સુરત જિલ્લાના બારડોલી શહેરને અડીને આવેલા ગામ બાબેનમાં મકરસંક્રાંતિના દિવસે હનુમાન ચાલીસા વગાડવા મુદ્દે મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર હુમલો કરી દીધો હતો. ગામના હનુમાન મંદિર નજીક એક વ્યક્તિએ પોતાના ઘર પર લાઉડસ્પીકર મૂકીને હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કરતાં મુસ્લિમોએ વિરોધ કરીને હનુમાન ચાલીસા બંધ કરવાનું કહેતાં સામસામે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ 15થી 20 ઇસમોના ટોળાએ હુડદંગ મચાવ્યું હતું.
આ ઘટના બાબેન ગામ સ્થિત ગાંધી વસાહતની છે. અહીં વસાહતના છેડે એક હનુમાન મંદિર આવેલું છે. મકરસંક્રાંતિની સાંજે અહીં રહેતા એક હિંદુ યુવક ચંચળ પાટીલે તેના ઘર ઉપર લાઉડસ્પીકર લગાવીને હનુમાન ચાલીસા શરૂ કરી હતી.
લાઉડસ્પીકર ઉપર હનુમાન ચાલીસા શરૂ થયા બાદ વસાહતમાં જ રહેતા ઝાકીર નામના ઈસમે જઈને લાઉડસ્પીકર બંધ કરવાનું કહીને બોલાચાલી કરી હતી. ત્યારબાદ અકબર, સલીમ, અલ્લારખાં અને શોએબ સહિતના ઈસમો સહિતના લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને લાકડીઓ વડે હુમલો કરીને ધમાલ મચાવીને હિંદુ શ્રમજીવી પરિવારને ઇજા પહોંચાડી હતી. આ હુમલામાં ચંચળ પાટીલની સગર્ભા પત્નીને પણ ઇજા પહોંચી હોવાનું કહેવાય છે.
હિંદુ પરિવાર પર હુમલો થયાની ઘટનાની જાણ થતાં જ આસપાસના હિંદુ પરિવારોના લોકો પણ મોટી સંખ્યામાં ભેગાં થઇ ગયા હતા અને એકસાથે હનુમાન ચાલીસા ગાઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, જાણ થતાં જ બારડોલી પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને મામલો શાંત પાડવાના પ્રયાસો કર્યા હતા.
હનુમાન ચાલીસા લાઉડસ્પીકર પર ન વગાડવા દેવામાં આવ્યા બાદ હિંદુઓએ માંગ કરી હતી કે મસ્જિદમાંથી પોકારાતી અઝાન પણ બંધ રાખવામાં આવે. ત્યારબાદ બીજા દિવસે ગાંધી વસાહતની મસ્જિદ પરથી થતી અઝાન પણ બંધ કરવી પડી હતી.
પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે તેમજ અકબર અને સલીમ નામના બે ઈસમોની ધરપકડ કરી લીધી છે. જોકે, મુખ્ય સૂત્રધાર ઝાકિર અને તેની સાથે અલ્લારખાં અને શોએબ નામના ઈસમો હજુ ફરાર છે અને જેમને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
બીજી તરફ, આ હુમલામાં અન્ય ઈસમોનાં પણ નામો ખૂલી શકે તેવી પોલીસને આશંકા છે.
આ મામલે ઑપઇન્ડિયાએ પોલીસનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ થઇ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળ્યે આ રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.