ઈટાલીયન PM જ્યોર્જિયા મેલોની હંમેશાથી પોતાના કડક વલણ અને સ્પષ્ટ નિવેદનો માટે જાણીતા છે. હાલમાં મેલોનીનો એક વિડીયો ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેને ભારતના લગભગ દરેક ભાષાના દરેક નાના-મોટા મેઈન સ્ટ્રીમ મીડિયાએ કવર કર્યો છે. જેમાં તેઓ કહેતા સંભળાય છે કે, ‘યુરોપમાં ઇસ્લામ માટે કોઇ જગ્યા નથી’ અને બીજું ઘણું બધું.
સૌ પ્રથમ આ વિડીયો @RadioGenoa નામના એક ઈટાલીયન X એકાઉન્ટ દ્વારા રવિવારના (17 ડિસેમ્બર 2023) રોજ બપોરના 12 વાગે ( ભારતીય સ્મય અનુસાર) મૂકવામાં આવ્યો હતો. જેમાં ઇટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોની કહી રહ્યા છે, “હું માનું છું કે ઇસ્લામિક સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિના મૂલ્યો અને અધિકારો વચ્ચે સુસંગતતાની સમસ્યા છે. ઇટાલીમાં ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને સાઉદી અરેબિયા દ્વારા નાણાં આપવામાં આવે છે જ્યાં શરિયા અમલમાં છે. યુરોપમાં ઇસ્લામીકરણની પ્રક્રિયા આપણી સંસ્કૃતિના મૂલ્યોથી ઘણી દૂર છે!”
મુસ્લિમો યુરોપથી દૂર રહેવું જોઈએ- મેલોની
તેઓ આગળ કહેતા સંભળાય છે, “આવી સ્થિતિમાં મુસ્લિમોએ યુરોપથી દૂર રહેવું જોઈએ. ઈસ્લામિક સભ્યતા માટે યુરોપથી દૂર રહેવું વધુ સારું છે. આપણી સભ્યતાના મૂલ્યો અને ઈસ્લામિક મૂલ્યો વચ્ચે કોઈ તાલમેલ નથી, આ બંને વિરોધાભાસી છે.”
Italian PM Giorgia Meloni: “I believe that there is a problem of compatibility between Islamic culture and the values and rights of our civilization. The Islamic cultural centers in Italy are financed by Saudi Arabia where Sharia is in force. In Europe there is a very… pic.twitter.com/wEn8Fl4JC2
— RadioGenoa (@RadioGenoa) December 17, 2023
જે બાદ મીડિયા, ખાસ કરીને ભારતીય મીડિયાએ આ વાઇરલ વિડીયોના આધારે એક પછી એક અહેવાલો આપવાના શરૂ કરી દીધા હતા. થોડી જ વારમાં આખું મીડિયા તેમના અહેવાલોથી ઉભરાવવા માંડ્યું હતું.
તપાસ
હવે જ્યારે ઑપઇન્ડિયાના ધ્યાને આ વિડીયો આવ્યો ત્યારે અમે તેની પૂરતી તપાસ કરવું જરૂરી સમજ્યું. પહેલી નજરમાં જ વાઇરલ વિડીયોમાં ઇટાલીયન PMના ચહેરાના લક્ષણો તેમના તાજેતરના ચહેરા સાથે મેળ નહોતા ખાઈ રહ્યા. ઑપઇન્ડિયાએ ક્રોસ ચેક કરવા તેઓના આધિકારીક X હેન્ડલ @GiorgiaMeloni પર પહોચ્યા અને ત્યાંથી તેમનો સૌથી તાજેતરના ફોટા ખોલીને જોયા.
ઉપરના ફોટામાં ડાબી બાજુ તેઓનો તાજેતરનો ફોટો છે જે તેઓએ 11 કલાક પહેલા (રવિવાર, 17 ડિસેમ્બર) એક ઈવેન્ટમાંથી મૂક્યો હતો. જમણી બાજુ હાલમાં વાઇરલ થઈ રહેલ વિડીયોમાંથી લેવામાં આવેલ સ્ક્રીનશૉટ છે. સ્વાભાવિક રીતે જ બંનેમાં ખુબ અંતર જોવા મળી રહ્યું છે. માટે એ તો સ્પષ્ટ થઈ જ ગયું કે વાઇરલ વિડીયો હાલનો નથી.
હવે પ્રશ્ન એ રહ્યો કે વિડીયો સાચો છે કે ખોટો. તેના માટે અમે જુદા જુદા ટૂલ્સનો પ્રયોગ કરીને વાઇરલ વિડીયોના સોર્સ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. તો તેનો શોર્સ પણ અમારા હાથે લાગ્યો. યુટ્યુબમાંથી મળેલો આ ઓરિજનલ વિડીયો છે. જે 9 ફેબ્રુઆરી 2018ની તારીખે અપલોડ કરવામાં આવ્યો હતો, એટલે કે આજથી 5 વર્ષ પહેલા.
વિડીયો મળ્યા બાદ પણ વધુ નક્કર માહિતી માટે અમે તપાસ ચાલુ રાખી. તો અમને તે જ સમયગાળાના કેટલાક અહેવાલો મળ્યા હતા. જે પરથી ઈ તો નક્કી થઈ ગયું કે વિડીયો અને ઇટાલીયન PM જ્યોર્જિયા મેલોનીનું ‘યુરોપમાં ઇસ્લામ માટે કોઇ જગ્યા નથી’ વાળુ નિવેદન સાચું સાબિત થાય છે.
નિષ્કર્ષ
આમ ઑપઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ વિસ્તારપૂર્વકની તપાસમાં એ સામે આવ્યું છે PM જ્યોર્જિયા મેલોનીનો વિડીયો કે જેમાં તેઓ ‘યુરોપમાં ઇસ્લામ માટે કોઇ જગ્યા નથી’ અને તે જ પ્રકારના અન્ય નિવેદનો આપી રહ્યા છે તે તદ્દન સાચો છે. પરંતુ તે તાજેતરનો નહીં પણ આજથી 5 વર્ષ પહેલાંનો છે.