આગામી સમયમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પણ હમણાં બે દિવસ માટે જમ્મુ-કાશ્મીર પ્રવાસ પર હતા. પહેલા દિવસે તેમણે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યું. ત્યારબાદ બીજા દિવસે પણ સભા કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ (Congress) અને નેશનલ કોન્ફરન્સ (National Conference) પર પ્રહારો કરતાં આર્ટિકલ 370 (Article 370) પુનઃસ્થાપિત કરવાની વાતો મુદ્દે બંને પક્ષોને આડેહાથ લીધા હતા. તેમણે એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધી લોકોને મૂરખ બનાવવાનું બંધ કરે.
ગૃહમંત્રી શાહે જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાત દરમિયાન પલોડામાં જનસભાને સંબોધિત કરી હતી. અહીં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃ અપાવવાના દાવાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ બાબત રાજ્ય સરકારના હાથમાં નથી. વિપક્ષ જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરશે તે દાવાને અર્થહીન ગણાવીને તેમણે સંસદનું પોતાનું 2019નું સંબોધન યાદ કરાવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સમય આવ્યે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ફરીથી આપવામાં આવશે.
રાહુલ ગાંધી લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે….
ગૃહમંત્રી શાહે સંબોધન કરતાં કહ્યું હતું કે, “કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ કહે છે કે તેઓ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરશે. મને કહો કે તે કોણ આપી શકે? તે માત્ર કેન્દ્ર સરકાર, વડાપ્રધાન મોદી જ આપી શકે છે. તેથી જમ્મુ-કાશ્મીરના લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો.” વધુમાં તેમણે રાહુલ ગાંધીને ઘેરતાં કહ્યું કે, “અમે કહ્યું છે કે ચૂંટણી પછી યોગ્ય સમયે અમે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપીશું. અમે સંસદમાં આ કહ્યું છે… રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ.”
#WATCH | Jammu: Union Home Minister Amit Shah says, "Congress and National Conference are saying they will restore statehood. Tell me who can give it? It is only the Central government, PM Modi who can give it. So stop fooling the people of Jammu and Kashmir. We have said that at… pic.twitter.com/XEH1C4kW62
— ANI (@ANI) September 7, 2024
તેમણે એમ પણ કહ્યું કે, જે બાબત અમે પહેલેથી જ આપી દીધી છે, તેને આ લોકો (વિપક્ષ) ફરી આપવાની વાત કરી રહ્યા છે. ગૃહમંત્રીએ ઉમેર્યું, “મારું 5 ઑગસ્ટ-6 ઑગસ્ટનું (2019) ભાષણ સાંભળી લો. તેમાં મેં કહ્યું છે કે ચૂંટણી બાદ યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીરને અમે ફરી કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્ય બનાવવાનું કામ કરશે. રાહુલ ગાંધી, તમે લોકોને ગેરમાર્ગે ન દોરો. અમે જમ્મુ-કાશ્મીરને પણ ઓળખીએ છીએ અને તેનું સન્માન પણ કરીએ છીએ.”
અહીં ઉલ્લેખનીય છે કે ગત 5 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં એક સભા સંબોધિત કરતાં પૂર્ણરાજ્ય અપાવવાના દાવા કરી દીધા હતા. તેમણે કહ્યું કે, ભાજપે અહીંના લોકોના પૈસા, અધિકારો અને રાજ્ય સહિત બધું જ છીનવી લીધું છે. સાથે કહ્યું હતું કે INDI ગઠબંધનના સહયોગીઓ સાથે મળીને તેઓ રાજ્યનો દરજ્જો પુનઃ અપાવશે. પણ એ વાત અલગ છે કે આ કામ માત્ર કેન્દ્ર સરકાર જ કરી શકે છે અને સરકારના નામે રાહુલ ગાંધી પાસે મીંડુ છે.
ભાજપે આતંકવાદને 70% ઘટાડ્યો: ગૃહમંત્રી
આ સિવાય તેમણે આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષમાં આતંકવાદને 70% ઘટાડવાનું કામ કર્યું છે. ઘણાં વર્ષો પછી અમરનાથ યાત્રા નિર્ભયતાથી કરવામાં આવી. ઘણાં વર્ષો પછી ખીણમાં નાઈટ થિયેટર શરૂ થયું, ખીણમાં તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું.”
વધુમાં તેમણે ઉમેર્યું કે, “જમ્મુ અને કાશ્મીરના લોકોએ ખાસ કરીને જમ્મુના લોકોએ નક્કી કરવાનું છે કે તેઓને આતંકવાદ જોઈએ છે કે શાંતિ અને વિકાસ જોઈએ છે.” ઉલ્લેખનીય છે કે તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી ભારત પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે ‘વાતચીત અને બૉમ્બ એક સાથે’ હોય શકે નહિ. અહીં નોંધવું જોઈએ કે પોતાના ઘોષણાપત્રમાં નેશનલ કૉન્ફરન્સે પાકિસ્તાન સાથે ફરી શરૂ કરવાની અને LOC પાર ટ્રેડ કરવાની વાતો કહી છે.
આ પહેલાં 6 સપ્ટેમ્બરે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પડ્યો હતો. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધી કલમ 370 અને 35A અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કલમ 370 હવે ઇતિહાસ બની ચુકી છે, તે ફરીથી ક્યારેય લાગુ થઈ શકશે નહીં. ઉપરાંત તેમણે ભાજપના કાર્યકાળને જમ્મુ-કાશ્મીર માટે સુવર્ણકાળ ગણાવ્યો હતો.