Saturday, November 23, 2024
More
    હોમપેજદેશરાજીનામું આપશે કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાય, રાજકારણમાં જોડાઈ શકે: બંગાળમાં અનેક...

    રાજીનામું આપશે કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાય, રાજકારણમાં જોડાઈ શકે: બંગાળમાં અનેક કૌભાંડોના કેસમાં આપ્યા હતા ED-CBI તપાસના આદેશ

    જસ્ટિસ ગંગોપાધ્યાય પોતાના અમુક નિર્ણયો અને ચુકાદાના કારણે ચર્ચામાં રહ્યા છે. જેમાં શિક્ષકોની ભરતીમાં થયેલા કૌભાંડનો કેસ પણ સામેલ છે, જેમાં તેમણે ભરતી પ્રક્રિયામાં થયેલી અનિયમિતતાઓની તપાસ કરવા માટે ED-CBIને આદેશ આપ્યા હતા. 

    - Advertisement -

    કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાય રાજીનામું આપવા જઈ રહ્યા છે. ABPની બંગાળ આવૃત્તિ સાથેની વાતચીતમાં તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, તેઓ મંગળવારે (5 માર્ચ, 2024) ન્યાયાધીશ પદેથી રાજીનામું આપશે. ચર્ચા ચાલી રહી છે કે તેઓ રાજકારણમાં ઝંપલાવશે. તેમણે આ બાબતે સંકેતો પણ આપ્યા છે. 

    ABPને તેમણે જણાવ્યું કે, “હું મંગળવારે રાજીનામું આપવા જઈ રહ્યો છું. આ નિર્ણય પાછળનાં વિસ્તૃત કારણો પછીથી આપીશ, પરંતુ મને લાગે છે કે હવે ન્યાયતંત્રમાં મારું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે મને લાગે છે કે લોકો સુધી પહોંચવા માટે મોટા ક્ષેત્રમાં જવું પડશે.” 

    શું તેઓ કોઇ રાજકીય પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે? તેવા પ્રશ્ન પર કહ્યું કે, “જવાબ હા પણ હોય શકે, ના પણ. આજે હું આની ઉપર કોઇ નિર્ણય નહીં કરું. આજે નહીં કહું કે કોઇ પાર્ટીમાં સામેલ પણ થઈશ તો કઈ પાર્ટીમાં જઈશ.”

    - Advertisement -

    જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ નહીં થાય. અભિજિત ગંગોપાધ્યાયે કહ્યું કે, “મેં તૃણમૂલશાસિત બંગાળને ‘ચોર સામ્રાજ્ય’ કહ્યું છે, તે પાર્ટીમાં સામેલ થવાનો કોઇ પ્રશ્ન નથી. હું કઈ પાર્ટીમાં સામેલ થાઉં તેના કરતાં પણ જરૂરી એ છે કે પશ્ચિમ બંગાળ બચવું જોઈએ. આજે બંગાળની સ્થિતિ સારી નથી, તેને બચાવવું જોઈએ કે નહીં.”

    બંગાળની સ્થિતિ વિશે તેમણે કહ્યું કે, “બંગાળની આ સ્થિતિ થશે તે હું કલ્પી શકતો પણ ન હતો. હું ઉદ્યોગો અને કૃષિ વિશે પણ સાંભળી રહ્યો છું. ખેડૂતોમાંથી મોટાભાગના કુપોષિત છે, તેમનું સ્વાસ્થ્ય સારું રહી શકે તેટલું તેમને મળતું નથી. આ અંધારુ દૂર થવું જરૂરી છે.” TMC વિશે કહ્યું કે, સત્તાપક્ષે મને પડકાર ફેંક્યો અને આ નિર્ણય લેવા માટે મજબૂર કર્યો છે. આગળ કહ્યું કે, “મને સત્તાપક્ષ (TMC) દ્વારા ઘણી વખત (રાજકીય) મેદાનમાં આવીને લડવાનો પડકાર આપવામાં આવ્યો, તો મેં વિચાર્યું- કેમ નહીં?” 

    કોણ છે જસ્ટિસ અભિજિત ગંગોપાધ્યાય?

    1962માં જન્મેલા અભિજિત ગંગોપાધ્યાય હાલ કલકત્તા હાઈકોર્ટના જજ તરીકે કાર્યરત છે. તેમણે અભ્યાસ કલકત્તામાં કર્યો અને હાઝરા કોલેજમાંથી લૉની ડિગ્રી મેળવી હતી. કૉલેજ પૂર્ણ કર્યા બાદ તેમણે વેસ્ટ બેંગાલ સિવિલ સર્વિસના એ-ગ્રેડ ઑફિસર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ પછીથી રાજીનામું આપીને કલકત્તા હાઈકોર્ટના એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. 2018માં તેઓ હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા અને 2020માં કાયમી ન્યાયાધીશ તરીકે નીમાયા હતા. 

    જસ્ટિસ ગંગોપાધ્યાય પોતાના અમુક નિર્ણયો અને ચુકાદાના કારણે ચર્ચામાં રહ્યા છે. જેમાં શિક્ષકોની ભરતીમાં થયેલા કૌભાંડનો કેસ પણ સામેલ છે, જેમાં તેમણે ભરતી પ્રક્રિયામાં થયેલી અનિયમિતતાઓની તપાસ કરવા માટે ED-CBIને આદેશ આપ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં