Sunday, June 16, 2024
More
    હોમપેજરાજકારણ23 મે…. પાંચ વર્ષ પહેલાં આ જ દિવસે બની હતી ફરી એક...

    23 મે…. પાંચ વર્ષ પહેલાં આ જ દિવસે બની હતી ફરી એક વાર મોદી સરકાર, 2024માં શું હશે ચિત્ર?

    2019ની 23 મેના દિવસે જે પરિણામો આવ્યાં હતાં તેવાં ને કદાચ તેનાથી વધુ ભવ્ય પરિણામો ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવતાં જોવા મળી રહ્યાં છે. રાહ 4 જૂનની જોવાની છે.

    - Advertisement -

    આજે 23 મે. પાંચ વર્ષ પહેલાં 2019માં આ દિવસે લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં હતાં. આજે પાંચ વર્ષ પછી ચૂંટણી ચાલી રહી છે. આ વખતે પરિણામો 11 દિવસ પછી 4 જૂને આવશે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં 5 તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને છઠ્ઠા તબક્કાના મતદાન માટેની તૈયારીઓ ચાલે છે. 25 મેએ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે. જે માટે પ્રચાર પર રોક લાગી ગઈ છે. 1 જૂનના રોજ અંતિમ તબક્કાનું મતદાન અને પછી 4 જૂને પરિણામો આવશે. એટલે કે પોણા ભાગની ચૂંટણીઓ સમાપ્ત થઈ ચૂકી છે. 

    2019માં ભારતીય જનતા પાર્ટીને 303 બેઠકો મળી હતી. તે પહેલાં 2014માં પહેલી વખત પાર્ટી પૂર્ણ બહુમતનો આંકડો પાર કરી ગઈ અને એકલે હાથે 282 બેઠકો મળી હતી. 2019માં વીસેક જેટલી સીટ વધી. જોકે, NDAની પાર્ટીઓને પણ જોડીએ તો ગઠબંધનનો આંકડો કંઈક 360 આસપાસ રહ્યો હતો. પણ હવે આ વખતે ભાજપનો ટાર્ગેટ છે 370 બેઠકોનો અને NDA માટેનું લક્ષ્યાંક છે 400થી વધુ બેઠકો, જે ‘ચારસો પાર’નો નારો ગલી-ગલીમાં ગૂંજતો થઈ ગયો છે. 

    કોઇ સત્તાવિરોધી લહેર નહીં

    આ વખતની ચૂંટણી આમ તો 2019ની સરખામણી કરીએ તો પ્રમાણમાં નિરસ રહી. કારણો ઘણાં છે. મોટું કારણ એ છે કે કોઇ ‘એન્ટી ઇન્કમ્બન્સી’ નથી. ચૂંટણી ટાણે વપરાઈને ચવાઈ ગયેલા આ શબ્દને સરળ ભાષામાં સમજીએ તો કોઇ સત્તાવિરોધી લહેર દેખાતી નથી. સત્તાવિરોધી લહેર ન દેખાવાનું કારણ એ છે કે સરકારે પાંચ વર્ષ કામ કર્યાં છે. ઘણોખરો શ્રેય પીએમ મોદીને જ જાય છે. 2014માં તેનાથી તદ્દન ઊંધું હતું. દેશમાં માહોલ બન્યો હતો અને બદલાવનો જુવાળ પણ દેખાતો હતો. લોકો પરિવર્તન ઇચ્છતા હતા. 

    - Advertisement -

    2019માં પરિવર્તનની કોઈ વાત ન હતી પણ નવી સરકારને પાંચ જ વર્ષ થયાં હતાં, એટલે વિપક્ષોને થોડી પણ આશા હતી અને સરકારના સમર્થકોને પણ વિપક્ષની ધાક હતી, એટલે ત્યારે પણ માહોલ દેખાયો. આ વખતે એવું કશું નથી. એટલે ઘણીખરી ચૂંટણી કોઇ વધુ હો-હા વગર પતી ગઈ. સ્થાનિક સ્તરે અમુક મુદ્દાઓ ચગ્યા અને બાકીનાં નેતાઓનાં નિવેદનોના કારણે છાપાં-મીડિયાને ‘રાજકારણ ગરમાયું’ લખવાની તક મળી, પણ ખરેખર કોઇ મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઈ નહીં. 

