હોમપેજગુજરાતતાપીના સોનગઢમાં હિંદુ યુવકના ઘર પર પથ્થરમારો, નમાજ બાદ 'સર તન સે...

તાપીના સોનગઢમાં હિંદુ યુવકના ઘર પર પથ્થરમારો, નમાજ બાદ ‘સર તન સે જુદા’ના નારા સાથે મસ્જિદમાંથી ધસી આવ્યું ટોળું: 9ની ધરપકડ

નમાજ બાદ મસ્જિદમાંથી 'સર તન સે જુદા'ના નારા લગાવીને ધસી આવેલા ટોળાએ હિંદુ યુવકના ઘરે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. દરમ્યાન યુવકે સ્થિતિની ગંભીરતા જોતાં પોલીસને જાણ કરી દીધી હતી. ઉપરાંત હિંદુ સંગઠનના માણસોને પણ સૂચના આપી દીધી હતી.

- Advertisement -

તાપી જિલ્લાના સોનગઢમાં એક હિંદુ યુવકના ઘર પર મુસ્લિમ ટોળાંએ પથ્થરમારો કર્યાની ઘટના બની છે. મંગળવારે (20 ઑક્ટોબર) સાંજની નમાજ બાદ મસ્જિદમાંથી ટોળું ધસી આવ્યું હતું અને ‘સર તન સે જુદા’ના નારા લગાવીને હિંદુ યુવકના ઘર પર પથ્થરમારો કર્યો હતો. આ મામલે સોનગઢ પોલીસે ટોળા સામે ગુનો દાખલ કરીને 9 શખ્સોની ધરપકડ કરી લીધી છે અને અન્ય 1 સગીરની અટકાયત કરવામાં આવી છે.

વધુ વિગતો અનુસાર, ‘વ્યારા હિંદુ પરિષદ’ નામના એક ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી નવરાત્રિ દરમ્યાન ગરબા પંડાલમાંથી એક મુસ્લિમ યુવકને પકડવામાં આવ્યો હોવાની પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટ પર એક મુસ્લિમ શખ્સે ગરબા વિશે ‘ગર્ભવતી પંડાલ’ એવી અભદ્ર ટિપ્પણી કરી હતી.

સોનગઢના જ એક ગૌરવ ચૌધરી નામના હિંદુ યુવકે આ કૉમેન્ટનો વિરોધ કર્યો અને ત્યારબાદ અન્ય અમુક મુસ્લિમ યુવાનો સાથે પણ તેની દલીલો થઈ હતી.

- Advertisement -

હિંદુ યુવકની ટિપ્પણીઓનો ખાર રાખીને સોનગઢના સ્થાનિક મુસ્લિમોએ યુવક વિરુદ્ધ પોલીસ મથકે એક અરજી આપી હતી. ત્યારબાદ એક મુસ્લિમ શખ્સ પોલીસ સાથે યુવકના ઘરે પહોંચ્યો અને કૉમેન્ટ ડિલીટ કરવાનું કહીને સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. યુવકે પોલીસની હાજરીમાં કૉમેન્ટ હટાવી દીધી હતી.

ત્યારબાદ મંગળવારે (20 ઑક્ટોબર) સોનગઢના જૂના મુસ્લિમ ફળિયામાં આવેલી જુમ્મા મસ્જિદમાં સાંજની નમાજ બાદ મોટું ટોળું યુવકના ઘર સુધી ધસી આવ્યું હતું. યુવક જૂના મુસ્લિમ ફળિયામાં જ રહે છે અને તેના ઘરથી મસ્જિદનું અંતર પચાસ મીટર જેટલું જ છે. વિસ્તારમાં હિંદુઓનાં ચાર-પાંચ ઘરો છે, બાકીનો મુસ્લિમ બહુલ વિસ્તાર છે.

નમાજ બાદ મસ્જિદમાંથી ‘સર તન સે જુદા’ના નારા લગાવીને ધસી આવેલા ટોળાએ હિંદુ યુવકના ઘરે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. દરમ્યાન યુવકે સ્થિતિની ગંભીરતા જોતાં પોલીસને જાણ કરી દીધી હતી. ઉપરાંત હિંદુ સંગઠનના માણસોને પણ સૂચના આપી દીધી હતી.

પછીથી પોલીસ આવી હોવા છતાં ટોળાએ પથ્થરમારો ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ પોલીસ યુવકને બેસાડીને પોલીસ મથકે લઈ જઈ રહી હતી ત્યારે પણ ટોળું તેને હુમલો કરવાના ઇરાદે ઘેરી વળ્યું હતું. વધુ સુરક્ષા મગાવ્યા બાદ યુવકને સલામત ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ ટોળું વિખેરી નાખવામાં આવ્યું હતું.

આ મામલે ગૌરવ ચૌધરીના પિતાની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે 6 આરોપીઓ સામે નામજોગ અને બાકીના ટોળા સામે FIR દાખલ કરી હતી. ત્યારબાદ પોલીસે 9 આરોપીઓને પકડી લીધા હતા. ઉપરાંત એક સગીરની અટકાયત કરવામાં આવી.

બુધવારે (21 ઑક્ટોબર) આરોપીઓને ઘટનાસ્થળ પર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. હાલ આરોપીઓ કસ્ટડીમાં છે.

પહેલાં એક મૌલવીએ રેકી કરી હતી: હિંદુ યુવક

ગૌરવ ચૌધરીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે ટોળું હુમલો કરવા આવ્યું એ પહેલાં એક મૌલવી ઘરની બહાર રેકી કરીને ગયો હતો અને ગૌરવ ઘરમાં જ હોવાની ખાતરી કર્યા બાદ હુમલો કરવામાં આવ્યો હતો. નમાજ બાદ સીધું ટોળું ધસી આવ્યું હતું અને પથ્થરમારો કર્યો હતો. ગૌરવની માંગ છે કે FIRમાં મૌલવીને પણ આરોપી બનાવવામાં આવે અને તેની સામે પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરાય.

પોલીસ સૂત્રોએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે યુવકના પિતાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યા બાદ 9ની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગુનાહિત કાવતરું છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. જો ફરિયાદી તરફથી અન્ય નામો આપવામાં આવશે તો તેમની વિરુદ્ધ પણ તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગરબા વિશે અભદ્ર ટિપ્પણી કરનાર અને મૌલવી વિરુદ્ધ કાર્યવાહીની હિંદુ સંગઠનોની માંગ

પોલીસે ગરબા વિશે ટિપ્પણી કરનાર શખ્સ વિરુદ્ધ હજુ સુધી કોઈ કાર્યવાહી શરૂ કરી નથી. હિંદુ સંગઠનોની માંગ છે કે તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે. સાથે વિશ્વ હિંદુ પરિષદે કહ્યું કે આરોપીઓ પકડાયા છે પરંતુ મુખ્ય કાવતરાખોર મૌલવી હજુ પકડની બહાર છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે મૌલવી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. સંગઠને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરી હતી.

હાલ સોનગઢમાં સ્થિતિ સામાન્ય છે અને હિંદુ યુવકના ઘરે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં