કોરોના વાયરસ બાદ ચીન પર આખા વિશ્વની નજર છે. અવનવી જીવલેણ બીમારીઓ ઉભી કરવા માટે કુખ્યાત ચીન હવે એક નવી બીમારીને લઈને ચર્ચામાં છે. હાલ ત્યાં મોટી સંખ્યામાં લોકો શ્વાસને લઈને થઇ રહેલી બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. આમાં ગંભીર બાબત તે છે કે આ બીમારી બાળકોને વધુ અસર કરી રહી છે. તેવામાં હવે ભારત સરકારે પણ ચીનના આ વાયરસને લઈને નિવેદન જાહેર કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય હાલ આ બીમારને લઈને ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યું છે.
ભારત સરકારે ચીનના રહસ્યમય વાયરસને લઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વર્તમાન પરિસ્થિતિથી ઉત્પન્ન થનાર કોઈ પણ આપાતકાલીન સ્થિતિ માટે ભારત તૈયાર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ચીનમાં બાળકોમાં H9N2ના પ્રકોપ અને અન્ય શ્વાસ સંબંધિત બીમારીઓ પર ઝીણવટથી નજર રાખી રહ્યું છે. ચીનમાં સામે આવેલા એવિયન ઇન્ફ્લૂએન્ઝાના કેસ સાથે શ્વાસ સંબંધિત બીમારીઓથી હાલ ભારતને ઓછું જોખમ છે. સરકારને ઉપલબ્ધ માહિતી અનુસાર ચીનમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાસ સંબંધિત ઇન્ફેકશનમાં ઉછાળો જોવા મળ્યો છે. બાળકોમાં શ્વાસ સંબંધિત બીમારીઓના કારણો સામે આવી રહ્યાં છે. આ વાયરસ એક કોકટેલ છે.”
#HealthForAll
— Ministry of Health (@MoHFW_INDIA) November 24, 2023
Union Health Ministry @MoHFW_INDIA is closely monitoring outbreak of #H9N2 and clusters of respiratory illness in children in #China
There is low risk to India from both the avian influenza case reported from China as well as the clusters of respiratory illness…
મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયની ટેકનિકલ શાખા, સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયની અધ્યક્ષતામાં એક બેઠક પણ યોજવામાં આવી હતી. આ બેઠકમાં એવિયન ઇન્ફ્લૂએન્ઝાને લઈને પૂર્વતૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વાયરસનું માનવથી-માનવમાં ફેલાવવાની સંભાવના ઓછી છે. તેમ છતાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા દેશ સુસજ્જ છે.
શું છે H9N2 વાયરસ?
H9N2 કથિત રીતે એવિયન ઇન્ફ્લૂએન્ઝા A વાયરસનું જ એક રૂપ છે, જે માનવ ઇન્ફ્લૂએન્ઝા અને બર્ડ ફ્લ્યૂનું કારણ બને છે. આ વાયરસ પક્ષીઓ અને ખાસ કરીને મરઘાંમાં જોવા મળે છે. WHO મુજબ ઇન્ફ્લૂએન્ઝા A વાયરસ કોરોનાની જેમ વૈશ્વિક મહામારી બની શકે છે. આ વાયરસના લક્ષણોની વાત કરીએ તો તેમાં ફ્લ્યૂ, આંખોમાં સોજા આવવાથી લઈને શ્વાસની ગંભીર બીમારી થઇ શકે છે. વધુ તીવ્ર ચેપમાં મૃત્યુ પણ થઇ શકે છે. આ વાયરસના ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અને ન્યુરોલોજિકલ લક્ષણો સામે આવ્યાં છે. વર્ષ 2020માં ભારતમાં મહારાષ્ટ્રમાં 17 મહિનાના બાળકમાં H9N2નો પ્રથમ કેસ નોંધાયો હતો.