અમેરિકા અને ભારત વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદો 20 નવેમ્બરે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ડિફેન્સ સિક્યુરિટી કોઑપરેશન એજન્સીએ (DSCA) અમેરિકી કોંગ્રેસને જાણ કરી છે કે ભારતને $93 મિલિયનના (લગભગ 822 કરોડ રૂપિયા) મૂલ્યની જેવલિન એન્ટી-ટેન્ક મિસાઈલ સિસ્ટમ અને એક્સકેલિબર પ્રિસિઝન-ગાઈડેડ આર્ટિલરી પ્રોજેક્ટાઈલ્સનાં વેચાણની મંજૂરી આપી દેવામાં આવી છે. અમેરિકી કોંગ્રેસે પણ આ ડીલને મંજૂરી આપી છે. આ સોદો ભારતીય સેનાની આધુનિકીકરણ પ્રક્રિયામાં એક મહત્વનું પગલું છે, જે દેશની સરહદો પર વધતા જોખમોનો સામનો કરવામાં મદદ કરશે.
DSCAએ કોંગ્રેસને જાણ કરી છે કે ભારતને 100 FGM-148 જેવલિન એન્ટી-ટેક ગાઈડેડ મિસાઈલ, 25 લાઇટવેટ કમાન્ડ લૉન્ચ યુનિટ અને 216 M982A1 એક્સકેલિબર પ્રિસિઝન-ગાઈડેડ આર્ટિલરી રાઉન્ડસ મળશે, સાથે ટ્રેનિંગ, સ્પેરપાર્ટ્સ અને લાઈફસાઈકલ સપોર્ટ પણ મળશે. આ સોદાની મંજૂરી અમેરિકી વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા ઉદ્દેશ્યોને સમર્થન આપે છે. DSCAના જણાવ્યા અનુસાર આ સોદો અમેરિકાના ભારત જેવા મુખ્ય સંરક્ષણ સાથીને મજબૂત બનાવશે, જે ઇન્ડો-પેસિફિક અને દક્ષિણ એશિયામાં રાજકીય સ્થિરતા, શાંતિ અને આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સિવાય DSCAએ જણાવ્યું હતું કે આ સોદો ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વર્તમાન અને ભવિષ્યના જોખમોનો સામનો કરવામાં મદદ કરશે અને પ્રાદેશિક લશ્કરી સંતુલન પર નકારાત્મક અસર પણ નહીં કરે.
આ ઉપરાંત, અમેરિકાએ ભારત માટે એક્સકેલિબર પ્રોજેક્ટાઇલ્સનું સંભવિત લશ્કરી વેચાણ મંજૂર કર્યું છે. આ સોદાની અંદાજિત કિંમત $47.1 મિલિયન અથવા ₹4,17,38,30,085 છે. એક્સકેલિબર એક ચોકસાઇવાવાળું આર્ટિલરી પ્રોજેક્ટાઇલ છે, જે લાંબા અંતર પર પ્રહાર કરવા માટે તેની ચોકસાઈ માટે જાણીતું છે. ભારતીય સેનામાં તેનો સમાવેશ ભારતીય સેનાની આર્ટિલરી ક્ષમતાઓમાં વધુ વધારો કરશે.
અમેરિકા ભારતને શું આપશે?
અમેરિકાની ડિફેન્સ સિક્યુરિટી કોઑપરેશન એજન્સી (DSCA) અનુસાર, અમેરિકાએ આશરે $45.7 મિલિયનની FGM-148 જેવલિન એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમના સંભવિત વેચાણને મંજૂરી આપી છે. અમેરિકા તરફથી ભારતને 100 જેવલિન મિસાઇલ, એક ટેસ્ટ ફ્લાય-ટુ-બાય મિસાઇલ, 25 કમાન્ડ-લૉન્ચ યુનિટ, તાલીમ પ્રણાલીઓ, સિમ્યુલેશન રાઉન્ડ, સ્પેરપાર્ટ્સ અને લાઈફ-ટાઈમ સપોર્ટ આપવામાં આવશે.