    સામાન્ય રીતે ચૂંટણીઓમાં ચર્ચા એ હોય છે કે કોણ જીતશે, પણ આ વખતે ચર્ચા કોની કેટલી બેઠકો આવશે તેની છે. કારણ કે સામાન્ય રીતે સ્વીકારી જ લેવાયું છે કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની જીત નિશ્ચિત છે. પ્રશ્ન માત્ર એટલો છે કે બેઠકો કોને કેટલી મળશે? ભાજપને શું 303 કરતાં વધારે બેઠક મળશે કે તેનો 370નો આંકડો પસાર કરશે? કે પછી NDA 400 પાર થશે કે કેમ? પ્લસ, કોંગ્રેસ પોતાનો સૌથી કંગાળ પ્રદર્શનનો 44 બેઠકોનો રેકૉર્ડ તોડશે કે કેમ? આ જ પ્રશ્નો અત્યારે ચર્ચાઈ રહ્યા છે. 

    આ તબક્કે ભાજપની જીત નિશ્ચિત, કારણો આ રહ્યાં

    આ તબક્કે ભાજપની જીત નિશ્ચિત દેખાય રહી છે. મોટું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારે કરેલાં કામો છે. પાંચ વર્ષ દરમિયાન સરકારે જે કામો કર્યાં તે જોઈને લોકો મત આપી રહ્યા છે. પીએમ મોદીની નિષ્કલંક અને નીડર રાજકારણી તરીકેની છબી દર ચૂંટણીમાં કામ કરે છે, આ વખતે પણ કરશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. બીજું, દર વખતે પીએમ મોદીના સમર્થકો જેને સાઇલન્ટ વૉટર પણ કહે છે, તેઓ ભરપૂર મત આપે છે. આ વખતે પણ આ સાયલન્ટ વૉટર ચૂપચાપ ક્યાંય માથાકૂટમાં પડ્યા વગર કામ કરી રહ્યો છે. આ સિવાય એક મોટો વર્ગ લાભાર્થીઓનો છે. છેલ્લાં પાંચ વર્ષમાં મોદી સરકારે લોકોનાં જીવન બદલવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી અને તેની અસર પણ દેખાઈ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં અનેક એવા પરિવારો છે, જેમનાં જીવન ખરેખર સરકારની યોજનાના કારણે બદલાયાં છે. હવે તેઓ ઋણ ચૂકવવામાં પાછળ નહીં પડે. 

    રહી વાત ભાજપની બેઠકોની, તો અત્યાર સુધીની ચૂંટણી જોતાં બેઠકો વધતી જોવા મળી રહી છે. તે 370નો આંકડો પાર કરશે કે કેમ તે હમણાં કહી શકાય નહીં. કારણ કે બે તબક્કાનું મતદાન બાકી છે. પણ હાલની સ્થિતિએ પાર્ટી 2019 કરતાં વધુ મજબૂત પરિસ્થિતિમાં છે. જેથી 300ની નીચે સરી પડે તેવા કોઇ સંજોગો દેખાતા નથી. તેનું તથ્યાત્મક કારણ એ છે કે ઉત્તર અને પશ્ચિમ જ્યાં ભાજપે ગત બંને ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું તેમાં પ્રદર્શન જળવાય રહેશે તેવી શક્યતાઓ છે અને દક્ષિણ અને પૂર્વમાં પ્રદર્શન સુધરતું જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિમાં બેઠકો વધશે જ.

    બીજી તરફ, વિપક્ષોની વાત કરવી આમ તો બહુ જરૂરી નથી લાગતી, કારણ કે તેમનું ઔચિત્ય હવે રહ્યું નથી. પણ તેમ છતાં ચૂંટણી પહેલાં INDI નામે જે ઝુંડ બનાવ્યું હતું તે ચૂંટણીમાં કાગળ પરનો વાઘ જ સાબિત થયું. INDI ગઠબંધનના નેતાઓ વચ્ચે જ તાલમેલ જોવા ન મળ્યો અને ઘણા ઠેકાણે તેઓ છૂટા-છૂટા લડ્યા. મુદ્દાઓ પર પણ સહમતી ન સધાઈ અને એવી કોઇ અસર પણ ગ્રાઉન્ડ પર જોવા ન મળી. વિપક્ષી રાજકારણીઓએ પીએમ મોદી પર વ્યક્તિગત પ્રહારો કરવા સિવાય બીજું કોઇ નક્કર કામ કર્યું નથી અને ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે જ્યારે-જ્યારે મોદી પર પ્રહાર થયા છે ત્યારે તેઓ મજબૂત બનીને બહાર આવ્યા છે. 

    ટૂંકમાં કહીએ તો 2019ની 23 મેના દિવસે જે પરિણામો આવ્યાં હતાં તેવાં ને કદાચ તેનાથી વધુ ભવ્ય પરિણામો ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવતાં જોવા મળી રહ્યાં છે. રાહ 4 જૂનની જોવાની છે. હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા છે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં