બાંગ્લાદેશમાં (Bangladesh) શેખ હસીનાની સરકાર ભંગ કરીને તેના સ્થાને વચગાળાની સરકાર બન્યા બાદ હિંદુ લઘુમતીઓ પર જે હુમલાઓ થયા હતા તેનાથી હવે કોઈ અજાણ નથી. આ હુમલાઓ અને હિંસક ઘટનાઓ તો ઘણીખરી કાબૂમાં આવી ગઈ છે, પરંતુ સરકાર અને પોલીસનું હિંદુઓ પ્રત્યેનું વલણ અગાઉની સરકાર કરતાં તદ્દન બદલાઈ ગયું છે, જે તાજેતરના અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું. તાજો કિસ્સો એવો છે, જ્યાં બાંગ્લાદેશની પોલીસ અગ્રણી હિંદુ સંગઠન ઈસ્કોનને (ISKCON) ‘આતંકી’ ગણાવી રહી છે અને કહે છે કે હિંદુઓએ ‘જય શ્રીરામ’ના નારા લગાવીને મુસ્લિમો પર હુમલા કર્યા હતા. જ્યારે હકીકત એ છે કે મુસ્લિમ બહુમતી દેશમાં હિંદુઓ જ હિંસાનો ભોગ બની રહ્યા છે.
ઈસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જે બાંગ્લાદેશ પોલીસે કરેલી પ્રેસ કૉન્ફરન્સનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમણે આ વિડીયો પોસ્ટ કરીને લખ્યું, “બાંગ્લાદેશી પોલીસે પ્રેસ કૉન્ફરન્સ કરીને ઈસ્કોનને આતંકવાદી સંગઠન ગણાવી દીધું અને પુરાવા માટે કહ્યું કે, ઇસ્કોનના સભ્યો ‘જય શ્રીરામ’નો નારો લગાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક એવી ઘટના સામે આવી હતી, જેમાં ધાર્મિક લાગણી દુભાય તેવી ફેસબુક પોસ્ટનો વિરોધ કરવા નીકળેલા હિંદુઓ પર બાંગ્લાદેશની પોલીસ અને સેનાએ હુમલો કરી દીધો હતો.
The Bangladeshi police held a press conference & labelled ISKCON as a terrorist organization, claiming that ISKCON members chant "Jai Sri Ram" as supposed evidence of this. 😳😳 pic.twitter.com/ynwLhr5K5I
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) November 13, 2024
બાંગ્લાદેશમાં ISKCON પર છેલ્લા ઘણા સમયથી નિશાનો સાધવામાં આવી રહ્યો છે. આ અગાઉ પણ આ અને અન્ય હિંદુ સંગઠનો સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય બાંગ્લાદેશના એક અખબારના સંપાદક મહામુદુર રહેમાને ISKCON પર ભારતની ગુપ્તચર એજન્સી RAWના એજન્ટ હોવાનો પણ આરોપ લગાવી દીધો હતો. ગત મહિને ચિત્તાગોંગમાં યોજાયેલી એક રેલી દરમિયાન ISKCONના 2 સદસ્યોની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને 19 વ્યક્તિઓ વિરુદ્ધ રાજદ્રોહનો મામલો નોંધવામાં આવ્યો હતો.
મહત્વની બાબત એ છે કે બાંગ્લાદેશી પોલીસ જે ISKCONને આતંકી સંગઠન સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે તે જ સંગઠને COVID દરમિયાન બાંગ્લાદેશના વિવિધ વિસ્તારોમાં નાણાકીય સહાય પૂરી પાડી હતી. ઉપરાંત તાત્કાલિક જરૂરી તબીબી સાધનો અને તેનો પુરવઠો પણ પૂરો પાડ્યો હતો. ISKCON દ્વારા કોરોના પોઝિટીવ લોકો માટે અલગથી વોર્ડ પણ સ્થાપવામાં આવ્યા હતા. ઉપરાંત સંગઠનના ઘણા લોકો વોલેન્ટીયર તરીકે કામ કરતી વખતે COVID પોઝિટીવ પણ થઇ ગયા હતા, છતાં સંગઠને સેવાકાર્યો ચાલુ રાખ્યાં હતાં.
આટલા બધી મદદ અને કપરા સમયમાં માત્ર માનવતાને પ્રાથમિકતા આપી સહાય પૂરી પાડનાર સંગઠન ISKCON પ્રત્યે બાંગ્લાદેશની સરકાર અને ત્યાંની પોલીસ કૃતઘ્ની બની વર્તી રહી છે. ઉપરાંત ISKCONને આતંકી સંગઠન સાબિત કરવાના પણ પ્રયાસો ઘણા સમયથી થઇ રહ્યા છે. ઉપરાંત ‘જય શ્રીરામ’ બોલનારને પણ આતંકવાદ સાથે જોડવાનું એક નેરેટિવ સેટ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ બાંગ્લાદેશ જે દાવા કરી રહ્યું છે વાસ્તવિકતા તેનાથી સાવ વિપરીત છે.
ઉલ્લેખનીય બાબત છે કે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ હિંદુ વિરોધી હિંસા વધી ગઈ હતી. હિંદુઓના રોજગાર, મંદિરો, ઘરો દરેક સ્થાનો પર હુમલા થયા હોવાના અહેવાલો સતત મળતા રહ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં જ હિંદુઓના પવિત્ર તહેવાર દુર્ગા પૂજાનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો, તથા જાહેરમાં તહેવારની ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂકવા પ્રદર્શનો પણ કરવામાં આવ્યાં હતાં.