અમેરિકાએ ભારત માટે મિસાઈલ સાથે ટ્રેનિંગ એઇડ્સ, સિમ્યુલેશન રાઉન્ડ્સ, બેટરી કૂલન્ટ યુનિટ્સ, ઑપરેટર મેન્યુઅલ્સ, લાઈફસાઈકલ સપોર્ટ, સ્પેરપાર્ટ્સ, ટૂલ કીટ્સ અને રિફર્બિશમેન્ટ સેવાઓ પણ મંજૂર કરી છે. આ પેકેજની કિંમત $45.7 મિલિયન છે. આનો અર્થ એ છે કે ભારતને ફક્ત જેવલિન મિસાઇલો જ નહીં પરંતુ સમગ્ર મિસાઇલ ઇકોસિસ્ટમ મળશે.
જેવલિન મિસાઇલ સહિતનાં હથિયારોની વિશેષતાઓ
FGM-148 જેવલિનને વિશ્વની સૌથી અદ્યતન એન્ટી-ટેન્ક મિસાઇલ સિસ્ટમ્સમાંની એક માનવામાં આવે છે. તે ખભા પર લઈ જઈ શકાય એવી થર્ડ-જનરેશન એન્ટી-ટેન્ક મિસાઈલો છે, જે ટેન્કનો પણ વિનાશ કરી શકે છે. ફક્ત ટેન્ક જ નહીં, આ મિસાઇલ પરંપરાગત શસ્ત્રોની રેન્જથી આગળ વધીને ઇમારતો, છુપાયેલા બંકરો અને સૈન્ય વાહનોને પણ નિશાન બનાવી શકે છે. જેવલિન એક અદ્યતન એન્ટી-ટેન્ક મિસાઇલ છે, જેનો ઉપયોગ દુશ્મનના સશસ્ત્ર વાહનો અને જમીન પરના કિલ્લેબંધીવાળા સ્થળોને નિશાન બનાવવા માટે કરી શકાય છે.
આ મિસાઈલ ટાર્ગેટ લૉક કરવા માટે અદ્યતન IR સીકરનો ઉપયોગ કરે છે, જેનાથી જામિંગ ઓછું અસરકારક બને છે. આ મિસાઈલ આધુનિક ટેન્કો અને સશસ્ત્ર વાહનો સામે ખૂબ અસરકારક છે. તેની રેન્જ આશરે 2.5 કિલોમીટર છે. તે વજનમાં એટલી હલકી છે કે બે સૈનિકો તેને સરળતાથી લઈ જઈ શકે છે. મિસાઈલની એક વિશેષતા એ પણ છે કે તે રાત્રિના અંધારામાં પણ ચોકસાઈ સાથે ટાર્ગેટને ભેદી શકે છે.
આ મિસાઈલોનું નિર્માણ RTX કોર્પોરેશન અને લૉકહીડ માર્ટિન સાથે મળીને કરે છે. આ ઉપરાંત તે ટૉપ-એટેક મોડમાં ઉપરથી વાર કરે છે, જ્યાં કોઈપણ ટેન્કનું કવચ સૌથી નબળી સ્થિતિમાં હોય છે. આ કારણે તે દુશ્મનના બખ્તરબંદ વાહનોને પણ સરળતાથી ટાર્ગેટ કરી શકે છે. તેમાં સોફ્ટ-લૉન્ચ ટેકનોલોજી પણ હોય છે, જેથી તેને ઇમારતો, બંકરો અથવા કોઈપણ બંધ જગ્યાની અંદરથી પણ ઉપયોગમાં લઈ શકાય છે. એક જેવલિન સિસ્ટમમાં એક ડિસ્પોજેબલ લૉન્ચ ટ્યુબ અને એક રીયુઝેબલ કમાન્ડ લૉન્ચ યુનિટ હોય છે.
