વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રે વધુ ધ્યાન આપી રહી છે. આ પહેલાં પણ અનેક યોજનાઓ અને પ્રોજેકટો દ્વારા કૃષિ ક્ષેત્રના વિકસિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ફરી કેન્દ્ર સરકારે (Central Government) કૃષિ ક્ષેત્રે ₹14,000 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. જેમાંથી ડિજિટલ એગ્રીકલ્ચર મિશન (Digital Agriculture Mission) માટે સરકારે ₹2,817 કરોડ ફાળવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) આ અંગે માહિતી આપી હતી.
આ અંગેના નિર્ણયો લેવા માટે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 2 સપ્ટેમ્બરે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. જેમાં મોદી કેબિનેટના મંત્રીઓ તેમજ સચિવો પણ હાજર રહ્યા હતા. ઘણા સમય સુધી આ બેઠક ચાલી હતી. બેઠકમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ખેડૂતોના જીવનધોરણને સુધારવા માટે અને તેમની આવક વધારવા માટે આજે કેબિનેટની બેઠકમાં 7 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.”
એગ્રી સ્ટેકની રચના
તેમણે જાહેરાત કરી હતી કે, DAM (Digital Agriculture Mission) માટે સરકારે ₹2,817 કરોડ ફાળવ્યા હતા. DAM મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય એગ્રી સ્ટેકની રચના કારવાનો છે, જેમાં ખેડૂતોની રજિસ્ટ્રી, ગામની જમીનના નકશાની રજિસ્ટ્રી અને પાકની વાવણીની રજિસ્ટ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એગ્રી સ્ટેકના માધ્યમથી ખેડૂતોના વિગતવાર રેકોર્ડ, જમીનનો ઉપયોગ અને પાકની પેટર્નની માહિતી લઈ વ્યાપક ડેટાબેઝનું નિર્માણ કરવામાં આવશે. જે ખેડૂતો માટે પણ ખૂબ લાભદાયી પુરવાર થશે.
વૈષ્ણવે જણાવ્યુ હતું કે, આ સિસ્ટમ ભૌગોલિક માહિતી, દુષ્કાળ અને પૂરની દેખરેખ, હવામાન અને સેટેલાઇટ ડેટા અને ભૂગર્ભજળની ઉપલબ્ધતાની માહિતીનો લાભ આપશે. આ જાણકારીના આધારે ખેડૂતોને કૃષિ સબંધિત નિર્ણયો લેવામાં મદદ મળી શકે છે. આ સિવાય પાકની ઉપજ અને પાકના વિકાસ માટે પણ આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. જેના માધ્યમથી ખેડૂતો ખેતપ્રવૃત્તિઓનું વધુ સારી રીતે આયોજન કરી શકશે અને ભવિષ્યમાં આવતા જોખમોને પણ પડકારી શકશે.
કૃષિ વિજ્ઞાન અને કૃષિ શિક્ષણ પર ભાર
સરકારે પાક વિજ્ઞાન પહેલ માટે ₹3,979 કરોડ ફાળવ્યા છે. આ રોકાણનો ઉદ્દેશ્ય કૃષિ સંશોધન અને કૃષિ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. ઉપરાંત ખાદ્ય અને પોષક સુરક્ષા વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કેબિનેટે કૃષિ સંશોધન અને શિક્ષણને આધુનિક બનાવવાના માટે ₹2,291 કરોડની રકમને મંજૂરી આપી છે. સરકારે એમ પણ કહ્યું છે કે, આ પહેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ હેઠળ હશે.
આ સિવાય તેમણે કહ્યું કે, પશુધનના સ્વાસ્થ્ય માટે ₹1,702 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ₹860 કરોડ બાગાયતના ટકાઉ વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ માટે ₹1,202 કરોડ ફાળવવામાં આવ્યા છે. તથા ₹1,115 કરોડની ફાળવણી સાથે કૃષિ વિજ્ઞાન ને મજબૂત કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સરકાર 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીઝ માટે પણ ₹28,000 કરોડ ફંડ ફાળવી ચૂકી છે.