17 ઑગસ્ટના રોજ કાનપુરના ગોવિંદપુરી સ્ટેશન પાસે અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસના 20 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા, જેની તો હજુ તપાસ પણ ચાલી રહી છે. તે બાદ યુપીના ફરૂખાબાદમાં પણ ટ્રેક ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે કેસને લઈને એક ‘ખેડૂત નેતા’ના પુત્ર સહિત 2ની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારે હવે ફરી એકવાર તેવી જ એક ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, રાજસ્થાનના કોટા-બીના રેલવે ટ્રેક પર બાઇકનો કાટમાળ મૂકી દઈને આખી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ તે મામલે તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
માહિતી અનુસાર, આ ઘટના 29 ઑગસ્ટની રાત્રે બનવા પામી હતી. ઘટનાની વિગતો અનુસાર, રાજસ્થાનના કોટા-બીના રેલવે ટ્રેક પર છબડા વિસ્તારના ચાચૌડા ગામની નજીક બાઇકનો કાટમાળ મળી આવ્યો હતો અને તેના પર માટી પણ નાખી દેવાઈ હતી. જેના કારણે ટ્રેક પરથી પસાર થઈ રહેલી માલગાડી સીધી તે કાટમાળ સાથે ટકરાઇ હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે, કાટમાળના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ શકી હોત, પરંતુ માલગાડીના પાયલોટ વિનોદ મીણાના કારણે આ દુર્ઘટના ટળી છે. અધિકારી અનુસાર, માલગાડીના પાયલોટે કાટમાળ જોતાં જ ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી દીધી હતી. જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.
પોલીસ અને રેલવેની સંયુક્ત તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ રાજસ્થાન પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. રેલવે અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. રેલવે પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને રાજસ્થાન પોલીસ સાથે મળીને આ અંગેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. RPF અધિકારી નવીન કુમારે જણાવ્યું છે કે, રેલવે એક્ટ, 1989ની કલમ 147, 153 અને 174 હેઠળ અજ્ઞાત શખ્સ વિરુદ્ધ CR નંબર 284/2024 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ તે તપાસ કરવામાં આવી રહી છે કે, આખરે રેલવે ટ્રેક પર બાઇકનો કાટમાળ મૂકીને ભારે માલહાનિ કરવાનો પ્રયાસ કરનાર શખ્સ કોણ છે. તે સિવાય બાઇકના કાટમાળ પર લખેલા ચેસિસ નંબરના આધારે તેના માલિક સુધી પહોંચવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે.
નોંધવા જેવું છે કે, 23-24 ઑગસ્ટના રોજ પણ રાજસ્થાનમાંથી આવી જ એક ઘટના સામે આવી હતી. ત્યારે પાલી જિલ્લામાં વંદે ભારત ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આખી ટ્રેનને ઉથલાવવા માટે ટ્રેક પર કોન્ક્રીટના બ્લોક રાખી દેવામાં આવ્યા હતા. જોકે, તે સમયે પણ કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ટ્રેન ઉથલાવવાના પ્રયાસ વચ્ચે ફરી રહ્યો છે પાકિસ્તાની આતંકવાદીનો વિડીયો
નોંધવા જેવું છે કે, દેશમાં છેલ્લા થોડા સમયથી ટ્રેન અકસ્માતો અને દુર્ઘટનાઓનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને જૂનમાં કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આવી ઘટનાઓમાં અસાધારણ વધારો જોવા મળ્યો. બીજી તરફ, તાજેતરમાં અમુક ઘટનાઓ એવી સામે આવી, જેનાથી શંકા ઉપજે છે કે આ ઘટનાઓ ખરેખર ‘અકસ્માત’ કે ‘દુર્ઘટનાઓ’ છે કે પછી સમજી વિચારીને કરવામાં આવતું ષડ્યંત્ર. તાજેતરમાં જ કાનપુરમાં અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. પછીથી ટ્રેક પરથી તીક્ષ્ણ વસ્તુઓ મળી આવી હતી. આ જ રીતે હમણાં થોડા દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના ફરૂખાબાદમાં એક ટ્રેન પસાર થવા પહેલાં લાકડાનો ટુકડો મૂકી દેવામાં આવ્યો હતો. આવી અન્ય પણ અમુક ઘટનાઓ તાજા ભૂતકાળમાં જ સામે આવી.
આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના એક આતંકવાદીનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ વિડીયોમાં ફરહતુલ્લાહ ઘોરી નામનો એક પાકિસ્તાની આતંકવાદી તેના સમર્થકો અને જેહાદીઓને ભારતનાં દિલ્હી, મુંબઈ વગેરે મોટાં શહેરોમાં ટ્રેન ઉથલાવવા માટે ખુલ્લેઆમ પ્રોત્સાહન આપતો જોવા મળે છે. તેણે મુસ્લિમ વિદ્યાર્થીઓને સંબોધીને ભારતીય સરકારી મશીનરી અને ભારતીય રેલવેને ટાર્ગેટ કરવાનું કહ્યું હતું.