2021નું એ વર્ષ હતું, જ્યારે દુનિયા આખી કોરોના મહામારીની ઝપટે આવી ગઈ હતી. આ જ મહામારીમાં અદાણી સિમેન્ટમાં છેલ્લાં 23 વર્ષથી હૅડ ઑફ એન્વાયરન્મેન્ટ એન્ડ હોર્ટિકલ્ચરના પદ પર કાર્યરત વિવેક કુમારે દુનિયામાંથી અણધારી વિદાય લીધી. પરિવારના મોભીના અવસાનના કારણે પત્ની પૂજા એકલાં પડી ગયાં અને પુત્ર વંશની પણ જવાબદારી હતી.
આવા સમયે ભવિષ્ય અંધકારમય લાગતું હતું, પણ માનું કર્તવ્ય, પુત્રની આંખોમાં વિશ્વાસ અને પતિની સ્મૃતિઓમાં રહેલી પ્રેરણાએ પૂજાને સંબલ આપ્યું અને આવા સમયે દેશના અગ્રણી ઉદ્યોગ સમૂહ અદાણી જૂથે પણ મદદનો હાથ લંબાવ્યો.
અદાણીએ પતિની સેવાઓનું સન્માન કરીને પૂજાની યોગ્યતા પર વિશ્વાસ મૂકીને એક નવી ભૂમિકા આપી. બીજી તરફ માત્ર 14-15ની ઉંમરથી કોમ્પ્યુટર સાથે વિશેષ લગાવ ધરાવતો વંશ આ તકનીકી દુનિયામાં આગળ વધતો રહ્યો. ધીમે-ધીમે તેની રુચિ એથિકલ હૅકિંગ તરફ આગળ વધી. તે કહે છે કે, “હેકિંગનો ઉપયોગ જવાબદારીપૂર્વક થવો જોઈએ, તેને સુરક્ષાનું એક માધ્યમ બનાવવું જોઈએ.”
વંશે માત્ર 17 વર્ષની ઉંમરમાં અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાની એક વેબસાઈટમાં મોટી તકનીકી ખામી શોધી કાઢી. આ એક એવી ઉપલબ્ધિ હતી, જેને નાસાએ સ્વયં માન્યતા આપી અને વંશનું નામ હૉલ ઑફ ફેમમાં દાખલ કરવામાં આવ્યું.
એ પળને યાદ કરીને વંશ કહે છે કે, “હું ઘણા દિવસથી ટેસ્ટ કરી રહ્યો હતો. એક દિવસ અચાનક સ્ક્રીન પર બગ દેખાયું અને થોડી વાર સુધી હું જોતો રહ્યો. વિશ્વાસ થતો ન હતો કે હું આ કરી શક્યો.” માતા પૂજા માટે માત્ર આ નાસાનું સન્માન ન હતું, પણ મહેનત અને ઈમાનદારીની જીત હતી. તેમના માટે જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ હતી.
અદાણી સમૂહે પૂજાને એ સમયે નવું જીવન આપ્યું જ્યારે તેમના પતિ કોરોના મહામારી દરમિયાન દુનિયા છોડી ગયા. અદાણી સમૂહે પૂજાને નોકરી આપીને પરિવારની આર્થિક મદદથી લઈને તેમનો આત્મવિશ્વાસ પણ જગાવ્યો. આજે પૂજાના પુત્ર વંશનું નામ NASAના હૉલ ઑફ ફેમમાં દાખલ થયું છે.


