પહેલાં આસામ સીએમનાં પત્ની પર ખોટા આરોપ, કાર્યવાહી બાદ હવે કોર્ટના શરણે કોંગ્રેસી પવન ખેડા: તેલંગાણા હાઇકોર્ટ પાસેથી મેળવ્યા એક અઠવાડિયાના ટ્રાન્ઝિટ જામીન

તેલંગાણા હાઇકોર્ટે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાને આસામ પોલીસે નોંધાવેલ FIRમાં માત્ર એક અઠવાડિયાના ટ્રાન્ઝિટ જામીન મંજૂર કર્યા છે. આ FIR આસામ CM હિમંતા બિસ્વા સર્માનાં પત્ની રિનિકી ભુયાન સર્માએ નોંધાવી હતી, જેમાં ખેડા પર માનહાનિ, છેતરપિંડી, ગુનાહિત કાવતરું, ખોટી માહિતી, ભ્રમણા અને ધમકી જેવા ગંભીર આરોપો છે.

કેસની વાત કરીએ તો પવન ખેડાએ તાજેતરમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં જાહેરમાં દાવો કર્યો હતો કે હિમંતા સર્માનાં પત્ની રિનિકી પાસે અનેક વિદેશી પાસપોર્ટ છે અને વિદેશમાં અઘોષિત મોટી સંપત્તિ છે જે તેમના સોગંદનામામાં જાહેર કરવામાં આવી નથી. બાદમાં આ તમામ આરોપો ખોટા નીકળ્યા હતા. આ આરોપોને આધારે આસામ પોલીસ ખેડાના ઘરે દિલ્હી પહોંચી હતી અને તપાસ ચાલુ કરી હતી. ખેડા તેલંગાણામાં રહે છે તેથી તેમણે તેલંગાણા હાઇકોર્ટમાં ટ્રાન્ઝિટ જામીન માટે અરજી કરી હતી જેથી તેઓ આસામમાં જઈને ત્યાંની કોર્ટમાં પૂર્ણ જામીન માટે અરજી કરી શકે.

આસામ પોલીસે ખેડા વિરુદ્ધ BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. આ આખી ઘટના આસામમાં વિધાનસભા ચૂંટણી પહેલાં બની છે. હિમંતા સર્માએ આ આરોપોને ખોટા ગણાવ્યા હતા અને કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી.