પણ માંગ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે અગાઉ આના પર સ્ટે ઓર્ડર આપ્યો હતો અને બિન-હિંદુઓના પ્રવેશને રોકવા માટે બોર્ડ લગાવવા કહ્યું હતું. જ્યારે તે સમયે અધિકારીઓએ સેંથિલકુમારની અરજીનો વિરોધ કરતા કહ્યું કે પલાની મંદિર, જે ભગવાન મુરુગનનું ત્રીજું નિવાસસ્થાન માનવામાં આવે છે, તેની પૂજા માત્ર હિંદુઓ જ નહીં, પરંતુ તેમનામાં માનતા બિન-હિંદુઓ દ્વારા પણ કરવામાં આવે છે.
આ કેસમાં તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી, જસ્ટિસ શ્રીમતીએ તેમના નિર્ણયમાં કહ્યું, “ટેમ્પલ પ્રદેશ અધિનિયમ 1947 હિંદુ સમુદાયમાં પ્રવર્તતા ભેદભાવને દૂર કરવા માટે બનાવવામાં આવ્યો હતો. તેને બિન-હિંદુઓના મંદિરમાં પ્રવેશ સાથે કોઈ લેવાદેવા નથી.” કોર્ટને, બંધારણ સભાની ચર્ચા પર વિચાર કર્યા પછી, જાણવા મળ્યું કે મંદિરોને જાણીજોઈને કલમ 15ના દાયરામાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં નથી. આવી સ્થિતિમાં બિન-હિંદુઓને આ બાબતથી દૂર રાખવામાં આવ્યા હતા.
જોકે, અધિકારીઓએ જ્યારે સૂચવ્યું કે બિન-હિંદુ જેઓ દેવતામાં આસ્થા ધરાવે છે અને હિંદુ ધર્મમાં અનુસરવામાં આવતા તમામ રિવાજો અને પ્રથાઓને સ્વીકારે છે, તેમને પ્રવેશની મંજૂરી આપવામાં આવે. ત્યારબાદ કોર્ટે મીનાક્ષી સુંદરેશ્વર મંદિરમાં અનુસરવામાં આવતી પ્રથાને નોંધીને નિર્દેશ આપ્યો કે, અધિકારીઓ આમ કરી શકે છે. આવા લોકોને મંદિરમાં પ્રવેશ આપતા પહેલા આવા વ્યક્તિઓ પાસેથી એફિડેવિટ લો અને રજિસ્ટરમાં તેમની એન્ટ્રી દાખલ કરો.
લાઈવ લોના અહેવાલ અનુસાર, કોર્ટે એમ પણ કહ્યું કે, બંધારણ દરેક વ્યક્તિને તેના ધર્મનું પાલન કરવાનો અને તેને માનવાનો અધિકાર આપે છે, પરંતુ તેની સાથે સંકળાયેલા ધાર્મિક રિવાજો અને પ્રથાઓમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં. કોર્ટે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય ધર્મો વચ્ચે ધાર્મિક સંવાદિતા ત્યારે જ પ્રવર્તશે જ્યારે વિવિધ ધર્મના લોકો એકબીજાની આસ્થા અને ભાવનાઓનું સન્માન કરશે.