દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે (28 મે) કોકરોચ જનતા પાર્ટીનાં X એકાઉન્ટ પર લાગેલા પ્રતિબંધને પડકારતી અરજી પર કેન્દ્ર સરકાર અને X પ્લેટફોર્મને નોટિસ આપી છે. જોકે કોર્ટે એકાઉન્ટને તાત્કાલિક પુનઃસ્થાપિત (Restore) કરવાની માંગ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે મામલામાં દૂરગામી અસરો અને વ્યાપક પરિણામો સામેલ છે, જેથી કેન્દ્ર સરકારનો પક્ષ સાંભળ્યા વિના કોઈ વચગાળાનો આદેશ આપી શકાય નહીં.
જસ્ટિસ પુરુષૈન્દ્ર કુમાર કૌરવે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા કહ્યું હતું કે અરજદારની દલીલોમાં કદાચ અમુક તથ્ય હોય શકે, પરંતુ સમગ્ર મામલાને સર્વગ્રાહી રીતે જોવાની જરૂર છે. કોર્ટે જણાવ્યું કે આ મુદ્દો માત્ર એક સોશિયલ મીડિયા એકાઉન્ટનો નથી, પરંતુ તેની વ્યાપક અસરો હોય શકે છે.
કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે અને કેસની આગામી સુનાવણી 6 જુલાઈ, 2026ના રોજ નક્કી કરી છે. સાથે જ સંબંધિત નિયમો હેઠળ રચાયેલી રિવ્યૂ કમિટીને પણ બ્લોકિંગ ઓર્ડરની સમીક્ષા કરીને પોતાનો નિર્ણય રેકોર્ડ પર મૂકવા સૂચના આપવામાં આવી છે. કોર્ટે નોંધ્યું કે હાલ વિદેશમાં રહેલા અરજદાર અભિજીત દીપકે ઇચ્છે તો વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રિવ્યૂ કમિટી સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરી શકે છે.
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અને AAP સમર્થક અભિજીત દીપકેએ આ અરજી દાખલ કરી હતી. તેની તરફથી વકીલ અખિલ સિબલ, વકીલ વૃંદા ગ્રોવર અને નકુલ ગાંધી હાજર રહ્યા હતા. સુનાવણી દરમિયાન અખિલ સિબલે દલીલ કરી હતી કે કોકરોચ જનતા પાર્ટી સંપૂર્ણપણે વ્યંગાત્મક અભિવ્યક્તિ છે અને અરજી પેન્ડિંગ રહે ત્યાં સુધી એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે એવો પણ તર્ક આપ્યો હતો કે અગાઉના કેટલાક સમાન કેસોમાં અદાલતોએ વચગાળાની રાહત આપી હતી.
જોકે હાઇકોર્ટે આ તબક્કે આવી કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ નોંધ્યું હતું કે એકાઉન્ટ પરની કેટલીક સામગ્રી અને સમગ્ર પ્રવૃત્તિ પ્રથમ દૃષ્ટિએ થોડી આપત્તિજનક જણાય છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે આ મુદ્દે કાયદાનો વિકાસ હજુ ચાલુ છે અને તમામ પક્ષોને સાંભળ્યા બાદ જ કોઈ નિર્ણય લેવો યોગ્ય રહેશે.
સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ નોંધ્યું કે બ્લોકિંગ ઓર્ડરના ચોક્કસ કારણો હજુ સુધી અદાલત કે અરજદાર સમક્ષ આવ્યા નથી. આથી, કેન્દ્ર સરકારનો જવાબ મળ્યા બાદ જ મામલાની સંપૂર્ણ હકીકતો સામે આવશે.
કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્મા અને અન્ય વકીલો હાજર રહ્યા હતા. સરકાર આગામી અઠવાડિયાઓમાં પોતાનો વિગતવાર જવાબ રજૂ કરશે.
કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને આધારે બ્લોક કરાવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) તરફથી મળેલા ઇનપુટ્સના આધારે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે (MeitY માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ, 2000ની કલમ 69A હેઠળ Xને એકાઉન્ટ ભારતમાં બ્લોક કરવા નિર્દેશ આપ્યો હતો.
શરૂઆતમાં વ્યંગાત્મક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવેલી કોકરોચ જનતા પાર્ટી બાદમાં ભાજપ અને NDA સરકારની ટીકા કરતું ઓનલાઈન જૂથ બની ગઈ હતી અને સોશિયલ મીડિયા પર તેને નોંધપાત્ર લોકપ્રિયતા મળી હતી.

