દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા (JMI) યુનિવર્સિટીમાં બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ/ફેકલ્ટીઓ સાથે ભેદભાવ અને ઇસ્લામ કબૂલ કરવાના આરોપો લાગ્યા બાદ મોટો ઘટસ્ફોટ થયો છે. આ મામલે નિવૃત્ત જજ શિવ નારાયણ ઢીંગરાની અધ્યક્ષતામાં ઘડવામાં આવેલી 6 લોકોની ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીએ ગત 14 નવેમ્બરે એક રિપોર્ટ બહાર પાડ્યો, જેમાં જામિયામાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ અને સંસ્થાના અન્ય સભ્યો સાથે ઉત્પીડન અને ભેદભાવ કરવામાં આવતા હોવાના આરોપો સાચા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આ ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીએ જામિયા મિલિયા ઇસ્લામિયામાં બિનમુસ્લિમો સાથે થતા ભેદભાવ અને તેમના પર ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવતું હોવાના આરોપોની તપાસ કરીને એક 65 પાનાંનો રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં યુનિવર્સિટીના બિનમુસ્લિમ ફેકલ્ટી, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને અન્ય કર્મચારીઓ સાથે વાતચીત કરીને નિષ્કર્ષ આપવામાં આવ્યો છે. આ આખો રિપોર્ટ તૈયાર કરવામાં કમિટીને ત્રણ મહિનાથી પણ વધારે સમય લાગી ગયો. આ સમગ્ર કાર્ય નિવૃત્ત હાઈકોર્ટ જજ શિવ નારાયણ ઢીંગરાના નેતૃત્વમાં કરવામાં આવ્યું.
મહત્વનું છે કે આ ટીમમાં માત્ર નિવૃત્ત જજ જ નહીં, પરંતુ દિલ્હી પોલીસના પૂર્વ કમિશનર એસએન શ્રીવાસ્તવ પણ સામેલ હતા. રિપોર્ટ તૈયાર કરીને તે ગ્રહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયને સોંપી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જેમની પણ સાથે વાત કરવામાં આવી છે, તેમણે ખુલાસો કર્યો કે તેમને જામિયા મિલિયા ઇસ્લામિયામાં કેવી રીતે પ્રતાડિત કરવામાં આવ્યા અને એ પણ માત્ર એટલા માટે કે તેઓ મુસ્લિમ નથી. તેમાંથી કેટલાકે તેવું પણ કબુલ્યું છે કે યુનિવર્સિટીમાં ઇસ્લામ કબૂલ કરવા દબાણ કરવામાં આવે છે.
Fact-finding committee releases the report on discrimination of non-Muslims and conversion of Non-Muslims to Islam in Jamia Millia Islamia University, Delhi
— DD News (@DDNewslive) November 14, 2024
The fact-finding committee in its report found that almost every witness deposed about the discrimination of non-muslims… pic.twitter.com/99TThJt76F
એક આસિસ્ટન્ટ પ્રોફેસરે કમિટીને જણાવ્યું કે, શરૂઆતથી જ તેમણે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો અને JMIનો મુસ્લિમ સ્ટાફ બિનમુસ્લિમો પ્રત્યે ભેદભાવ રાખતો હતો. તેમના અનુસાર, જ્યારે તેમણે પોતાની PhD થીસીસ જમા કરી ત્યારે PhD વિભાગના મુસ્લિમ ક્લાર્કે અપમાનજનક ટિપ્પણીઓ કરીને કહ્યું હતું કે, પ્રોફેસરને કશું આવડતું નથી અને તેઓ જીવનમાં કાંઈ કરી ન શકે. મહિલાનું કહેવું છે કે, એક ક્લાર્ક, જેને થીસીસનું શીર્ષક પર સરખું વાંચતા આવડતું નહતું તે માત્ર એટલા કારણોસર એક મહિલા પ્રોફેસરની થીસીસ પર ટિપ્પણી કરતો હતો, કારણ કે તે પોતે મુસ્લિમ હતો અને મહિલા બિનમુસ્લિમ.
રિપોર્ટમાં શું નિષ્કર્ષ? કોણે શું કહ્યું?
ફેક્ટફાઇન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં લગભગ તમામ લોકોએ JMIમાં બિનમુસ્લિમો પ્રત્યે ભેદભાવ અને પ્રતાડના થતી અને પક્ષપાત કરવામાં આવતો હોવાના પક્ષમાં નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થી હોય, પ્રાધ્યાપક હોય કે પછી અન્ય કોઈ કર્મચારી, જો તેઓ મુસ્લિમ ન હોય તો તેમની સાથે ભેદભાવ અને પક્ષપાત કરવામાં કરવામાં આવતો.
આ રિપોર્ટ અનુસાર JMIના એક બિનમુસ્લિમ પ્રધ્યાપકે સ્વીકાર્યું હતું કે, મુસ્લિમ ન હોવાના કારણે તેમને ભેદભાવનો શિકાર બનવું પડ્યું. તેમને મુસ્લિમ પ્રધ્યાપકોને આપવામાં આવતી સુવિધાઓથી (કેબિન, બેસવાની જગ્યા, ફર્નિચર વગેરે) વંચિત રાખવામાં આવ્યા. એક કર્મચારીએ પણ જણાવ્યું કે, જ્યારે તેમને આસિસ્ટન્ટ એક્ઝામ કન્ટ્રોલરની પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા અને તેમને કેબિન આપવામાં આવતાં જામિયામાં વિરોધનો વંટોળ ફૂંકાયો હતો કે આખરે એક ‘કાફર’ને ડેપ્યુટી રજિસ્ટ્રારનું કેબિન શા માટે ફાળવવામાં આવ્યું.
અન્ય એક બિન-મુસ્લિમ ફેકલ્ટી મેમ્બરે કેમ્પસમાં બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ અને ટીચિંગ સ્ટાફ સાથેના ભેદભાવ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે આ પ્રકારની પ્રતાડના કારણે જ અનેક લોકોએ યુનિવર્સિટી છોડી દીધી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સને પણ પહેલેથી જ ધર્મપરિવર્તન કરી ચૂકેલા લોકો દ્વારા ઇસ્લામ અંગીકાર કરવા દબાણ કરવામાં આવી રહ્યું હતું. રિપોર્ટ અનુસાર ઇસ્લામ કબૂલ કરવા દબાણ થયું હોવાની વાત લગભગ દરેક સાક્ષીએ પોતાના નિવેદનમાં કરી હતી.
આટલું જ નહીં, રિપોર્ટમાં ત્યાં સુધી જણાવવામાં આવ્યું છે કે યુનિવર્સિટીમાં બિનમુસ્લિમ વિદ્યાર્થીઓને ઇસ્લામિક સાહિત્ય વાંચવા પણ દબાણ કરવામાં આવતું. તેમને કુરાન, હદીસો વગેરે પઢવા કહેવામાં આવતું. માત્ર યુનિવર્સિટીના સંચાલકો જ નહીં, મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ બિનમુસ્લિમો વિરુદ્ધની આ પ્રકારની પ્રતાડનાઓમાં સામેલ હોવાનું તપાસ કમિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.
યુનિવર્સીટીએ આરોપો નકાર્યા
બીજી તરફ જામિયા મિલિયા ઇસ્લામિયાએ આ આરોપોને લઈને એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે કેમ્પસમાં તમામ વર્ગો માટે સમાન વાતાવરણ હોવાની વાત કહી છે. તેમણે સ્વીકાર્યું છે કે પાછળના પ્રશાસનમાં આ પ્રકારની ઘટનાઓને ખોટી રીતે ટેકલ કરવામાં આવી હોઈ શકે છે, પરંતુ વર્તમાન સંચાલકો સમાન વાતાવરણને લઈને કામ કરે છે અને કોઈ ભેદભાવને સ્થાન નથી આપતા. યુનિવર્સિટીએ ધર્માંતરણ કે તેના માટેના દબાણ કરવાના આરોપો નકારી કાઢ્યા હતા અને પુરાવા માંગ્યા હતા.
ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં કોણ-કોણ?
નોંધનીય છે કે જામિયા મિલિયા ઇસ્લામિયામાં બિન મુસ્લિમો વિરુદ્ધ કરવામાં આવતી પ્રતાડના અને ભેદભાવને ઉઘાડાં પાડવા માટે રચવામાં આવેલી કમિટીમાં અધ્યક્ષસ્થાને દિલ્હી હાઈકોર્ટના સેવા નિવૃત્ત જજ શિવ નારાયણ ઢીંગરા, સચિવ સ્થાને દિલ્હી હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ રણજીત કુમાર તિવારી અને સભ્યોમાં પૂર્વ દિલ્હી સચિવ (IAS) નરેન્દ્ર કુમાર, દિલ્હીના પૂર્વ કમિશનર એસએન શ્રીવાસ્તવ, દિલ્હી હાઈકોર્ટના વકીલ સુશ્રી પૂર્ણિમા અને દિલ્હીની કરોડીમલ કોલેજના સહાયક પ્રોફેસર નદીમ અહેમદનો સમાવેશ થાય છે. એક NGO દ્વારા આ કમિટી બનાવવામાં આવી હતી.