આ એક્સકેલિબર ગોળા ભારતીય તોપખાનાને GPS આધારિત અત્યંત સચોટ નિશાન સાધવાની ક્ષમતા આપે છે. તેનાથી એક જ વારમાં લક્ષ્યને ભેદવાની સંભાવના વધે છે અને અનિચ્છનીય નુકસાન (કોલેટરલ ડેમેજ) ઘટે છે. DSCAએ જણાવ્યું છે કે આ સોદામાં પ્રાઈમર, પ્રોપેલન્ટ ચાર્જ, પોર્ટેબલ ઈલેક્ટ્રોનિક ફાયર કંટ્રોલ સિસ્ટમ્સ (PEFCS), ઈમ્પ્રૂવ્ડ પ્લેટફોર્મ ઈન્ટિગ્રેશન કીટ (iPIK), તકનીકી સહાય, ડેટા અને સમારકામ સેવાઓ પણ સામેલ છે.
M982 એક્સકેલિબર: ગેમ-ચેન્જર
આર્ટિલરી સિસ્ટમની વાસ્તવિક તાકાત તેની મારક દૂરી અને વોરહેડની ક્ષમતા પર આધાર રાખે છે. એક્સકેલિબર આ બંનેમાં શ્રેષ્ઠ છે. GPS-ગાઇડન્સને કારણે તે સામાન્ય ગોળાની જેમ વેરવિખેર થઈને નહીં, પરંતુ અત્યંત સચોટ બિંદુ પર પ્રહાર કરે છે. તેનું હાઇ-એક્સપ્લોઝિવ બ્લાસ્ટ-ફ્રેગમેન્ટેશન વોરહેડ મજબૂત કિલ્લેબંધી, ભૂગર્ભ બંકરો અને જાડી કોંક્રિટની રચનાઓને પણ ધ્વસ્ત કરી શકે છે. આ ઉપરાંત, તેમાં સેન્સર-ફ્યૂઝ્ડ વોરહેડનો વિકલ્પ પણ છે જે ઉપરથી હુમલો કરીને ટેન્કોને નષ્ટ કરી શકે છે.
ક્લસ્ટર-ટાઇપ બૉમ્બલેટ લગાવવાનો વિકલ્પ તેને વિશાળ વિસ્તારમાં નુકસાન પહોંચાડવામાં સક્ષમ બનાવે છે, ખાસ કરીને દુશ્મનની આર્ટિલરી, સપોર્ટ વાહનો અને આગળ વધતી ટુકડીઓ સામે. સૌથી ખાસ વાત એ છે કે એક્સકેલિબર છુપાયેલી નાની પણ ખતરનાક ટીમો – જેમ કે સ્નાઇપર, મશીનગન પોઝિશન કે ATGM લૉન્ચ ટીમ પર પણ અત્યંત સચોટ પ્રહાર કરી શકે છે, જે આધુનિક યુદ્ધમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
ભારત માટે કેમ મહત્વપૂર્ણ?
નોંધનીય છે કે યુક્રેને રશિયા સામેના યુદ્ધમાં જેવલિન મિસાઇલનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો. 2022માં યુદ્ધ શરૂ થયું ત્યારથી યુએસ અને નાટો દેશોએ યુક્રેનને હજારો જેવલિન મિસાઇલો પૂરી પાડી હતી, જેનો ઉપયોગ યુક્રેનિયન સૈનિકોએ રશિયન ટેન્કો સામે કર્યો હતો. ઘણા અહેવાલોમાં સામે આવ્યું છે કે T-72 અને T-90 જેવી રશિયન ટેન્કો જેવલિનના ટોચના હુમલાના ફાયરપાવરનો સામનો કરી શકી નહોતી.
આ મિસાઈલ પર્વતીય યુદ્ધમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. LAC પર આ મિસાઈલ ખૂબ ઉપયોગી બનશે. કારણ કે LAC પડકારજનક ભૂપ્રદેશ ધરાવતો પ્રદેશ છે અને જ્યાં ચીને તેના સશસ્ત્ર પ્લેટફોર્મ અને પર્વતીય માળખાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવ્યું છે. વધુમાં પાકિસ્તાન પાસે ચીની ટેન્કો પણ છે, જેના કારણે આ મિસાઈલ પાકિસ્તાન સામે પણ ખૂબ અસરકારક સાબિત થશે. ભારતીય સેના આ મિસાઈલનો ઉપયોગ પાકિસ્તાની ટેન્કોનો નાશ કરવા માટે કરી શકે છે.


