‘ભારત નહીં, ચીન ખરીદે છે સૌથી વધુ રશિયન ઓઈલ’: મૉસ્કોથી વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા પર સાધ્યું નિશાન

વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે (21 ઑગસ્ટ) કહ્યું કે, રશિયા પાસેથી તેલ ખરીદવાનો ભારતનો નિર્ણય ન માત્ર રાષ્ટ્રીય હિતને અનુરૂપ છે, પરંતુ આ નિર્ણય અમેરિકા દ્વારા પ્રોત્સાહિત પગલાંને પણ અનુરૂપ છે. વિદેશ મંત્રીએ મૉસ્કોમાં રશિયન વિદેશ મંત્રી સાથેની જોઇન્ટ પ્રેસ કૉન્ફરન્સમાં આ માહિતી આપી છે. 

મૉસ્કોમાં રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથેની જોઇન્ટ પ્રેસ કૉન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, “અમે એક એવો દેશ છીએ, જેને અમેરિકા છેલ્લા કેટલાક વર્ષોથી કહે છે કે, અમારે દુનિયાની ‘એનર્જી માર્કેટ’ને સ્થિર રાખવા માટે તમામ પગલાં ભરવા જોઈએ, તેમાં રશિયા પાસેથી તેલ ખરીદવાનો પણ સમાવેશ થાય છે.” 

તેમણે એવું પણ કહ્યું કે, “રશિયા પાસેથી તેલ ખરીદનારા સૌથી મોટા ખરીદદાર અમે નથી, પણ ચીન છે. LNG પણ સૌથી વધુ અમે નથી ખરીદતા પણ, પણ યુરોપિયન યુનિયન ખરીદે છે. રશિયા સાથે 2022 બાદ વેપારમાં સૌથી વધુ વૃદ્ધિ કરનારો દેશ પણ ભારત નથી, પણ કેટલાક દક્ષિણી દેશો છે.” 

તેમણે મીડિયાની એ દલીલ ફગાવી દીધી હતી કે, રશિયા પાસેથી તેલ ખરીદનાર સૌથી મોટો દેશ ભારત છે. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, “સાચું કહું તો મને આ દલીલથી આશ્ચર્ય પણ થાય છે.” જોકે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમેરિકા પોતે ‘એનર્જી માર્કેટ’ને સ્થિર રાખવા માટે આવું કરવાનું કહી ચૂક્યું છે.