Friday, November 15, 2024
More
    હોમપેજદેશબ્રેમ્પટનમાં ખાલિસ્તાની પ્રદર્શનમાં જોવા મળ્યો હતો જે અધિકારી, તેને કેનેડાની પોલીસે આપી...

    બ્રેમ્પટનમાં ખાલિસ્તાની પ્રદર્શનમાં જોવા મળ્યો હતો જે અધિકારી, તેને કેનેડાની પોલીસે આપી દીધી ક્લીનચિટ: ઝંડા ફરકાવતો જોવા મળ્યો હતો, પણ પોલીસ નવું લઈ આવી

    વિડીયો સામે આવ્યા બાદ કેનેડાની પીલ પોલીસે આ અધિકારી સોહીને સસ્પેન્ડ કરી દીધો હતો અને બાબત તેમના ધ્યાનમાં હોવાનું કહીને તપાસ શરૂ કરી હતી. પરંતુ હવે તપાસને અંતે આ પોલીસ અધિકારીને કેનેડિયન પોલીસે ક્લીનચીટ આપી દીધી છે.

    - Advertisement -

    તાજેતરમાં જ કેનેડાના બ્રેમ્પ્ટન (Brampton) ખાતે હિંદુ મંદિર પર ખાલિસ્તાનીઓએ હુમલો (Khalistani Attack on Hindu Temple) કરી દીધો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી પણ સામેલ હતો જેનો વિડીયો વાયરલ થયા બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે પોલીસે (Peel Police) તે અધિકારીને ક્લીનચિટ આપી દીધી છે. આ હુમલાના સામે આવેલ વિડીયોમાં આ અધિકારી હરિન્દર સોહી સ્પષ્ટરૂપે ખાલિસ્તાનનો ઝંડો પકડીને ફરતો જોવા મળ્યો હતો, પણ તેને ક્લીનચીટ આપતી પોલીસનું કહેવું છે કે પ્રદર્શન દરમિયાન તે માત્ર પોતાની ફરજ નિભાવી રહ્યો હતો અને તેણે કશું જ ખોટું કર્યું નથી.

    નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એક પોલીસ અધિકારી એક પ્રદર્શનકારીને મુક્કો મારી રહ્યો છે. આ ઘટના તે સમયે બની જ્યારે મંદિર પર ખાલિસ્તાનીઓએ હુમલો કર્યો હતો. 3 નવેમ્બરે ખાલિસ્તાનના સમર્થનમાં બેનરો લઈને આવેલા વિરોધીઓના એક જૂથે બ્રેમ્પટનમાં એક હિંદુ મંદિરની બહાર લોકો પર ખાલિસ્તાનીઓએ હુમલો કરી દીધો હતો. આ સમયે તે પોલીસકર્મી પણ હુમલાખોરોના ટોળામાં જોવા મળ્યો હતો. તે હાથમાં ખાલિસ્તાની ઝંડો લઈને ફરતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો.

    વિડીયો સામે આવ્યા બાદ કેનેડાની પીલ પોલીસે આ અધિકારી સોહીને સસ્પેન્ડ કરી દીધો હતો અને બાબત તેમના ધ્યાનમાં હોવાનું કહીને તપાસ શરૂ કરી હતી. પરંતુ હવે તપાસને અંતે આ પોલીસ અધિકારીને કેનેડિયન પોલીસે ક્લીનચીટ આપી દીધી છે. પોલીસે મંદિરની બહાર ઝપાઝપીમાં સામેલ પોલીસ અધિકારીના ફૂટેજ શેર કર્યા છે. પીલ પોલીસે જણાવ્યું હતું કે તપાસ દમિયાન જાણવા મળ્યું હતું કે, “પોલીસ અધિકારી હથિયાર મૂકવાની ના પડી રહેલ એક વ્યક્તિને નિઃશસ્ત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જે દરમિયાન વ્યક્તિએ તેની સાથે ઝપાઝપી કરી હતી.”

    - Advertisement -

    વિડીયો ઉપલબ્ધ હોવા છતાં કેનેડિયન પોલીસ સોહીનો બચાવ એમ કહીને કરી રહી છે કે તે તો માત્ર પોતાની ફરજ નિભાવી રહ્યો હતો અને તેણે કાંઈ ખોટું કર્યું નથી. પોલીસે આગળ કહ્યું કે, “વિરોધ દરમિયાન તણાવ વધી રહ્યો હતો, અને લોકોની સુરક્ષા ચિંતાનો વિષય બની ગઈ હતી. દરમિયાન ત્યાં હાજર દરેકની સલામતી માટે શસ્ત્ર તરીકે ઉપયોગમાં લઇ શકાય એવી દરેક વસ્તુઓ જપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.”

    ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં પહેલેથી જ કેનેડાની પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસકર્મી ખાલિસ્તાની પ્રદર્શનમાં સામેલ થવાની વાત માત્ર એક નથી, તે સિવાય તાજેતરમાં એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે પોલીસ મંદિરને સુરક્ષા પૂરી પાડવાના બદલામાં હિંદુ સમુદાય પાસે પૈસાની માંગણી કરી રહી છે. તે સિવાય ઘણા કોન્સ્યુલર કેમ્પ રદ પણ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે પોલીસે સુરક્ષા પૂરી પાડવામાં અસમર્થતા દર્શાવી હતી. ઉપરાંત, તાજેતરમાં મંદિર પર હુમલા મામલે એક ખાલિસ્તાનીની ધરપકડ તો કરવામાં આવી હતી, પણ પછીથી તરત તેને બીજી કોઈ તારીખે કોર્ટમાં હાજર રહેવાની શરતે મુક્ત પણ કરી દેવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં