Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆર્જેન્ટીનાના ખેડૂતે પોતાનાં ખેતરમાં લિયોનેલ મેસ્સીની તસ્વીર ‘ઉગાડી’ જે સ્પેસમાંથી પણ જોઈ...

    આર્જેન્ટીનાના ખેડૂતે પોતાનાં ખેતરમાં લિયોનેલ મેસ્સીની તસ્વીર ‘ઉગાડી’ જે સ્પેસમાંથી પણ જોઈ શકાય છે

    પોતાના આ નવા વિચારને અનોખો બનાવવા અંતે મેક્સીમીલાનોએ તેના ફાર્મિંગ એન્જીનીયર મિત્ર કાર્લોસ ફારીસેલીની મદદ લીધી હતી.

    - Advertisement -

    સ્પોર્ટ્સ એટલેકે રમતગમતના ખેલાડીઓ પાછળ તેમનાં ફેન્સ ગાંડા થતાં હોવાનાં ઘણાં દાખલા આપણે લગભગ દરરોજ જોતાં હોઈએ છીએ. જેમ ભારતમાં ક્રિકેટ અને ક્રિકેટર્સ પાછળ ફેન્સ ઘેલાં થતાં હોય છે તેમ બ્રાઝીલ અને હવે ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયન એવા આર્જેન્ટીનામાં લોકો ફૂટબોલ અને ફૂટબોલર્સ પાછળ પાગલ હોય છે. ફૂટબોલ લેજન્ડ લિયોનેલ મેસ્સીની તસ્વીર તેનાં એક પાગલ ફેન જે ખેડૂત પણ છે તેણે અનોખી રીતે બનાવી છે.

    સામાન્ય રીતે કોઈ ફેનને તેના હીરોની તસ્વીર લેવી હોય તો એ તેની સાથે ફોટો પડાવે કે સેલ્ફી ખેંચાવે. જો આ શક્ય ન હોય તો તે તેનું પેઇન્ટિંગ બનાવે, પરંતુ આર્જેન્ટીનાના આ ખેડૂતે તો તેના ખેતરમાં લિયોનેલ મેસ્સીની તસ્વીર તેનાં પાકને અમુક રીતે ઉગાડીને બનાવડાવી છે. લિયોનેલ મેસ્સીની તસ્વીર મેક્સીમીલાનો સ્પીનાઝ નામનાં મકાઈના ખેડૂતે કુલ 50 એકર જેટલા અધધધ વિસ્તારમાં ઉભી કરી છે. મજાની વાત એ છે કે આ તસ્વીર અવકાશ એટલેકે સ્પેસમાંથી પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

    મેક્સીમીલાનો આર્જેન્ટીનાના સેન્ટ્રલ કોર્ડોબા રાજ્યમાં આવેલા લોસ કોન્ડોરેસમાં રહે છે અને તેણે આ અદભુત વિચાર અમલમાં મુક્યો છે. સામાન્યતઃ લિયોનેલ મેસ્સીના આર્જેન્ટીનામાં રહેતાં આકંઠ ફેન્સ પોતાનાં શરીર પર તેના ટેટુ ચિતરાવતા હોય છે અથવાતો ભીંતચિત્રો બનાવતાં હોય છે અને આથી પોતાને અન્ય ફેન્સથી અલગ દેખાડવા માટે જ મેક્સીમીલાનોએ આ નવો વિચાર અમલમાં મુક્યો હતો.

    - Advertisement -

    પોતાના આ નવા વિચારને અનોખો બનાવવા અંતે મેક્સીમીલાનોએ તેના ફાર્મિંગ એન્જીનીયર મિત્ર કાર્લોસ ફારીસેલીની મદદ લીધી હતી. ફારીસેલીએ એક એવું અલગોરિધમ બનાવ્યું જેણે મેક્સીમીલાનોને કઈ કઈ જગ્યાએ મકાઈના બીજ વાવવા તે નક્કી કરવામાં મદદ કરી જેથી જ્યારે પણ મકાઈનો પાક ઉભો થાય ત્યારે તે લિયોનેલ મેસ્સીની તસ્વીર રૂપે ઉગી નીકળે અને તે ઉપરથી જોઈ પણ શકાય.

    ફારીસેલીએ પોતાના આ અલગોરિધમ વિષે જણાવ્યું કે, “મને મેસ્સીની તસ્વીર તેનાં ફેન્સ ઉગાડી શકે એ પ્રકારનો કોડ મનમાં ઘણાં સમયથી જ હતો. આ કોડને જો બરોબર અમલમાં મુકવામાં આવે તો ઉપરથી મેસ્સીના ચહેરા રૂપે તેની તસ્વીર જોઈ શકાય. આ માટે મકાઈના બીજ એકબીજાની નજીક કેવી રીતે વાવવામાં આવે જેનાથી જમીન ઓછી દેખાય અને વધુને વધુ લીલો રંગ એકબીજામાં એ રીતે ભળી જાય જેથી એક કૃષિરૂપી કળા બહાર આવે.”

    લગભગ એક મહિના અગાઉ જ આર્જેન્ટીનાએ FIFA World Cup 2022ની ફાઈનલ જે કતરમાં રમાઈ હતી તેમાં ફ્રાન્સને 4-2થી હરાવ્યું હતું. આર્જેન્ટીના તરફથી ફૂલ ટાઈમમાં ડી’મારિયા અને મેસ્સીએ એક-એક ગોલ કર્યો હતો, તો ફ્રાન્સ તરફથી સ્ટાર ખેલાડી મ્બાપ્પેએ બે ગોલ કર્યા હતાં. એક્સ્ટ્રા ટીમમાં મેસ્સી અને મ્બાપ્પેએ ફરીથી એક-એક ગોલ કરતાં મેચ પેનલ્ટીઝમાં ગઈ હતી જ્યાં ફ્રાન્સ ફક્ત 2 ગોલ કરી શક્યું હતું અને આર્જેન્ટીનાએ 4 ગોલ કરતાં 36 વર્ષ બાદ ફૂટબોલનો વર્લ્ડ કપ જીતી લીધો હતો.

    આ હારને ફ્રાન્સનાં ફૂટબોલ ચાહકો પચાવી શક્યા ન હતાં અને ફ્રાન્સમાં ઠેરઠેર રમખાણો પણ ફાટી નીકળ્યાં હતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં