છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે. તેવામાં મધ્ય ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે વડોદરા અને આસપાસના શહેરોમાં પૂરની સ્થિતિ (Vadodara Flood) સર્જાઈ હતી. ઉપરવાસમાં પડેલા અનાધાર વરસાદના કારણે આજવા ડેમ છલકાઈ ગયો હતો અને જેના પગલે તંત્રએ વિશ્વામિત્રી સહિતની નદીઓમાં પાણી છોડવું પડ્યું હતું. વિશ્વામિત્રી નદીમાં વધુ પડતા પાણીની આવક થતા વડોદરા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. લગભગ ચાર દિવસ સુધી પાણીમાં ડૂબેલા રહ્યા બાદ ગુરુવારે (29 ઓગસ્ટ 2024) પાણી ઓસરવાના શરૂ થયા હતા. બીજી તરફ તંત્ર અને સરકાર પણ એકશનમાં આવી અને યુધ્ધના ધોરણે સફાઈ કામ શરૂ કરી દેવામાં આવ્યું. આ બધા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વામિત્રી નદીને રી-ડેવલપ (Vishwamitri River Re-Developement) કરવા માટે ₹1200 કરોડ ફાળવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પાણી ઓસરતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે જિલ્લા કલેકટર કચેરીએ મહત્વના તમામ અધિકારીઓ સાથે બેઠકો કરી હતી. આ બેઠક દરમિયાન વડોદરામાં પૂરની તારાજીથી થયેલા નુકસાન અને તેની અસરોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા વહેલીતકે વડોદરાવાસીઓનું જનજીવન સામાન્ય થાય તે માટે જરૂરી તમામ પગલા લેવા તંત્રને સૂચના પણ આપવામાં આવી હતી. આ જ બેઠકમાં મુખ્યમંત્રી પાસે શહેરીજનો માટે વિશ્વામિત્રી રી-ડેવલપમેન્ટ માટેની પરવાનગી માંગવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાની મુલાકાત લઇ ભારે વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિ અંગે વડોદરા કલેકટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
— CMO Gujarat (@CMOGuj) August 29, 2024
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, વડોદરાના… pic.twitter.com/qhv7LXjPWa
તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના નાગરિકોની સુખાકારી માટે પ્રોજેક્ટને તાત્કાલિક સૈધાંતિક મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વામિત્રી નદીને રી-ડેવલપ કરવા માટે ₹1200 કરોડ ફાળવ્યા હતા. આ મંજૂરી મળતા વિશ્વામિત્રી નદી, વડોદરા શહેરના જળાશયો, આસપાસના ડેમ તેમજ પાણીને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે. આટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક કેશડોલ આપવા નિર્દેશ આપ્યા હતા. તંત્ર દ્વારા 35000થી વધુ રાશન કીટોનું વિતરણ કરવામાં આવ્યું તેમજ નુકશાનની સમીક્ષા કરવા 400 લોકોની એક ટીમ બનાવીને તેને કામે લગાડવામાં આવી છે. પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફાટી નીકળે તે હેતુથી અમદાવાદ, સુરત અને અન્ય શહેરોમાંથી સફાઈ કર્મચારીઓ વડોદરા પહોંચશે અને શહેરમાં સાફસફાઇની કામગીરીમાં જોડાશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વડોદરાની મુલાકાતે
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે-સાથે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે વડોદરાના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમની મુલાકાત લઈને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરીને જરૂરી સૂચનો આપીને થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે વડોદરાવાસીઓને પાણી ઓસર્યા બાદ હાલાકીનો સામનો ન કરવો પડે અને ખાસ કરીને ગંદકી અને તેનાથી રોગચાળો ન ફાટી નીકળે તે માટે લગતા-વળગતા તમામ લોકોને સૂચના આપી હતી.
Visited #Vadodara Command and control room, today.
— Harsh Sanghavi (@sanghaviharsh) August 29, 2024
– Held meetings to review the ongoing relief work and provide necessary instructions.
– Citizens are being evacuated from low-lying areas to safer locations, and essential food packets, water, and materials are being provided.… pic.twitter.com/qfy2WkYGDr
પોતાના X હેન્ડલ પર પોસ્ટ કરીને તેમણે માહિતી આપી હતી કે, વડોદરાના નીચાણવાળા વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડીને જરૂરી પાણી – ફૂડ પેકેટ્સ અને વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે વૃદ્ધો, બાળકો અને મહિલાઓને વિશેષ પ્રાથમિકતા આપીને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રીના જણાવ્યા અનુસાર બીમાર વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અને ગ્રામ્ય ટીમ દ્વારા મેડિકલ કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી દ્વારા ફાળવવામાં આવેલા ફંડની જાહેરાત પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા જ કરવામાં આવી હતી.