કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ હવે હિજાબ અને બુરખાની પણ એન્ટ્રી પણ થઈ ગઈ છે. મે, 2023માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ સિદ્ધારમૈયા મુખ્યમંત્રી બન્યા હતા. હવે જાણકારી મળી છે કે ‘કર્ણાટક એક્ઝામિનેશન ઑથોરિટી’ (KEA) દ્વારા વિવિધ ભરતીઓ માટે લેવામાં આવતી પરીક્ષાઓમાં હિજાબની પરવાનગી આપવામાં આવશે. કોંગ્રેસ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી MC સુધાકરે જણાવ્યું કે, હિજાબ કે બુરખા પર કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ લગાવવાથી લોકોના વ્યક્તિગત અધિકારોનું હનન થશે.
કર્ણાટકમાં શાળા-કોલેજોમાં બુરખા પહેરવાની અનુમતિ માટે ભાજપ સરકાર સમયે પણ ઉપદ્રવ થયા હતા અને ઇસ્લામી કટ્ટરપંથીઓએ પ્રદર્શન પણ ખૂબ કર્યું હતું. તેઓ યુનિફોર્મ તરીકે બુરખા પણ પહેરવાની પરવાનગી માંગતા હતા. હવે KEAએ કહ્યું કે, હિજાબ પહેરીને આવતી વિદ્યાર્થીનીઓ પરીક્ષા કેન્દ્ર પર નિયત સમય કરતાં 1 કલાક પહેલાં પહોંચી જાય, જેથી યોગ્ય રીતે તપાસ થઈ શકે. 2021માં ઉડુપીથી શરૂ થયેલા હિજાબ વિવાદ બાદ ભાજપને મુસ્લિમ મહિલાઓની વિરોધી પાર્ટી સાબિત કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં વિવિધ સરકારી સંસ્થાઓમાં 670 જગ્યાઓ ખાલી પડી છે અને આ જગ્યાઓ પર ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાનાર છે. 28-29 ઓક્ટોબર, 2023ના રોજ આ પરીક્ષાઓ યોજવામાં આવશે. નિયમોની વાત કરવામાં આવે તો પુરૂષ ઉમેદવારોને હાફ સ્લીવના શર્ટ અને પ્લેન ટ્રાઉઝર પહેરવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં પૉકેટ હોવાં ન જોઈએ. ફૂલ સ્લીવ શર્ટ, કુર્તા-પાયજામા અને જીન્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે, હિજાબ પહેરીને આવતી મહિલા ઉમેદવારો માટે પણ અમુક દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.
હિજાબ પહેરીને આવતી વિદ્યાર્થીનીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ જીન્સ કે ફૂલ સ્લીવ શર્ટ પહેરવાનું ટાળે. જોકે, આ નિર્ણયની ટીકા પણ થઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે જો કુર્તા-પાયજામા પર પ્રતિબંધ હોય તો પછી હિજાબની પરવાનગી કેમ આપવામાં આવી? જે રીતે બુરખા માટે રાજ્યમાં તણાવનો માહોલ સર્જવામાં આવ્યો હતો અને ચૂંટણી પહેલાં મુસ્લિમ ધ્રુવીકરણનો મંચ તૈયાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ પ્રકારના પ્રશ્નો ઉઠવા વ્યાજબી પણ છે.