‘અયોધ્યામાં ધન્નીપુર ખાતે બની રહેલી મસ્જિદમાં UPના પૂર્વ CM અને કારસેવકો પર ગોળીઓ ચલાવવાનો આદેશ આપનાર મુલાયમ સિંહ યાદવની મૂર્તિ લાગવવામાં આવશે.’- આ ઘોષણા વારાણસીના રાષ્ટ્રીય હિંદુ દળે કરી છે. આ માટે દળના અધ્યક્ષે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને મુલાયમ સિંહ યાદવના પુત્ર અખિલેશ યાદવને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ખાસ પત્ર લખ્યો છે.
હિંદુ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ રોશન પાન્ડેયે અખિલેશ યાદવને પત્ર લખી જણાવ્યું કે, તેમના ‘જન્નતી પિતા મુલાયમ સિંહ’ જીવનભર મુસ્લિમ સમુદાય માટે સંઘર્ષ કરતા રહ્યા. તેઓએ અયોધ્યામાં રામ મંદિર ના બને એ માટે જીવનભર સંઘર્ષ કર્યો અને એ માટે કારસેવકોના મૃતદેહો ખડકી દીધા. રામ મંદિર માટે ભલે મુલાયમ સિંહ યાદવનું કોઈ યોગદાન ન હોય પરંતુ કોર્ટના આદેશથી અયોધ્યાના ધન્નીપુરમાં તૈયાર થઇ રહેલી મસ્જિદના નિર્માણમાં તેઓનું ખૂબ મોટું યોગદાન છે.
અધ્યક્ષે વધુમાં લખ્યું કે, આ મૂર્તિના પથ્થર ખાસ કિછૌછા શરીફ દરગાહથી મંગાવવામાં આવશે, જેના પછી તે પથ્થરને અજમેર શરીફ, હાજીઅલી, દારુલ ઉલુમ દેવબંધ અને કલિયર શરીફ જેવી દરગાહોના પવિત્ર પાણીથી પાક કરવામાં આવશે. આ પ્રસંગે તે તમામ મૌલાનાઓ પણ આમંત્રિત કરવામાં આવશે, જેઓ સાથે મુલાયમ સિંહ યાદવ રોજા ઇફતારી કરતા હતા. આ ઉપરાંત રોશન પાંડેયએ પત્રમાં અખિલેશ યાદવને પૂછ્યું કે, જો અખિલેશ યાદવ ઈચ્છે તો દિલ્હીની જામા મસ્જિદથી એક નમાજી ટોપી પણ મંગાવી મૂર્તિ પર રાખી દેવામાં આવશે અને મુલાયમ સિંહની આ મૂર્તિ આબેહૂબ એવી જ હશે, જેવી રીતે તેઓ ઇફતારીમાં મુસ્લિમો સાથે ખજૂર ખાતા દેખાતા હતા.
આ ઉપરાંત મસ્જિદમાં મૂર્તિ લગાવવાના કાર્યક્રમ વિશે જણાવતાં લખ્યું કે, મૂર્તિની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ અખિલેશ યાદવના કહ્યા મુજબ જ થશે. અમે અપીલ કરીએ છીએ કે, તેઓ કાર્યક્રમ માટે ફિલીસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશોમાંથી મુસ્લિમોને બોલાવી તેમની પાસે સમાજવાદના નારા લગાવડાવે, આ સાથે અમે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB) અને જમિયત ઉલેમા ઉલ હિન્દની મસ્જિદ પરિસરમાં પણ મુલાયમ સિંહની મૂર્તિ લગાવવાની રજા માંગીએ છીએ. આ સાથે રોશન પાન્ડેયે કહ્યું કે, એમ તો અમે જાતે જ બધો ખર્ચો ઉપાડી લઈશું, પરંતુ જો કોઈને સહયોગ કરવાની ઈચ્છા હોય તો કરી શકે છે.
મસ્જિદમાં મૂર્તિ મુકવા પર તેઓએ કહ્યું કે, બની શકે કે AIMPLB અને જમીયતને આ મામલે વાંધો હોય, કેમકે ઇસ્લામ આ બાબતની પરવાનગી આપતો નથી પરંતુ જો મોહમ્મદ અલી ઝીણાનો ફોટો AMUમાં લાગી શકતો હોય, અને કર્ણાટકમાં ટીપું સુલતાનની મૂર્તિ સ્થાપિત થઇ શકતી હોય તો, મસ્જિદમાં મુલાયમ સિંહની મૂર્તિ મૂકવાથી કોઈ સમસ્યા ન હોવી જોઈએ. આ સાથે રાષ્ટ્રીય હિંદુ દળના અધ્યક્ષ રોશન પાન્ડેયે આ બંને મુસ્લિમ સંગઠનોને અપીલ કરી હતી કે, મસ્જિદનું નામ પણ ‘મુલાયમ મસ્જિદ’ રાખવામાં આવે.