Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસરકાર બનતાંની સાથે શિંદે-ફડણવીસે ઉદ્ધવ સરકારનો નિર્ણય પલટાવ્યો: આરે કૉલોનીમાં જ બનશે...

    સરકાર બનતાંની સાથે શિંદે-ફડણવીસે ઉદ્ધવ સરકારનો નિર્ણય પલટાવ્યો: આરે કૉલોનીમાં જ બનશે મેટ્રો કાર શૅડ

    મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓને આરે કોલોનીમાં મેટ્રો કાર શૅડ નિર્માણનો પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ લાવવા માટે નિર્દેશ આપ્યો છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રની નવી સરકાર બનતાંની સાથે જ એક્શનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે શપથ લીધા બાદ કેબિનેટ બેઠક કરી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરે સરકારનો એક નિર્ણય નવી સરકારે પલટાવી દીધો છે. રાજ્ય સરકારે મેટ્રો કાર શૅડ આરે કોલોનીમાં જ બનાવવાનો નિર્ણય કર્યો છે અને જે મામલે બૉમ્બે હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારનો પક્ષ રાખવા માટે એડવોકેટ જનરલને નિર્દેશ આપવામાં આવ્યા છે. 

    મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓને આરે કોલોનીમાં મેટ્રો કાર શૅડ નિર્માણનો પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ લાવવા માટે નિર્દેશ આપ્યો છે. તેમણે એડવોકેટ જનરલને કહ્યું કે, તેઓ બૉમ્બે હાઇકોર્ટ સમક્ષ આરે કોલોનીમાં મેટ્રો કાર શૅડના નિર્માણને લઈને મહારાષ્ટ્ર સરકારનો પક્ષ મૂકે. ફડણવીસના આ નિર્ણયનું મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ સમર્થન કર્યું હતું. 

    - Advertisement -

    ઉદ્ધવ ઠાકરે સરકારે આરે કોલોનીમાં મેટ્રો શૅડના નિર્માણ સામે ભારે વિરોધ બાદ શૅડને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે શિંદે-ફડણવીસ સરકારે આ નિર્ણય પલટાવી દીધો છે અને આરે ખાતે જ શૅડ બનાવવા માટેની કામગીરી શરૂ કરી છે. 

    આરે કોલોની સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન પાસે 1,287 હેક્ટરમાં ફેલાયેલો વિસ્તાર છે. જે હરિયાળી અને જંગલ વિસ્તાર માટે જાણીતો છે. આ વિસ્તારમાં 27 આદિવાસી ગામો આવેલાં છે અનેક વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે. 

    વર્ષ 2019 માં તત્કાલીન દેવેન્દ્ર ફડણવીસ સરકારે આરે જંગલ વિસ્તારમાં મેટ્રો કાર શૅડના નિર્માણ માટે કેટલાંક વૃક્ષો કાપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેની સામે વિરોધ થયો હતો. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને મેટ્રો શૅડના નિર્માણ માટે આરે વિસ્તારના 2,700 વૃક્ષો કાપવાની જાહેરાત કરી હતી. 

    વિરોધ બાદ મામલો હાઇકોર્ટમાં પહોંચતા સપ્ટેમ્બર 2019 માં બોમ્બે હાઇકોર્ટે સરકારને આરે વિસ્તારમાંથી વૃક્ષો ન કાપવા માટે આદેશ આપ્યો હતો, જે બાદ સરકારે નિર્ણય માન્ય રાખ્યો હતો. પરંતુ ઓક્ટોબર 2019 માં હાઇકોર્ટે તમામ અરજીઓ ફગાવીને મેટ્રો કાર શૅડ નિર્માણ માટે રસ્તો મોકળો કરી આપ્યો હતો અને જે બાદ મુંબઈ મેટ્રો કોર્પોરેશને વૃક્ષો કાપવાની શરૂઆત કરી હતી. જે બાદ ભારે વિરોધ થયો હતો. 

    આરેમાં વૃક્ષો કાપવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવતા સુપ્રીમે આગામી આદેશ સુધી વૃક્ષો કાપવા પર રોક લગાવી દીધી હતી.  જોકે, નવેમ્બરમાં મુખ્યમંત્રી બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ એલાન કર્યું હતું કે આરે કોલોનીમાં એક પણ વૃક્ષ કાપવામાં આવશે નહીં અને મેટ્રો કાર શૅડને આરેથી કંજુર માર્ગ ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત, 2020 માં ઠાકરે સરકારે મેટ્રો કાર શૅડના નિર્માણનો વિરોધ કરતા લોકો સામે નોંધાયેલા કેસ પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં