‘ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન થાય તો મસ્જિદમાં અઝાનના અધિકારમાં દખલ ન કરો’: અલ્હાબાદ હાઇકોર્ટનો યુપી પોલીસને આદેશ

ઉત્તર પ્રદેશના સહારનપુરની એક મસ્જિદમાં લાઉડસ્પીકરથી અઝાન આપવાના મુદ્દે અલ્હાબાદ હાઇકોર્ટે આદેશ આપ્યો છે. 1 ઑક્ટોબરના રોજ જસ્ટિસ અજિત કુમાર અને જસ્ટિસ ગરિમા પ્રસાદની ખંડપીઠે આદેશ આપતાં સ્પષ્ટ કર્યું છે કે જો અરજદારો ‘નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ, 2000’ અને અગાઉના કોર્ટના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરે તો પોલીસ અઝાનમાં દખલ નહીં કરી શકે.

આ કેસમાં સ્થાનિક નિવાસી શાહનવાઝ ખાન સહિત છ લોકોએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેમની માંગ હતી કે તેઓ મસ્જિદમાં પાંચ સમયની અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા માગે છે પરંતુ સ્થાનિક પોલીસ અને પ્રશાસન તેમને રોકી રહ્યા છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ સરકાર તરફથી કોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વહીવટીતંત્રે અઝાન પર ક્યારેય પ્રતિબંધ મૂક્યો જ નથી. મૂળ વિવાદ અઝાનનો નહોતો, પરંતુ અવાજના નિયમો અને લાઉડસ્પીકર જેવા સાધનોના ઉપયોગ માટે લાગુ પડતી કાયદાકીય મર્યાદાઓનો હતો.

2020ના ચુકાદાનું મહત્વ

આ કેસનો આધાર અલ્હાબાદ હાઇકોર્ટનો વર્ષ 2020નો ચુકાદો છે. 15 મે, 2020ના રોજ ‘અફઝલ અંસારી વિરુદ્ધ સ્ટેટ ઑફ યુ.પી.’ કેસમાં હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં અઝાન અને લાઉડસ્પીકર વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે અઝાન પોકારવી એ મજહબી પ્રક્રિયા હોય શકે છે, પરંતુ લાઉડસ્પીકર કે અન્ય સાધનો દ્વારા અવાજ મોટો કરીને અઝાન પોકારવી એ ઇસ્લામનો આવશ્યક કે અભિન્ન ભાગ નથી. તેથી, બંધારણના આર્ટિકલ 25 હેઠળ લાઉડસ્પીકર વાપરવાના અધિકારને મજહબી સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર માની શકાય નહીં.

અલ્હાબાદ હાઇકોર્ટે પોતાના 2020ના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે કોઈ એક વ્યક્તિ કે સમુદાયની મજહબી પ્રવૃત્તિ અન્ય નાગરિકોના શાંતિથી જીવવાના અને સુખદ ઊંઘવાના મૂળભૂત અધિકારને છીનવી શકે નહીં. બંધારણના આર્ટિકલ 19(1)(એ) અને આર્ટિકલ 21 હેઠળ દરેક નાગરિકને શાંતિપૂર્ણ વાતાવરણનો અધિકાર મળ્યો છે. તેથી ધર્મના નામે લોકોના આરોગ્ય અને અવાજના પ્રદૂષણથી મુક્ત રહેવાના અધિકારને નકારી શકાય નહીં.

લાઉડસ્પીકર વગાડવા માટે મંજૂરી આવશ્યક

ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ કાયદાના (નોઈઝ રૂલ્સ, 2000) નિયમ 5 અનુસાર, કોઈપણ જાહેર જગ્યા પર લાઉડસ્પીકર કે સાઉન્ડ સિસ્ટમ વગાડવા માટે સરકારી સત્તાધિકારીની લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે. નિયમ મુજબ રાત્રે 10:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવા પર સંપૂર્ણ મનાઈ હોય છે.

રાજ્ય સરકાર ચોક્કસ તહેવારો કે વિશેષ પ્રસંગો માટે રાત્રે 10થી 12 વાગ્યા સુધી જ છૂટ આપી શકે છે, પરંતુ આ છૂટ કાયમી હોતી નથી. આનો અર્થ એ છે કે કોઈ પણ મજહબી સ્થળ માત્ર મજહબના નામે રાત્રિના સમયે પોતાની મેળે લાઉડસ્પીકર વગાડી શકતું નથી.

કાયદામાં વિસ્તાર મુજબ ડેસિબલની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારો માટે દિવસ દરમિયાન 55 ડેસિબલ અને રાત્રે 45 ડેસિબલની મર્યાદા છે. જ્યારે શાંત વિસ્તારો માટે આ મર્યાદા અનુક્રમે 50 અને 40 ડેસિબલ નક્કી કરાઈ છે. આ ઉપરાંત, કોઈ પણ જાહેર સ્થળે લાઉડસ્પીકરનો અવાજ તે વિસ્તારની મર્યાદા કરતાં 10 ડેસિબલ કરતાં વધુ અથવા 75 ડેસિબલથી વધુ ન હોય શકે.

સોગંદનામું આપવા આદેશ

સહારનપુરના 2026ના આ કેસમાં હાઇકોર્ટે કાયદાના નિયમોનું યોગ્ય પાલન કરવા પર વિશેષ ભાર મૂક્યો છે. કોર્ટે અરજી કરનારા લોકોને સૌથી પહેલાં એક લેખિત સોગંદનામું (એફિડેવિટ) આપવાનો આદેશ કર્યો છે. આ સોગંદનમાંમાં તેમણે ખાતરી આપવી પડશે કે તેઓ ધ્વનિ પ્રદૂષણના કાયદા અને 2020ના ચુકાદાની તમામ શરતોનું પૂરેપૂરું પાલન કરશે.

વધુમાં કોર્ટે કહ્યું કે જો અરજદારો આ તમામ શરતોનું યોગ્ય રીતે પાલન કરશે તો સ્થાનિક પ્રશાસન અને પોલીસ તેમની અઝાનમાં કોઈ દખલગીરી નહીં કરે. પરંતુ જો તેઓ આ શરતો અથવા કાયદાના નિયમોનો ભંગ કરશે તો પોલીસ અને સ્થાનિક પ્રશાસનને તેમની સામે કાયદા મુજબ કડક પગલાં લેવાની સંપૂર્ણ છૂટ રહેશે.

આ અગાઉ 2020માં કોરોના મહામારી દરમિયાન જ્યારે અઝાન બાબતે વિવાદ ઊભો થયો હતો ત્યારે પણ કોર્ટે આ જ મહત્વનો સિદ્ધાંત સ્પષ્ટ કર્યો હતો. તે સમયે કોર્ટે કહ્યું હતું કે પોતાના અવાજમાં અઝાન કરવી અને લાઉડસ્પીકરથી અવાજ ફેલાવવો, આ બંને તદ્દન અલગ બાબતો છે.

હાલમાં પણ ઉત્તર પ્રદેશ સરકારના વકીલે આ જ વાત દોહરાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અઝાન આપવા પર સરકારનો કોઈ જ રોક કે પ્રતિબંધ નથી, પરંતુ અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ માત્ર ધ્વનિ પ્રદૂષણના નિયમો અને મર્યાદામાં રહીને જ કરી શકાશે.

ભારતના બંધારણમાં મળેલી ધાર્મિક સ્વતંત્રતા અમર્યાદિત નથી. બંધારણના આર્ટિકલ 25 હેઠળ દરેક વ્યક્તિને પોતાના ધર્મ પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર ચોક્કસપણે મળેલો છે, પરંતુ આ અધિકાર સમાજની શાંતિ અને વ્યવસ્થા, નૈતિકતા તેમજ લોકોના સ્વાસ્થ્યની મર્યાદાઓને આધીન રહીને જ વાપરી શકાય છે.