તાજેતરમાં ઉત્તરાખંડમાં (Uttarkhand) એક બસ ખીણમાં ખાબકી હતી, જેમાં 36 વ્યક્તિઓનાં મોત થઈ ગયાં. આ તમામ હિંદુ શ્રદ્ધાળુઓ હતા અને તીર્થયાત્રા પર જઈ રહ્યા હતા. આ અકસ્માત બાદ મોહમ્મદ આમિર રહેમાન નામના એક ઇસમે ફેસબુક પર પોસ્ટ (Facebook Post) કરીને ‘હેપ્પી દિવાળી’ લખ્યું હતું, જેની હવે પોલીસે ધરપકડ કરી લીધી છે.
ઉત્તરાખંડ પોલીસે મંગળવારે (5 નવેમ્બર) આમિરની ધરપકડ કરી લીધી હતી. તેણે બસ અકસ્માત બાદ ફેસબુક પર એક તસવીર શૅર કરી હતી, જેમાં બસ ખીણમાં ખાબકી ગયેલી જોવા મળે છે. સાથે ‘હેપ્પી દિવાળી’નું કેપ્શન મૂકવામાં આવ્યું હતું. સાથે તેણે બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘હોમ ડિલિવરી’નું જાણીતું દિવાળી ગીત પણ મૂક્યું હતું.
આ પોસ્ટનો સ્ક્રીનશૉટ વાયરલ થઈ ગયા બાદ સ્થાનિક હિંદુ સમુદાયમાં રોષ વ્યાપી ગયો હતો અને તેમણે સ્થાનિક પોલીસ મથકે જઈને મોહમ્મદ આમિર રહેમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ વડાના આદેશથી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, રહેમાને જાણીજોઈને હિંદુ સમુદાયની ધાર્મિક ભાવનાઓ ભડકાવવા માટે આ પોસ્ટ કરી હતી. ‘લગભગ 39 લોકોએ આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવ્યા. અમે તેમના અંતિમ સંસ્કાર પણ ન કરી શક્યા અને મોહમ્મદ રહેમાને અકસ્માતનો ફોટો સોશિયલ મીડિયા પર મૂકીને હિંદુ શ્રદ્ધાળુઓના મૃત્યુની ઉજવણી કરી હતી. આ ઘટનાએ અમારી લાગણીઓ દુભાવી છે. જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો હિંદુઓ પ્રદર્શન કરશે અને તેની સામે કડક કાર્યવાહી થાય એ સુનિશ્ચિત કરશે.”
ફરિયાદમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, રહેમાન વિકાસખંડમાં એક ગેરકાયદેસર સંપત્તિ ધરાવે છે અને જેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવવું જોઈએ. સ્થાનિકો સિવાય બજરંગ દળે પણ પોલીસને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના અલ્મોડામાં 4 નવેમ્બરના રોજ અકસ્માત સર્જાયો હતો, જેમાં 36 લોકોનાં મોત થયાં અને અન્ય 27 લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. ઘટના કુપી ગામ ખાતે સર્જાઈ હતી, જ્યાં બસના ચાલકે નિયંત્રણ ગુમાવી દીધા બસ ખીણમાં જઈને ખાબકી હતી.
ઘટના બાદ તાત્કાલિક અધિકારીઓ અને રાહત-બચાવકાર્ય માટેની ટીમો સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ ગમખ્વાર અકસ્માતમાં અમુક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને બચાવી ન શકાયા. જેઓ બચી ગયા તેમને પછીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.