તાજેતરમાં જ ટ્રેન પલટાવી દેવા માટેના ષડયંત્ર કરવાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. ત્યારે 24 ઓગસ્ટે પણ ભાટાસા સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક પર લાકડાઓ મૂકીને ટ્રેન ઉથલાવી દેવાનું કાવતરું સામે આવ્યું હતું. જોકે દુર્ઘટના તથા બચી ગઈ હતી. ત્યારે 28 ઓગસ્ટે પોલીસે આ મામલે સામેલ બે યુવકોની ધરપકડ કરી હતી. બંને યુવકોએ પોલીસને જણાવ્યું કે તેઓ ટ્રેન પલટીને પ્રખ્યાત થવા માગે છે. બંનેને કોર્ટમાંથી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપીનો પિતા ખેડૂત નેતા છે.
24 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે કાસગંજ-ફરૂખાબાદ રેલ્વે માર્ગ પર ભાટાસા સ્ટેશન નજીક ટ્રેક પર લાકડા મૂકી પેસેંજર ટ્રેન પાટા પરથી ઉથલાવી દેવાનું કાવતરું કરવામાં આવ્યું હતું. પરંતુ લોકો પાઇલટે આ લાકડા જોઈ લેતા ટ્રેન રોકી લીધી હતી. તેથી મોટી હોનારત સર્જાતા બચી ગઈ હતી. આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
એક આરોપી ખેડૂત નેતાઓ પુત્ર
પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ અરિયારા ગામના રહેવાસી છે. જેમાંથી એક આરોપી દેવ સિંઘ BKUના (લોક શક્તિ) નેતા કમલેશ કુમારનો પુત્ર છે. તથા બીજો આરોપી મોહન કુમાર ઉર્ફે મોન્ટી કશ્યપ દેવ સિંઘનો મિત્ર છે. બંને આરોપીઓની ધરપકડ અરિયારા ગામમાંથી જ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરી હતી.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે બંને આરોપીઓ 24 ઓગસ્ટની રાત્રે 10 વાગે રેલ્વે ટ્રેક નજીકના ખેતરમાં પહોંચ્યા હતા. ત્યાં આસપાસ કોઈ હતું નહીં, જેનો લાભ ઉઠાવી બંને આરોપીઓએ આ કાવતરાને અંજામ આપ્યો હતો. પ્રમોદ નામક વ્યક્તિના ખેતરમાં કાપેલા આંબાના લાકડા પડ્યા હતા. તેમાંથી લાકડા ઉઠાવીને ટ્રેનને ઉથલાવી દેવાના ઈરાદા સાથે આરોપીઓએ લાકડા રેલ્વે ટ્રેક પર મૂકી દીધા હતા.
ગુનાની કબૂલાત કરતાં બંને આરોપીઓએ કહ્યું હતું કે ટ્રેન ઉથલાવીને તેઓ ખ્યાતિ પામવા ઇચ્છતા હતા. પરંતુ તેમનું આ ષડયંત્ર સફળ થયું નહીં. જેથી બંને ડરીને દિલ્હી ભાગી જવાના હતા, પરંતુ તેમના ભાગવા પહેલા જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. આ બાદ બંનેને ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ બંને આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.