
મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીઓ પૂરી થાય ત્યાં સુધી તમિલનાડુમાં બોલિવુડ ફિલ્મ ‘ધુરંધર-2: ધ રિવેન્જ’નું સ્ક્રીનિંગ અટકાવવાની માંગ કરતી તમામ અરજીઓને નકારી કાઢી છે. અદાલતે કહ્યું છે કે આવી માંગને કોઈ કાનૂની આધાર નથી અને ફિલ્મને તમિલનાડુમાં અવરોધ વિના ચાલુ રાખવાની મંજૂરી આપી છે.
આ અરજીઓમાં દલીલ કરવામાં આવી હતી કે ફિલ્મમાં રાજકીય મુદ્દાઓ અને સંવેદનશીલ સંદર્ભો છે જે ચૂંટણી વખતે મોડલ કોડ ઑફ કંડક્ટ હેઠળ મતદારોને પ્રભાવિત કરી શકે છે. એડવોકેટ શીલાએ માર્ચ મહિનામાં આ અંગે મૌખિક ઉલ્લેખ કર્યો હતો અને કોર્ટે કહ્યું હતું કે તે મૌખિક આદેશ નહીં આપે, ત્યારબાદ વકીલે રિટ પિટિશન દાખલ કરી હતી. હાઇકોર્ટે આ અરજીઓને હવે સંપૂર્ણપણે ફગાવી દીધી છે.
#MadrasHighCourt DISMISSES pleas seeking to prevent screening of #Dhurandhar2TheRevenge movie till the end of assembly elections in Tamil Nadu https://t.co/f3odxbxKF3
— Live Law (@LiveLawIndia) April 10, 2026
કોર્ટે મૌખિક રીતે કહ્યું કે, “એવો કયો કાયદો છે જે કહે છે કે મોડલ કોડ ઑફ કંડક્ટ લાગુ હોય ત્યારે ફિલ્મ રિલીઝ નહીં થઈ શકે? CBFCએ સર્ટિફિકેટ આપ્યું છે અને તેને કોઈએ પડકાર્યું પણ નથી કર્યું. જ્યાં સુધી તેને ચેલેન્જ નહીં કરવામાં આવે ત્યાં સુધી કંઈ કરી શકાય નહીં. વૈધાનિક સંસ્થાએ અનુમતિ આપી છે.” કોર્ટે કહ્યું કે તે અરજીઓને નકારી કાઢીને વિસ્તૃત આદેશ પછી જારી કરશે.
અદિત્ય ધર દ્વારા નિર્દેશિત આ જાસૂસી થ્રિલર ફિલ્મ માર્ચ 2026માં રિલીઝ થઈ હતી. તેના પછીથી તે બોક્સ ઑફિસ પર અપેક્ષાઓથી ઘણી વધુ સફળતા મેળવી રહી છે અને દેશ-વિદેશમાં સારી કમાણી કરી રહી છે. આ પહેલાં પણ મદ્રાસ હાઇકોર્ટે જ ફિલ્મને પાઈરસીથી બચાવવા માટે વિશેષ સુરક્ષા પૂરી પાડી હતી. તેના કારણે ફિલ્મનું વિતરણ અને પ્રદર્શન સરળ રીતે ચાલુ રહ્યું છે અને તે અત્યારે પણ તમિલનાડુ સહિત દેશના અનેક રાજ્યોમાં ચાલી રહી છે.

