Friday, November 22, 2024
More
    હોમપેજદેશભારે કરી! કલકત્તામાં દુર્ગા પૂજાના મંડપને કેમિકલયુક્ત પાણીપૂરીથી શણગાર્યો, લોકો તોડફોડ કરીને...

    ભારે કરી! કલકત્તામાં દુર્ગા પૂજાના મંડપને કેમિકલયુક્ત પાણીપૂરીથી શણગાર્યો, લોકો તોડફોડ કરીને ઝાપટી ગયા: હવે થઇ રહી છે સ્વાસ્થ્યની ચિંતા

    મીડિયા સાથે વાત કરતા કાર્યક્રમના સંયોજક સંદીપ બેનર્જીએ જણાવ્યું હતું કે, "પંડાલમાં લગાવવામાં આવેલી પાણીપૂરી તાજી અને કડક દેખાય તે માટે તેના ઉપર હાર્ડનર નામનું કેમિકલ લગાવવામાં આવ્યું હતું. પંડાલ સમિતિ દ્વારા મેળવવામાં આવેલા CCTV ફૂટેજમાં કેટલાક લોકો આ કેમિકલવાળી પાણીપૂરી ખાતા નજરે પડ્યા હતા."

    - Advertisement -

    ‘પાણીપૂરી’ વાંચીને જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી ગયું હશે. પાણીપૂરી, પુચકા, પાનીબતાશા અને ગોલગપ્પા જેવા અનેક નામોથી ઓળખાતી આ ચટાકેદાર વાનગી આમતો શરીરની પાચનક્રિયા માટે સારી (જો હાઈજીનીક રીતે બનાવવામાં આવે તો) માનવામાં આવે છે. પણ પશ્ચિમ બંગાળમાં આ જ પાણીપૂરી હવે લોકો માટે ચિંતાનું કારણ બની ગઈ છે. વાસ્તવમાં કલકત્તા ખાતે એક દુર્ગાપૂજા પંડાલમાં કેમિકલ લગાવીને પાનીપૂરી થીમનો શણગાર કરવામાં આવ્યો હતો. કલકત્તાના આ યુનિક શણગારવાળા દુર્ગાપુજાના પંડાલમાં આવેલા લોકો આ પાણીપૂરી તોડીને ઝાપટી ગયા હતા.

    હવે આ પાણીપૂરી આયોજક સમિતિના લોકો માટે તણાવનું કારણ બની ગઈ છે. પાણીપૂરી ને લાંબો સમય માટે ફ્રેશ રાખવા તેના પર લગાવવામાં આવેલા કેમિકલના કારણે હવે જે જે લોકોએ પાણીપૂરી ખાધી છે, તે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડવાની આશંકાઓ જતાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે દુર્ગા પૂજાના તહેવારમાં પશ્ચિમ બંગાળમાં દર વર્ષે અલગ અલગ થીમ પર અનેક પંડાલ (મંડપ) બનાવવામાં આવે છે. આવો જ એક પંડાલ કલકત્તાના શશિભૂષણ મુખર્જી રોડ પર પણ બનાવવામાં આવ્યો હતો. આ પંડાલને સહુથી અલગ બનાવવા માટે તેને પાણીપૂરીરહી શણગારવામાં આવ્યો હતો. જોકે કલકત્તાના આ યુનિક રીતે શણગારવામાં આવેલા દુર્ગાપુજાના પંડાલમાં લાગેલી 600 પાણીપૂરી કેટલાક લોકો ખાઈ ગયા હતા.

    જોકે કલકત્તાના દુર્ગાપુજાના પંડાલમાં પાણીપૂરી સજાવનાર આયોજકોએ સોશિયલ મીડિયામાં અગાઉથી જ પોસ્ટ કરીને માહિતી આપી હતી કે જે લોકો પંડાલ જોવા આવે છે તે લોકો શણગારમાં લગાવવામાં આવેલી પાણીપૂરી ન ખાય, કારણકે તે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. પરંતુ પંડાલમાં લાગેલા CCTV કેમેરામાં કેટલાક લોકો આ પાણીપુરી ઝાપટતા જોવા મળ્યા હતા.

    - Advertisement -

    આ મામલે મીડિયા સાથે વાત કરતા કાર્યક્રમના સંયોજક સંદીપ બેનર્જીએ જણાવ્યું હતું કે, “પંડાલમાં લગાવવામાં આવેલી પાણીપૂરી તાજી અને કડક દેખાય તે માટે તેના ઉપર હાર્ડનર નામનું કેમિકલ લગાવવામાં આવ્યું હતું. પંડાલ સમિતિ દ્વારા મેળવવામાં આવેલા CCTV ફૂટેજમાં કેટલાક લોકો આ કેમિકલવાળી પાણીપૂરી ખાતા નજરે પડ્યા હતા. સાથે જ કેટલાક લોકો મૂર્તિઓ પાસે રાખવામાં આવેલી પાણીપૂરી ઉઠાવીને પોતાની સાથે લઇ જતા નજરે પડ્યા હતા.” આ વિશાળ પંડાલને અનેક પાણીપૂરી દ્વારા સુશોભિત કરવામાં આવ્યો હતો.

    નોંધનીય છે કે આ પંડાલ કલકત્તાના બેહાલા નૂતન દળ દ્વારા સજાવવામાં આવ્યો હતો. આ આખા પંડાલના અનેક વિડીયો X પર પોસ્ટ કરવામાં આવ્યા હતા, જેના કારણે તે ચર્ચાનો વિષય પણ બન્યા હતા. પંડાલને યુનિક રીતે શણગારવાના કારણે તેને જોવા લોકોના ટોળેટોળા અહીં ઉમટી પડ્યા હતા.

    અહીં માત્ર પાણીપૂરીનો શણગાર જ નહોતો કરવામાં આવ્યો, પરંતુ પાણીપૂરી બનાવવાની આખી વિધિ પણ દર્શાવવામાં આવી હતી. પાણીપૂરી બનાવવા માટેના તમામ પ્રકારના વાસણો અને ઉપકરણો પણ અહીં દર્શાવવામાં આવ્યા હતા. આટલું જ નહીં, દેવીમાની પ્રતિમાને પણ એક વિશાળ પાણીપૂરીમાં સ્થાપિત કરવામાં આવી હતી. સાથે જ આ વિશિષ્ટ પંડાલનું નામ ‘તુષ્ટિ’ રાખવામાં આવ્યું હતું.

    X પર મુકવામાં આવેલી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ પંડાલમાં લોટ અને સોજીની પાણીપૂરીઓ ઉપરાંત વાંસ અને લાકડાની બનેલી વિશાળ પાણીપૂરીની પ્રતિકૃતિઓ મુકવામાં આવી હતી. અહીં અલગ અલગ આકારની પૂરીઓથી આખા પંડાલને સુશોભિત કરવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં