દિલ્હીથી પંજાબ સુધી આમ આદમી પાર્ટી (AAP) સરકાર પ્રદૂષણ રોકવામાં નિષ્ફળ રહી છે. વિવિધ યોજનાઓ બનાવવા અને વિવિધ નિયંત્રણો લાદવાના સતત દાવાઓ છતાં રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ રહી છે જ્યારે પંજાબમાં પરાળ બળતી રોકવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે. એકંદરે દિલ્હી અને પંજાબ બંનેમાં હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે અને પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.
શિયાળાની ઋતુના આગમન સાથે જ દિલ્હીની હવા ફરી એકવાર ખરાબ થઈ ગઈ છે. રવિવારે (29 ઓક્ટોબર, 2023) દિલ્હીના સોનિયા વિહાર વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 352 નોંધાયો હતો જ્યારે દિલ્હી યુનિવર્સિટીના ઉત્તર કેમ્પસમાં 351 નોંધાયો હતો. નેહરુ નગરમાં AQI 400ને વટાવી ગયો. AAP સરકાર અનેક યોજનાઓ અને નિયંત્રણોના દાવા કરી રહી છે છતાં પર્યાવરણમાં કોઈ પરિવર્તન નથી દેખાઈ રહ્યું. પ્રદૂષણ રોકવામાં દિલ્હી જેવી જ સ્થિતિ પંજાબ રાજ્યની છે.
#WATCH | Overall Air Quality Index (AQI) in Delhi stands at 309, in the 'Very Poor' category as per SAFAR-India. pic.twitter.com/RVZzF0lSC3
— ANI (@ANI) October 29, 2023
દિલ્હીના અન્ય ઘણા વિસ્તારોમાં પણ AQI 200-300ની વચ્ચે છે. હવામાં પ્રદૂષણનું આ સ્તર સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે, ખાસ કરીને શ્વાસ સંબંધી રોગોથી પીડિત દર્દીઓ માટે તે જીવલેણ સાબિત થઈ શકે છે.
આ સ્થિતિ ત્યારે જોવા મળી રહી છે, જ્યારે દિલ્હીમાં બાંધકામ સહિત વાહનો અને ડીઝલ જનરેટર જેવી પ્રવૃત્તિઓ પર ઘણા આંશિક અથવા સંપૂર્ણ નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. દિલ્હીની કેજરીવાલ સરકાર પ્રદૂષણ રોકવામાં નિષ્ફળ રહ્યા બાદ હવે હાથ ઉપર કરી રહી છે. દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ 25 ઓક્ટોબરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પ્રદૂષણના સ્ત્રોતોને માપવા માટે કોઈ સત્તાવાર ડેટા અસ્તિત્વમાં નથી. આતિશીના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ મજાક પણ ઊડી હતી.
#WATCH | Delhi: Services Minister Atishi says, "There is no official data available which can tell which source leads to what amount of pollution. The problem is that no policy can be drafted to reduce this pollution when the government doesn't know the amount of contribution of… pic.twitter.com/HY6vzjLp8k
— ANI (@ANI) October 25, 2023
નોંધનીય છે કે પંજાબમાં ‘આમ આદમી પાર્ટી’ (AAP) સરકાર સત્તામાં આવી તે પહેલાં આતિશી પોતે અને કેજરીવાલ દિલ્હીના પ્રદૂષણનો સંપૂર્ણ બોજ હરિયાણા અને પંજાબમાં ખેડૂતોના પરાળ સળગાવવા પર નાખતા હતા. તેમનું પોતાનું એક વર્ષ 2020નું નિવેદન આ વિષય પર છે.
દિલ્હી સિવાય પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર પ્રદૂષણને નિયંત્રિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. જ્યારે હરિયાણા સરકારે પરાળ સળગાવવાની ઘટનાઓને અંકુશમાં લીધી છે, ત્યારે પંજાબમાં સતત પરાળ બાળવાનું ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પંજાબમાં પરાળ સળગાવવાને કારણે વિઝિબિલિટી ઘટી છે અને શહેરોમાં પ્રદૂષણનું સ્તર પણ વધી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, પંજાબમાં આ વર્ષે 15 સપ્ટેમ્બરથી 28 ઓક્ટોબર સુધીમાં 4186 પરાળ સળગાવવાની ઘટનાઓ સામે આવી છે. હરિયાણામાં માત્ર તેનો ચોથો ભાગ 1019 જ ઘટનાઓ જ નોંધાઈ છે.
પંજાબના ખેડૂતો પરાળ બાળવાની અનોખી રીતો પણ શોધી રહ્યા છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પરાળને આગ લગાડ્યા બાદ તરત જ ખેડૂતો તેના પર ટ્રેક્ટર ચલાવી રહ્યા છે જેથી સળગતી પરાળ દટાઈ જાય અને તેનો ધુમાડો વધારે ન નીકળે. આ રીતે પંજાબની એજન્સીઓ સેટેલાઇટમાં આ ધુમાડો જોઈ શકતી નથી.
પંજાબના ખેડૂતો આ પગલું ભરવા માટે મજબૂર છે, કારણ કે આમ આદમી પાર્ટીની સરકાર હજુ સુધી તેમને પરાળનો કાયમી નિકાલ આપી શકી નથી, આવી સ્થિતિમાં ખેડૂતો પાસે તેને બાળવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી, પછી ભલે તે પર્યાવરણ માટે ગમે તેટલું હાનિકારક હોય.