ગુજરાતમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. તાજી ઘટનામાં જામનગરમાં શેફૂલ્લાખાને લવ જેહાદ આચરી 22 વર્ષીય હિંદુ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, મુસ્લિમ આરોપીએ પોતાની અસલ ઓળખ છુપાવીને હિંદુ રીતિરિવાજ મુજબ પીડિતા સાથે લગ્ન પણ કર્યા હતા. આ માટે તેણે પોતાના ખોટા ઓળખપત્રો પણ બનાવડાવ્યા હતા. જયારે પીડિતાને વાસ્તવિકતાની જાણ થઈ ત્યારે આરોપી શેફૂલ્લાખાન ભાગી છુટ્યો હતો. આ મામલે ફરિયાદ દાખલ થતા પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
મળતી માહિતી અનુસાર જામનગર શહેરના પોશ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય હિંદુ યુવતીને પૃથ્વીરાજસિંહ ઝાલા નામ ધારણ કરી શેફૂલ્લાખાન આરીફખાન લોહાણીએ પ્રેમસબંધમાં ફસાવી હતી. ત્યાર બાદ પીડિતાને વિશ્વાસમાં લઇ હિંદુ રીવાજ મુજબ લગ્ન પણ કર્યા હતા. જે બાદ આરોપીએ અનેકવાર પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ યુવતીને જાણ થઈ હતી કે પૃથ્વીરાજ મૂળ શેફૂલ્લાખાન છે. જે પછી આરોપીએ પોતે હિંદુ ધર્મ અંગીકાર કરી લેશે તેવી બાહેંધરી આપતા બંને ફરી પતિ-પત્ની તરીકે રહેવા લાગ્યા હતા.
ખોટી ઓળખ ઉભી કરવા ઓળખપત્રો પણ બનાવ્યા
જામનગરમાં શેફૂલ્લાખાને લવ જેહાદ આચરવા માટે ખોટા ઓળખના પુરાવાઓ ઉભા કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. મીડિયા રીપોર્ટસ અનુસાર લોન આપવાના બહાને પીડિતાને મળ્યા બાદ આરોપી અવાર-નવાર તે યુવતીને મેસેજ દ્વારા અને કાગળો ખૂટે છે તેવા બહાના હેઠળ બોલાવતો હતો અને સંપર્ક કેળવ્યો હતો. પીડિતાએ ક્રોસ વેરીફીકેશન માટે આરોપીના ઓળખપત્ર માંગતા શેફૂલ્લાએ ખોટા ઓળખના પુરાવાઓ પણ પીડિતાને દેખાડ્યા હતા. જે બાદ શેફૂલ્લાખાને પીડિતાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી.
શેફૂલ્લાખાન પરણિત હોવાની માહિતી મળતા જ પીડિતા ભાંગી પડી
પ્રેમજાળમાં ફસાયા બાદ શેફૂલ્લાએ યુવતી સાથે લગ્ન કર્યા, અને તેની સાથે રહેવા લાગ્યો હતો. તેવામાં તેના હિંદુ ન હોવાની પોલ ખુલી જતા આરોપીએ પોતે હિંદુ ધર્મ અંગીકાર કરી લેશે તેવી બાહેંધરી આપીને પીડિતાને ફરી વિશ્વાસમાં લીધી હતી. પરંતુ એક દિવસ કોઈ રીતે પીડિતાને જાણ થઈ ગઈ હતી કે શેફૂલ્લા પહેલેથી પરણિત છે, જે બાદ પીડિતા ભાંગી પડી હતી. તેણે તાત્કાલિક શેફૂલ્લાનું ઘર છોડી દીધું હતું અને પોતાના માતાપિતા પાસે રહેવા આવી ગઈ હતી. પરીવારને શેફૂલ્લાની હકીકતની જાણ થતાં જ તેઓએ આ શેફૂલ્લાખાન આરીફખાન લોહાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી જેલના હવાલે કરી દીધો હતો.
કોર્ટે શેફૂલ્લાની જામીન અરજી ફગાવી
પોલીસને ફરિયાદ મળતા ગુપ્તરાહે કાર્યવાહી કરી શેફૂલ્લાને જેલ હવાલે કર્યા બાદ તેણે જામીન પર છૂટવા માટેની અરજી કોર્ટમાં દાખલ કરી હતી. આ અરજી સામે પીડિત યુવતીએ જામનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં પુરજોરથી વિરોધ કરી પોતે એક મોટા ષડયંત્રની શિકાર બની હોવાની અને લવ જેહાદની ભોગ બની હોવાની અરજી કોર્ટ સમક્ષ કરી હતી.
જે બાદ ઘટનાના તમામ પાસાઓને અને દલીલો તથા પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે પીડિતની અરજી ધ્યાને લીધી હતી, અને શેફૂલ્લાખાનની જામીન અરજી ફગાવી દીધી હતી.