વડોદરાના કરજણમાં એક હિંદુ યુવતી સાથે તેને ફસાવીને તેના ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવાના આરોપસર ઈઝહાર દીવાન નામના ઈસમ સામે FIR દાખલ થઇ છે. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
બનાવની વિગતો અનુસાર, કરજણમાં રહેતી એક યુવતી બે વર્ષ પહેલાં નર્સીંગનો અભ્યાસ કરી રહી હતી, દરમ્યાન ભરૂચના પાલેજનો રહેવાસી ઈઝહાર દીવાન પણ તેની સાથે જ અભ્યાસ કરતો હતો. અભ્યાસ દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને જે બાદ બંને એકબીજા સાથે ફોન પર વાતચીત પણ કરતાં હતાં.
બંને વચ્ચેનો સબંધ પ્રેમમાં પરિવર્તિત થયા બાદ આરોપી ઈઝહારે યુવતીને પ્રાઇવેટ પાર્ટ્સના ફોટા મોકલવા માટે દબાણ કર્યું હતું, પરંતુ યુવતી માની ન હતી. જે બાદ ફોન કરીને, ‘આ જમાનામાં આ બધું ચાલે છે અને તારે ફોટા ન મોકલવા હોય તો મને વિડીયો કૉલ કરીને બતાવ’ એમ કહી યુવતીને ફોસલાવી હતી.
યુવતી પણ તેની વાતમાં આવી જઈને વિડીયો કોલ કરી ઈઝહારના કહેવા મુજબ કર્યું હતું, પરંતુ ત્યારે યુવકે તેના સ્ક્રીનશોટ પાડી લીધા હતા. જે બાદ તેણે યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને દુષ્કર્મ આચર્યું હતું.
રિપોર્ટ અનુસાર, ઈઝહારે યુવતીને ફોન કરીને તેણે તેના બધા સ્ક્રીનશોટ લઇ લીધા હોવાનું કહીને તેને તે કહે તેમ જ કરવા માટે દબાણ કર્યું હતું. ફરિયાદ અનુસાર, જે બાદ બે મહિના અગાઉ યુવતી ઘરે જઈ રહી હતી ત્યારે ઈઝહાર તેની પાસે પહોંચી ગયો હતો અને તેને લઈને કરજણના પુલ પાસે આવેલ એકાંત સ્થળે લઇ જઈને ફોટા-વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.
જે બાદ પણ એક દિવસ યુવતીને નોકરી પરથી ફોન કરીને બોલાવી રેલવે સ્ટેશનની પાછળ બોલાવી એકે ગેસ્ટહાઉસમાં લઇ જઈ બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
આ અંગે, આખરે યુવતીએ તેના માતા-પિતાને જાણ કરતાં તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતાં અને ભરૂચના પાલેજના રહેવાસી ઈઝહાર દીવાન સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ઈઝહાર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
બનાવ અંગે જાણકારી આપતા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કરજણ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ દુષ્કર્મના આરોપસર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ મામલાની તપાસ IUCAW કરશે. પોલીસે હાલ આ મામલે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હોવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ કરજણમાં આ જ પ્રકારના હિંદુ યુવતી સાથે દુષ્કર્મ અને બ્લેકમેલિંગનો કેસ સામે આવી ચૂક્યો છે. ગત જુલાઈ મહિનામાં એક યુવતીને સરફરાઝ નામના ઇસમે ગેસ્ટહાઉસમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની અને અંગતપળોના ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરજણ પોલીસ મથકે નોંધાઈ હતી. જે બાદ કેસ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.