સોમવારે (25 સપ્ટેમ્બર, 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભાજપ કાર્યકર્તાઓના સંમેલન ‘કાર્યકર્તા મહાકુંભ’ને સંબોધિત કર્યું. આ દરમિયાન તેઓ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસની કમાન હવે કોંગ્રેસને અર્બન નક્સલીઓ ચલાવી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું, “કોંગ્રેસે તમામ ઇચ્છાશક્તિ ગુમાવી દીધા છે. છેલ્લા થોડા સમયથી જમીન સાથે જોડાયેલા કોંગ્રેસના નેતાઓ ચૂપચાપ મોઢે તાળાં મારીને બેસી ગયા છે. કોંગ્રેસ પહેલાં બરબાદ થઈ, પછી બેન્ક્રપ્ટ થઈ અને હવે પોતાનો ઠેકો બીજાને આપી દીધો છે. કોંગ્રેસને હવે તેના નેતા નથી ચલાવી રહ્યા, હવે કોંગ્રેસ એક એવી કંપની બની ગઈ છે….નારાથી લઈને નીતિઓ સુધી દરેક બાબત આઉટસોર્સ કરી રહ્યા છે.”
આગળ તેમણે કહ્યું, “આ ઠેકો કોની પાસે છે જાણો છો? કોંગ્રેસનો ઠેકો અમુક અર્બન નક્સલીઓ પાસે છે. કોંગ્રેસમાં હવે અર્બન નક્સલીઓનું જ ચાલી રહ્યું છે. ગ્રાઉન્ડ પર કોંગ્રેસનો દરેક કાર્યકર્તા આ બાબત અનુભવી રહ્યો છે. કોંગ્રેસ જમીન પર પણ સતત નબળી પડી રહી છે.”
પીએમ મોદીએ કહ્યું કે, “કોંગ્રેસ આજે પણ એ જ જૂની માનસિકતા પર ચાલી રહી છે. ચાંદીની ચમચી લઈને પેદા થયેલા તેમના નેતાઓ માટે ગરીબનું જીવન કોઇ મહત્વ ધરાવતું નથી. કોંગ્રેસ નેતાઓ માટે ગરીબનું જીવન એક એડવેન્ચર ટુરિઝમ છે. તેમના નેતાઓ માટે ગરીબની વસ્તી પિકનિક મનાવવાનું, વીડિયો શૂટિંગ કરાવવાનું લોકેશન બની ગઈ છે.” આગળ તેમણે ઉમેર્યું કે, “કોંગ્રેસ માટે ગરીબ ખેડૂતનું ખેતર ફોટો સેશનનું મેદાન બની ગયું છે. તેમણે ભૂતકાળમાં પણ એવું જ કામ કર્યું, દેશ-વિદેશમાં પોતાના મિત્રોમાં ભારતની ગરીબીની મજાક ઉડાવી અને આજે પણ તેઓ તે જ કરી રહ્યા છે. જ્યારે ભાજપની સરકાર ભારતને ભવ્ય બનાવી રહી છે અને આ ભવ્ય તસવીર દુનિયા સામે હિંમતભર દેખાડી રહી છે.” તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો આ જ ફેર લોકોને સમજાવવાનો છે.
#WATCH | …Poor's life doesn't matter for their (Congress) leaders, born with silver spoons in their mouth… For them, poor's life is adventure tourism… For Congress leaders poor persons' colonies has become location for video shootings… They have done this in the past… pic.twitter.com/GU6FgGOrKw
— ANI (@ANI) September 25, 2023
તેમણે કહ્યું, “આપણે મહારાષ્ટ્રમાં જોયું કે કેવી રીતે કોંગ્રેસે ગઠબંધનમાં સામેલ થઈને લૂંટને જ પોતાનું નંબર વન કામ બનાવી દીધું. મધ્ય પ્રદેશના વિકાસ માટે આવનારાં અમુક વર્ષો બહુ મહત્વપૂર્ણ છે. આજે આખી દુનિયામાંથી ભારતમાં રોકાણ આવી રહ્યું છે, અલગ-અલગ રાજ્યોમાં આવી રહ્યું છે. આ સમય વિકસિત મધ્ય પ્રદેશ અને વિકસિત ભારત બનાવવાનો છે. આટલા મહત્વપૂર્ણ સમયમાં કોંગ્રેસ જેવી પરિવારવાદી પાર્ટી હજારો કરોડોના ગોટાળાનો ઈતિહાસ રચનારી પાર્ટી, વોટબેંકના તુષ્ટિકરણ કરનારી પાર્ટીને થોડો પણ મોકો મળ્યો તો મધ્ય પ્રદેશને બહુ મોટું નુકસાન થશે.