Monday, June 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIAએ વધુ એક આતંકીને પકડ્યો, લશ્કર-એ-તૈયબાના શોએબ અહેમદ...

    રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIAએ વધુ એક આતંકીને પકડ્યો, લશ્કર-એ-તૈયબાના શોએબ અહેમદ મિર્ઝાની ધરપકડ, અગાઉ આતંકી ષડ્યંત્ર મામલે દોષી ઠેરવાયો હતો

    રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસનો આરોપી શોએબ અહેમદ મિર્ઝા ઉર્ફે છોટુ દક્ષિણ ભારતમાં સક્રિય કટ્ટર ઇસ્લામિક આતંકીઓ પૈકીનો એક છે. NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે, અગાઉ લશ્કર-એ-તૈયબા બેંગ્લોર કેસમાં દોષિત ઠરેલો શોએબ મિર્ઝા જેલમાંથી છૂટ્યા બાદ નવા આતંકી ષડયંત્રમાં સામેલ થયો હતો.

    - Advertisement -

    બેંગ્લોરના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ મામલે NIAને વધુ એક સફળતા મળી છે. આ બ્લાસ્ટનું કનેક્શન આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે પણ નીકળ્યું છે. કેસની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ શુક્રવારે (24 મે, 2024) પાંચમા આતંકી શોએબ અહેમદ મિર્ઝા ઉર્ફે છોટુની ધરપકડ કરી લીધી છે. NIAએ ચાર રાજ્યોમાં દરોડા પાડીને આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી કર્ણાટકના હુબલીનો રહેવાસી છે. તેને પહેલાં પણ આતંકી પ્રવૃત્તિ મામલે દોષી ઠેરવવામાં આવ્યો હતો અને જેલમાંથી બહાર નીકળ્યા બાદ તે ફરી આતંકી પ્રવૃત્તિમાં સક્રિય થયો હતો. તેની ઉંમર 35 વર્ષ છે અને તે પ્રતિબંધિત ઇસ્લામી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલો છે.

    અહેવાલો અનુસાર, રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસનો આરોપી શોએબ અહેમદ મિર્ઝા ઉર્ફે છોટુ દક્ષિણ ભારતમાં સક્રિય કટ્ટર ઇસ્લામિક આતંકીઓ પૈકીનો એક છે. NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે, અગાઉ લશ્કર-એ-તૈયબા બેંગ્લોર કેસમાં દોષિત ઠરેલો શોએબ મિર્ઝા જેલમાંથી છૂટ્યા બાદ નવા આતંકી ષડયંત્રમાં સામેલ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે, વર્ષ 2018માં અહેમદ મિર્ઝાએ અબ્દુલ મતીન તાહાનો એક ઓનલાઈન હેન્ડલર સાથે પરિચય કરાવ્યો હતો, જે વિદેશમાં હોવાની શંકા હતી. અહેમદે તેમની વચ્ચે એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન માટે એક ઇ-મેઇલ આઈડી પણ આપ્યું હતું. અબ્દુલ મતીન તાહા બેંગ્લોરમાં રામેશ્વરમ કાફે બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે. તેણે બ્લાસ્ટને અંજામ આપ્યો હતો અને તેની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે, અબ્દુલ મતીન તાહાની 12 એપ્રિલ 2024ના રોજ કોલકાતામાં અન્ય આરોપી મુસાવીર હુસૈન શાજીબ સાથે ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે (21 મે, 2024), NIAએ વિસ્ફોટ પાછળના સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવા અને અન્ય આરોપીઓને ઓળખવા માટે ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. NIAની ટીમે આ સંબંધમાં કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જે અંતર્ગત હવે આતંકી શોએબની પણ ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    એન્જિનિયર સોહેલની પણ કરવામાં આવી હતી ધરપકડ

    અગાઉ, 21 મે, 2024ના રોજ, NIAએ બેંગ્લોરના કુમારસ્વરી લેઆઉટ અને બન્શાંકરીમાં પણ દરોડા પાડ્યા હતા. રામેશ્વરમ કાફે બ્લાસ્ટના મુખ્ય આતંકવાદીઓ મુસાવીર હુસૈન શાજીબ અને અબ્દુલ મતીન તાહાની પૂછપરછ કર્યા બાદ મળેલી માહિતીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. NIAના અધિકારીઓએ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના રાયદુર્ગમ શહેરમાં નિવૃત્ત હેડમાસ્ટર અબ્દુલના ઘરે પણ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં હેડમાસ્ટર અબ્દુલ અને તેના પુત્ર સોહેલની તેમના બેંક અકાઉન્ટ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. બંનેના ખાતામાંથી ઘણી બધી રકમ મળી આવી હતી. સોહેલ બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. આ પૂછપરછ બાદ NIAએ સોહેલની ધરપકડ કરી હતી. આ મામલામાં શોએબ અહેમદ મિર્ઝા સાથે અત્યાર સુધીમાં કુલ 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.

    નોંધનીય છે કે, બેંગ્લોરના બ્રુકફિલ્ડમાં ITPL રોડ પર સ્થિત રામેશ્વરમ કાફેમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટ થયો હતો, જેમાં ઘણા ગ્રાહકો અને સ્ટાફના સભ્યો ઘાયલ થયા હતા. 1 માર્ચ, 2024 ના રોજ રામેશ્વરમ કાફે વિસ્ફોટની તપાસ દરમિયાન, NIAએ સમગ્ર ભારતમાં 29 સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIA આ કેસમાં હેન્ડલરની ભૂમિકા અને આ બ્લાસ્ટ પાછળના મોટા ષડયંત્રની સતત તપાસ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં