નવેમ્બરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Maharashtra Legislative Election) યોજાવા જઈ રહી છે. તારીખોનું એલાન થયા બાદ હવે તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. ત્યારે ગુરુવારે (17 ઑક્ટોબર) અમુક અહેવાલો ફરતા થયા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો કે પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડે (Sameer Wankhede) શિવસેના (શિંદેજૂથ) તરફથી ચૂંટણીમાં ઉમેદવારી કરશે.
હાઈપ્રોફાઈલ IRS ઑફિસર સમીર વાનખેડે ડ્રગ્સ-ઓન-ક્રુઝ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ ચર્ચામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડે હવે સત્તાધારી મહાયુતિ તરફથી ચૂંટણી લડશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.
સમીર વાનખેડે આગામી બે દિવસમાં શિંદેની શિવસેનામાં જોડાશે અને તેમની ઉમેદવારી પણ જાહેર કરવામાં આવશે એવા અહેવાલો સામે આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે, ચેન્નાઈમાં તૈનાત IRS ઓફિસર સમીર વાનખેડે રાજીનામું આપીને મહારાષ્ટ્રની ચૂંટણી લડશે અને થોડા દિવસોમાં તે શિવસેના (શિંદે જૂથ)માં જોડાશે.
કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ મુંબઈની ધારાવી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અગાઉ આ બેઠક પર કોંગ્રેસના નેતા વર્ષા ગાયકવાડ ધારાસભ્ય હતાં. વર્ષા ગાયકવાડ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યાં છે.
શિવસેનાએ તમામ દાવા ફગાવી દીધા
શિવસેનાએ ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં આ તમામ દાવા ફગાવી દીધા છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું કે, “સમીર વાનખેડે આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ધારાવી અથવા અન્ય કોઈ બેઠક પરથી શિવસેનાની ટિકિટ પર લડશે તેવા સમાચારો માત્ર અનુમાન અને કાલ્પનિક અટકળો છે. પાર્ટી સમક્ષ આવી કોઈ દરખાસ્ત નથી.”
The news reports about Sameer Wankhede contesting the upcoming Maharashtra assembly election from Dharavi or any other seat, on a Shiv Sena ticket are pure conjecture and a work of fiction. There is no such proposal before the party: Shiv Sena sources
— ANI (@ANI) October 17, 2024
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ઓક્ટોબર, 2021માં કોર્ડેલિયા ક્રૂઝ શિપ પર કથિત ડ્રગ બસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં NCBએ 14 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી પરંતુ આર્યનને ક્લીનચીટ આપી હતી. જ્યારે એક ‘સ્વતંત્ર સાક્ષી’એ 2021માં દાવો કર્યો કે આર્યન ખાનને છોડવા NCB અધિકારી અને અન્ય લોકો દ્વારા 25 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી ત્યારે આ કેસમાં વળાંક આવ્યો હતો.
NCBએ પાછળથી વાનખેડે અને અન્યો સામે આંતરિક તપાસ હાથ ધરી હતી જેના કારણે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. વાનખેડે અને અન્યો સામે NCBની ફરિયાદ પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળની જોગવાઈઓ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમ 120-B (ગુનાહિત કાવતરું) અને 388 (ખંડણીની ધમકી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.