યુનાઇટેડ કિંગડમની સુપ્રીમ કોર્ટે (United Kingdom Supreme Court) 16 એપ્રિલ, 2025ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેમાં જણાવાયું કે ટ્રાન્સ વુમન, (Trans Woman) ભલે તેમની પાસે જેન્ડર રેકગ્નિશન સર્ટિફિકેટ (GRC) હોય, તેમને ઇક્વાલિટી એક્ટ 2010ની કલમ 11 હેઠળ ‘વુમન’ એટલે કે મહિલાની વ્યાખ્યામાં સામેલ કરી શકાય નહીં. આ કલમમાં ‘સેક્સ’ (લિંગ) શબ્દનો અર્થ ફક્ત બાયોલોજિકલ સેક્સ એટલે કે જે લિંગમાં વ્યક્તિ જન્મ્યો હોય તે લિંગ તરીકે નક્કી કરવામાં આવ્યો છે.
આ કેસ ફોર વુમન સ્કોટલેન્ડ લિમિટેડ નામક એક ફેમિનિસ્ટ જૂથે દાખલ કર્યો હતો. જેમાં 2022માં સ્કોટિશ સરકારે જારી કરેલી માર્ગદર્શિકાને પડકારવામાં આવી હતી. આ માર્ગદર્શિકામાં જેન્ડર રિપ્રેઝન્ટેશન ઓન પબ્લિક બોર્ડ્સ (સ્કોટલેન્ડ) એક્ટ 2018 હેઠળ ‘વુમન’ શબ્દની વ્યાખ્યામાં જેન્ડર રેકગ્નિશન એક્ટ 2004 (GRA) હેઠળ GRC ધરાવતી ટ્રાન્સ વુમનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ મામલે બેન્ચ, જેમાં લોર્ડ રીડ (પ્રેસિડેન્ટ), લોર્ડ હોજ (ડેપ્યુટી પ્રેસિડેન્ટ), લોર્ડ લોયડ-જોન્સ, લેડી રોઝ અને લેડી સિમલરની પાંચ જજોની બેન્ચે સુનાવણી કરી હતી. ન્યાયાલયે જણાવ્યું કે ઇક્વાલિટી એક્ટ 2010માં ‘વુમન’ અને ‘સેક્સ’ શબ્દોની વ્યાખ્યા જન્મ આધારિત કરવી જોઈએ. ન્યાયાલયે સ્પષ્ટ કર્યું કે જેન્ડર રેકગ્નિશન એક્ટ 2004 (GRA) કાયદેસર જેન્ડર બદલે છે, પરંતુ ઇક્વાલિટી એક્ટમાં (સમાનતા અધિનિયમ) જે લિંગમાં જન્મ થયો હોય તે જ માન્ય રહે છે.
ન્યાયાલયે એમ પણ નોંધ્યું કે 2018ના એક્ટની કલમ 2માં ‘વુમન’ની વ્યાખ્યા, જે સ્કોટિશ મંત્રીઓએ સ્વીકારી હતી કે ઇક્વાલિટી એક્ટની જેમ જ હોવી જોઈએ, તે પણ ફક્ત જન્મથી જે સ્ત્રી હોય તેના સુધી જ મર્યાદિત છે. આ નિર્ણયથી 2018નો એક્ટ સ્કોટિશ પાર્લામેન્ટની સત્તામાં રહે છે અને તે સમાન તકો જેવા વિષયોનું ઉલ્લંઘન કરતો નથી.