
કલકત્તા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળના ફાલ્ટા વિધાનસભાની ચૂંટણી પહેલાં TMC ઉમેદવાર જહાંગીર ખાનને અંતરિમ રાહત આપી છે. કોર્ટે 26 મે સુધી જહાંગીર ખાન સામે નોંધાયેલી FIR મામલે જહાંગીર ખાનની ધરપકડ સહિત કોઈ કડક કાર્યવાહી ન કરવા રાજ્યને નિર્દેશ આપ્યો છે. સાથે જ કોર્ટે તેમને ફાલ્ટા ચૂંટણી લડવાની પણ મંજૂરી આપી છે. જોકે હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ આદેશનો અર્થ આરોપોમાંથી મુક્તિ નથી અને તપાસ ચાલુ રહેશે.
ફાલ્ટા બેઠક પર 21 મેના રોજ ફરીથી મતદાન યોજાવાનું છે, જ્યારે 24 મેના રોજ મતગણતરી થશે. અગાઉ 29 એપ્રિલે ચૂંટણી પંચે વ્યાપક ગેરરીતિઓના આરોપોને પગલે અહીંનું મતદાન રદ કર્યું હતું. આ દરમિયાન બૂથ કબજો અને મતદારોને ધમકાવવાના આરોપો પણ સામે આવ્યા હતા અને આ બધા આરોપો પણ TMCના જહાંગીર પર જ હતા. સુનાવણી દરમિયાન ડેપ્યુટી સોલિસિટર જનરલ ધીરજ ત્રિવેદીએ કોર્ટમાં દલીલ કરી હતી કે આ આરોપો તે સમયની સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલા હતા, જેના ઉમેદવાર તરીકે જહાંગીર ખાન ચૂંટણી લડી રહ્યા છે.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું હતું કે 4 મે બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય દૃશ્ય બદલાયું છે અને ત્યારબાદ જ જહાંગીર ખાન સામે અનેક કેસ નોંધાયા હતા. કોર્ટે કહ્યું હતું કે લોકશાહીની ભાવના જળવાઈ રહે તે માટે ઉમેદવારને ચૂંટણી લડવાની તક મળવી જોઈએ, પરંતુ સાથે તપાસ પણ ચાલુ રહેવી જોઈએ. કોર્ટે જહાંગીર ખાનને તપાસમાં સહકાર આપવા અને ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું પાલન કરવા પણ નિર્દેશ આપ્યો છે. સાથે જ મતદારોને ધમકાવવા અથવા ચૂંટણી પ્રક્રિયામાં અડચણ ન ઊભી કરવા ચેતવણી પણ આપવામાં આવી છે.

