Monday, April 29, 2024
More
    હોમપેજક્રાઈમભરૂચમાં અતીક સૈયદે આરવ બનીને હિંદુ યુવતીને ફસાવીને લગ્ન કર્યા, ધ કેરાલા...

    ભરૂચમાં અતીક સૈયદે આરવ બનીને હિંદુ યુવતીને ફસાવીને લગ્ન કર્યા, ધ કેરાલા સ્ટોરી જોઈને સબંધ તોડતાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી; ગુનો દાખલ થયા બાદ ધરપકડ

    પીડિતાએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ જોયા બાદ સબંધ તોડી નાંખતાં અતીકે અનેક વખત તેનો પીછો કરીને સોશિયલ મીડિયા પર તેમના ફોટા વાયરલ કરવાની અને આપઘાત કરી લેવાની ધમકીઓ આપી હતી. 

    - Advertisement -

    ભરૂચમાંથી એક લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. અહીં એક અતીક સૈયદ નામના મુસ્લિમ યુવક પર હિંદુ નામ ધારણ કરીને હિંદુ યુવતીને ફસાવવાનો અને રજિસ્ટર મેરેજ કરી લેવાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે તેણે ‘આરવ પરમાર’ નામ રાખીને યુવતીને ફસાવી હતી અને પોતે હિંદુ હોવાનું સાબિત કરવા માટે મંદિરે જઈને માથે તિલક કરેલા ફોટા મૂકતો હતો. ભરૂચ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    ફરિયાદ અનુસાર, પીડિત હિંદુ યુવતી ભરૂચની એક કંપનીમાં નોકરી કરતી હતી. જ્યાં ઓફિસના માલિક અને અન્ય બે વ્યક્તિઓએ તેનો પરિચય એક યુવક સાથે કરાવ્યો હતો, જેણે પોતાનું નામ આરવ પરમાર જણાવ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને યુવક પણ અનુસૂચિત જાતિનો જ હોવાનું માનીને બંનેએ વડોદરા ખાતે મેરેજ રજિસ્ટર કરાવ્યા હતા. આરોપ છે કે ત્યારબાદ યુવકે અનેક વખત પીડિતા સાથે હોટેલ અને અન્ય જગ્યાઓએ શારીરિક સબંધો બાંધ્યા હતા. 

    ધ કેરાલા સ્ટોરી જોઈને તોડ્યા સંબંધ, ફોટા વાઇરલ કરવાની આપી ધમકી

    રિપોર્ટ અનુસાર, યુવતી અને આરોપી કારમાં ફરવા નીકળ્યા હતા ત્યારે કારમાંથી યુવતીને મેરેજ સર્ટિફિકેટ હાથ લાગ્યું હતું, જેમાં યુવકનું નામ આરવ પરમાર નહીં પરંતુ અતીક સૈયદ લખવામાં આવ્યું હતું. સાથે જ તેણે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ જોતા તેને લવ જેહાદ કેટલું ખતરનાક હોય છે એ સમજમાં આવ્યું હતું. જે બાદ આરવ ખરેખર મુસ્લિમ હોવાની જાણ થતાં યુવતીએ સબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

    - Advertisement -

    પીડિતાએ સબંધ તોડી નાંખતાં અતીકે અનેક વખત તેનો પીછો કરીને સોશિયલ મીડિયા પર તેમના ફોટા વાયરલ કરવાની અને આપઘાત કરી લેવાની ધમકીઓ આપી હતી. આ બાબતે યુવતીના પરિવારે પોલીસને જાણ પણ કરી હતી જે બાદ અતીક ભાગતો ફરતો હતો.

    ‘તમારી છોકરીએ અમારા છોકરા સાથે લગ્ન કર્યા એટલે એ મુસ્લિમ બની ગઈ’

    ફરિયાદ છે કે આરોપી અતીકના માતા-પિતાએ યુવતીના ઘરે જઈને કહ્યું હતું કે, “તમારી છોકરીએ મારા છોકરા સાથે લગ્ન કર્યાં છે એટલે હવે તે મુસ્લિમ છે, તેને અમારા ઘરે મોકલી આપો.” તેમણે એવું પણ કહ્યું હતું કે તમે નીચી જાતિના છો અને તમારી છોકરી મુસ્લિમ પરિવારમાં આવશે તો ઊંચી જાતિની બની જશે.

    જ્યારે એક રિપોર્ટ અનુસાર, યુવકના બનેવીએ યુવતીને ફોન પર કહ્યું હતું કે, અતીક સાથે તેના નિકાહ અલ્લાહની મરજીથી થયા છે અને તે હવે ઇસ્લામના માર્ગે છે. ઇસ્લામ જ શ્રેષ્ઠ ધર્મ છે તેમ કહીને તેણે યુવતીને અતીક સાથે રહેવા જવા માટે દબાણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. 

    આખરે યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે અતીક સૈયદ સામે બળાત્કાર અને એટ્રોસિટીની કલમ હેઠળ કેસ દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી. તેનું મેડિકલ પરીક્ષણ કરીને મોબાઈલ કબ્જે કરી કોર્ટમાં રજૂ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યારે આ ગુનામાં અતીકના માતા-પિતા અને યુવતી સાથે તેની ઓળખ કરનાર અન્ય 3 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં