ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન બિલ 2025 20 ઑગસ્ટના રોજ રજૂ કરવામાં આવ્યા બાદ લોકસભામાં પસાર થઈ ગયું છે. આ બિલ ધ્વનિ મતથી પારિત કરવામાં આવ્યું હતું. પ્રસ્તાવિત કાયદો ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપવા તેમજ રિયલ મની ગેમિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી પર પ્રતિબંધ મૂકવા માટે છે.
આ બિલનો ઉદ્દેશ્ય સકારાત્મક ગેમિંગને પ્રોત્સાહન આપવાનો છે. આ સિવાય ઓનલાઈન જુગાર, સટ્ટાબાજી અને રિયલ મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવા માટે પણ છે. નોંધનીય છે કે આવા પ્લેટફોર્મ પર ગેમિંગની આદત વ્યસન બની જતી હોય છે. આ સિવાય આવા પ્લેટફોર્મ્સ ધર્માંતરણ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા હોવાનું સામે આવી ચૂક્યું છે. તેથી વપરાશકર્તાઓ, ખાસ કરીને યુવાનોને છેતરપિંડી, મની લોન્ડરિંગ અને અન્ય ઓનલાઈન જોખમોથી સુરક્ષિત કરવા માટે સરકાર આ બિલ લાવી રહી છે..
Lok Sabha passes The Promotion and Regulation of Online Gaming Bill by voice vote amid din by Opposition. pic.twitter.com/jNjqVq17tz
— Press Trust of India (@PTI_News) August 20, 2025
આ બિલમાં જોગવાઈ છે કે રમતગમત મંત્રાલય માર્ગદર્શિકા નક્કી કરશે, જાગૃતિ ઝુંબેશ ચલાવશે અને તાલીમ અકાદમીઓ અને સંશોધન કેન્દ્રોને ટેકો આપશે. આ સિવાય સરકાર કુશળતા, સંસ્કૃતિ અને ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપતી સલામત, વય-યોગ્ય રમતોની નોંધણી અને સમર્થન કરી શકે છે.
મની ગેમ્સ, તેમના પ્રમોશન અને સંબંધિત નાણાકીય વ્યવહારો પર સંપૂર્ણ પ્રતિબંધ; ગેરકાયદેસર પ્લેટફોર્મને અવરોધિત કરવાની જોગવાઈ છે. બિલ અનુસાર કેન્દ્ર સરકાર ગેમિંગ પર નજર રાખશે, રમતોનું વર્ગીકરણ કરશે, મની ગેમ્સ નક્કી કરશે, ફરિયાદોનું નિવારણ કરશે અને માર્ગદર્શિકા જારી કરશે.
હવે બિલ રાજ્યસભામાં મોકલવામાં આવશે.

