વડોદરામાં (Vadodara) ભગવાન ગણેશજીની મૂર્તિ પર ઈંડાં ફેંકવાના કેસ (Egg on Ganesha Idol) મામલે હવે વધુ માહિતી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનામાં મુખ્ય આરોપી જુનેદ સિંધીની અમ્મી સાદિકા સલીમ સિંધી (Sadiqa Sindhi) પણ સામેલ હતી. પોલીસે આરોપી મુસ્લિમ મહિલાની ધરપકડ કરી લીધી છે અને હાલ વધુ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમનો ઘટસ્ફોટ ત્યારે થયો હતો, જ્યારે આરોપી જુનેદે પોલીસ પૂછપરછમાં તેની અમ્મીની સંડોવણી વિશેની માહિતી આપી હતી.
વિગતે વાત કરીએ તો જુનેદ સહિતના આરોપી ફરાર હતા તે સમયે પોલીસે જુનેદની અમ્મીને પોલીસ મથકે બેસાડી રાખી હતી અને તેના દ્વારા આરોપીઓનું લૉકેશન મેળવવામાં સફળતા મળી હતી. ત્યારબાદ વડોદરા પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો હતો અને અજમેરથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેમને વડોદરા લવાયા હતા અને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
જુનેદની પૂછપરછમાં સામે આવી સાદિકાની સંડોવણી
વડોદરા સિટી પોલીસ સ્ટેશનના PI આરબી ચૌહાણે ઑપઇન્ડિયાને જાણકારી આપતાં કહ્યું કે, રાજસ્થાનથી ઝડપાયેલા જુનેદ સિંધીની પૂછપરછ કરવામાં આવતા તેની માતા સાદિકા સિંધીની સંડોવણી પણ બહાર આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ સમગ્ર ઘટનાના કાવતરામાં પણ આરોપીની માતા સામેલ હતી અને તે પછી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે, આ કેસમાં સાદિકાનો પતિ સલીમ પણ સંડોવાયેલો છે. પોલીસે તેને મોસ્ટ વૉન્ટેડ જાહેર કરીને શોધખોળ હાથ ધરી છે.
તે સિવાય પોલીસ પૂછપરછમાં જુનેદ સિંધીએ જણાવ્યું હતું કે, તેણે જ આ કાવતરું ઘડ્યું હતું અને પાર પાડ્યા બાદ રાજસ્થાન ભાગી ગયો હતો. બીજી તરફ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, જુનેદ સહિતના આરોપીઓ રાજસ્થાનથી સીધા કાશ્મીર જવા માટેની યોજના ઘડી રહ્યા હતા. પરંતુ તે પહેલાં જ રાજસ્થાન પોલીસે તમામની ધરપકડ કરી લીધી હતી. રાજસ્થાન પોલીસને આરોપીઓ પાસેથી ઠંડીમાં પહેરવાનાં કપડાં પણ મળી આવ્યાં હતાં.
નોંધનીય છે કે, પોલીસે આ કેસમાં હમણાં સુધીમાં 10 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સુફિયાન મન્સૂરી, શાહનવાઝ કુરેશી, જુનેદ ઉર્ફે મોટો મગર, હનીફ મલેક ઉર્ફે નાનો મગર, જુનેદ સલીમ સિંધી, સમીર શેખ, અનસ કુરેશી, સલમાન મન્સૂરી, સાદિકા સિંધી અને એક સગીર આરોપીનો સમાવેશ થાય છે.


