જામનગરમાં એક લવ જેહાદ કેસ સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ યુવકે પોતાનું સાચું નામ છુપાવીને યુવતી સાથે સંપર્ક કેળવ્યો હતો અને બાદમાં લગ્નની લાલચ આપીને 2 વર્ષ સુધી શારીરિક સબંધો બાંધતો રહ્યો હતો. યુવતીએ જ્યારે તેને લગ્ન કરવા માટે દબાણ કર્યું, ત્યારે તેને ખબર પડી હતી કે તેના પાર્ટનરનું નામ સૈફુલ્લા ખાન છે. જે બાદ યુવતીએ પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું અને સ્થાનિક પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી.
મળતા અહેવાલો અનુસાર જામનગરના સૈફુલ્લાખાને પોતાનું સાચું નામ છુપાવીને હિંદુ ઓળખ ધારણ કરીને એક હિંદુ યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તે આરોપીને 2 વર્ષ પહેલાં એક મોલમાં ખરીદી કરતા સમયે સંપર્કમાં આવી હતી. તેણે એસીની ખરીદી કરવી હતી, જે માટે તે મોલ ગઈ હતી, જ્યાં તેને આરોપી યુવક મળ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તે સમયે આરોપીએ પોતાની ઓળખ હિંદુ તરીકે આપી હતી. બંને વચ્ચે પરિચય થયા બાદ મિત્રતા થઇ અને પછી આ સબંધો ‘પ્રેમ’માં પરિવર્તિત થયા હતા. જે બાદ સૈફુલ્લાખાને યુવતીને લગ્નની લાલચ આપીને અનેક વખત શારીરિક સબંધો બાંધ્યા હતા.
થોડા સમય બાદ જ્યારે યુવતીએ આરોપી યુવકને લગ્ન કરવા દબાણ કર્યું, ત્યારે તેણે પોતાની અસલ ઓળખ છતી કરી હતી. જે બાદ ડઘાઈ ગયેલી પીડિતાએ તેની સાથેના તમામ સબંધો તોડી નાંખ્યા હતા. તેમ છતાં આરોપી સૈફુલ્લાખાન અવાર-નવાર પીડિતાને ધાકધમકીઓ આપીને દુષ્કર્મ આચરતો રહેતો હતો. અંતે સૈફુલ્લાખાનની હરકતોથી ત્રાસી ગયેલી પીડિત યુવતીએ પોલીસની મદદ લેવાનો નિર્ણય લીધો હતો. જે બાદ તેણે શહેરના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે .
પીડિતાએ આપેલી ફરિયાદના અનુસંધાને જામનગર સીટી પોલીસે કેસના આરોપી સૈફુલ્લાખાન આરિફખાન હાલાણીની અટકાયત કરી છે અને તેના મેડિકલ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, પીડિતાના પણ મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હાલ આ લવ જેહાદનો કિસ્સો જામનગર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.